Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણડિયર રાહુલ ગાંધી, રામકાજ માટે શરૂ થયેલું આંદોલન ક્યારેય હારતું નથી; કોર્ટમાં...

    ડિયર રાહુલ ગાંધી, રામકાજ માટે શરૂ થયેલું આંદોલન ક્યારેય હારતું નથી; કોર્ટમાં એફિડેવિટ કરીને ભગવાનનું અસ્તિત્વ નકારનારાઓએ પણ ‘રામનામ’ લેવું પડે એ તેની સફળતા છે!

    રામ જન્મભૂમિ આંદોલનથી આ દેશમાં હિંદુ આસ્થાનો એક નવો ઉદય થયો હતો. એ શિલાન્યાસ એકમાત્ર મંદિરનો નહીં પણ હિંદુ રાષ્ટ્રનો હતો. આ આંદોલનથી હિંદુઓને તેમના દેશમાં એ સ્થાન મળ્યું, જે તુષ્ટિકરણના રાજકારણના લીધે મળ્યું ન હતું.

    - Advertisement -

    સતત બે વર્ષથી નાપાસ થતો બાળક ત્રીજી વખત માત્ર પાસ થવા માટે પરીક્ષા આપતો હોય અને તેમાં ન માત્ર પાસ થઈ જાય પણ ધારવા કરતાં સારું પરિણામ લઇ આવે તો ઉત્સાહ અને ઘમંડ બંને વધી જાય છે. ભારતના ચૂંટણીલક્ષી રાજકારણમાં આ બાળક રાહુલ ગાંધી છે. ‘24ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની 99 બેઠકો આવી પછી તેમના અહંકારનું સ્તર સતત વધતું જાય છે. તેમની સાથે પાર્ટીના અન્ય નેતાઓની પણ સ્થિતિ એવી જ છે. આ અહંકાર જ સંસદમાં ઉભા રહીને હિંદુઓને ટાર્ગેટ કરાવે છે અને તે જ રામજન્મભૂમિ આંદોલન પર પણ બફાટ કરાવે છે. 

    શુક્રવારે (6 જુલાઈ) અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધતાં રામ જન્મભૂમિ આંદોલનનો ઉલ્લેખ કર્યો. રાહુલે કહ્યું કે, જે ચળવળ લાલકૃષ્ણ અડવાણીએ ચાલુ કરી હતી તે ચળવળને અયોધ્યામાં જ INDI ગઠબંધને હરાવી દીધી છે. તેમનું કથન શબ્દશઃ આ પ્રકારે હતું: “હું તમને આ કેમ જણાવી રહ્યો છું. કારણ કે જે ચળવળ અડવાણીજીએ ચાલુ કરી હતી, તે ચળવળને, જેનું કેન્દ્ર અયોધ્યા હતું, એ ચળવળને I.N.D.I.A ગઠબંધને અયોધ્યામાં હરાવી દીધી છે.”

    સોશિયલ મીડિયા પર આ ક્લિપ ફરી રહી છે. ન એડિટ કરવામાં આવી છે કે ન તેમાં કોઇ કાપકૂપ થઈ છે. રાહુલ ગાંધીએ આ જ શબ્દો ઉચ્ચાર્યા હતા. ઠીકઠાક વિરોધ પણ થઈ રહ્યો છે, આક્રોશ પણ વ્યક્ત થયો. કદાચ કોઇ ભાજપ નેતાએ ઇસ્લામિક ચળવળો પર આવું કશુંક બોલી નાખ્યું હોત તો અહીંના અમુક સ્યૂડો સેક્યુલરોની જમાતે દેશ માથે લઇ લીધો હોત, પણ ભારતમાં હિંદુઓ વિરુદ્ધ કંઈ પણ બોલી નાખીને છૂટી જવું સામાન્ય વાત છે. 

    - Advertisement -

    રાહુલ ગાંધીની વાતનું કેન્દ્ર અયોધ્યા છે. આ નિવેદનને થોડું વિસ્તૃત રીતે સમજીએ તો તેઓ અયોધ્યાની લોકસભા બેઠકની વાત કરતા હતા, જ્યાંથી સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ ચૂંટણી જીત્યા છે. મૂળ આ ફૈઝાબાદ બેઠક છે, જેમાં અયોધ્યા પણ આવે છે. જાતીય સમીકરણો અને અમુક સ્થાનિક કારણોસર અહીં ભાજપના ઉમેદવારની હાર અને સપાના ઉમેદવારની જીત થઈ. પરિણામ આવ્યાના બીજા દિવસથી જ ઇકોસિસ્ટમે આને રામ મંદિર સાથે જોડીને અપપ્રચાર શરૂ કરી દીધો હતો જે આજદિન સુધી ચાલતો આવે છે. તેમની મૂળ દલીલ એવી છે કે ભાજપે રામના નામે રાજકારણ કર્યું, પણ અયોધ્યાના સ્થાનિકોએ જ તેમને જાકારો આપ્યો. જે બાલિશ વાત છે. ચૂંટણી કોઇ એક મુદ્દા પર લડવામાં આવતી નથી, ઘણી બાબતો ભેગી થઈ જાય છે. UPમાં આ એક જ બેઠક પર ભાજપને ફટકો પડ્યો હોય એમ નથી, અનેક બેઠકો પર પાર્ટી હારી છે. એટલે તેનાં કારણો એક કરતાં અનેક હોવાનાં.

    રાહુલ ગાંધીએ માત્ર અયોધ્યા કે રામ મંદિરનો ઉલ્લેખ નથી કર્યો, પણ રામ જન્મભૂમિ આંદોલન વિશે પણ કહ્યું છે. એ પણ એવા સમયે કહ્યું જ્યારે આ આંદોલનના પ્રણેતા અને રામરથના રથી લાલકૃષ્ણ અડવાણી અસ્વસ્થ છે અને સારવાર લઇ રહ્યા છે. એક રીતે આ તેમનું અપમાન થયું કહેવાય. તેમનું જ નહીં એ લાખો કારસેવકો, બલિદાની હુતાત્માઓ અને આ ચળવળ સાથે જોડાયેલા કરોડો હિંદુઓનું પણ. 

    રાહુલ ગાંધીએ ભલે રાજકીય સંદર્ભે કહ્યું હોય, પણ જાહેરમંચ પરથી બોલવામાં આવતી બાબતોને ઘણા અર્થમાં લેવામાં આવે છે. રાહુલે ભલે અહંકારમાં બોલી નાખ્યું હોય પણ હકીકત એ છે કે કોઇ એક ચૂંટણી કે કોઇ એક બેઠક હારવાથી રામ જન્મભૂમિ આંદોલન હારતું નથી. એ આંદોલન ભારતના ઇતિહાસનાં સૌથી સફળ આંદોલનો પૈકીનું એક છે અને રહેશે, એ સત્ય કોંગ્રેસ જ નહીં કોંગ્રેસ જેવી અનેક પાર્ટીઓ આવીને જતી રહે તોપણ બદલાશે નહીં. ભવિષ્યમાં જ્યારે-જ્યારે રામ મંદિરની વાત આવશે ત્યારે આ આંદોલનનો ઉલ્લેખ થશે. તેમાં ક્યાંય કોંગ્રેસ કે સમાજવાદી પાર્ટીનો કે લોકસભા ચૂંટણી 2024નો ઉલ્લેખ નહીં થાય. 

    સેંકડો વર્ષોનો સંઘર્ષ એક બેઠક પરનાં પરિણામથી નથી ડગતો

    રામ જન્મભૂમિ આંદોલનનો ઇતિહાસ સેંકડો વર્ષોનો છે. 1529માં બાબરના સેનાપતિએ મંદિર તોડીને મસ્જિદ તાણી બાંધી પછી સેંકડો વર્ષો સુધી હિંદુઓ સંઘર્ષ કરતા રહ્યા. 1935માં અયોધ્યામાં રમખાણો થયાં હોવાનું લખાયું છે. 1949માં બાબરી ઢાંચામાં ભગવાન પ્રગટ્યા અને ત્યારથી એક વળાંક આવ્યો. આ ઘટનાઓ દર્શાવે છે કે હિંદુઓએ પોતાના આરાધ્યના મંદિર માટે  ક્યારેય પ્રયાસો છોડ્યા ન હતા. આ પ્રયાસો પણ આંદોલનનો જ ભાગ હતો. આંદોલનો કાયમ રસ્તા પર ઉતરીને જ લડવામાં આવતાં હોતાં નથી. 

    સેંકડો વર્ષોથી હિંદુઓમાં જે આગ હતી તેને અગનજ્વાળા બનાવવાનું કામ લાલકૃષ્ણ અડવાણીએ કર્યું. સોમનાથથી અયોધ્યા સુધી આયોજીત તેમની રામ રથયાત્રા ત્યારના સ્યુડો સેક્યુલર રાજકારણીઓના કારણે તેના ગંતવ્ય સ્થાન પર પહોંચી ન શકી, પણ તેણે તેનું કામ ત્યાં સુધીમાં કરી નાખ્યું હતું. આ યાત્રાએ જ રામ મંદિરના મુદ્દાને ઘરે-ઘરે પહોંચાડ્યો, આ યાત્રાએ જ ભારતભરના હિંદુઓને રામ નામે એક કર્યા અને આ યાત્રાએ જ આખરે મંદિરનું નિર્માણ કરાવ્યું. 

    વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલ્યો, ભગવાને સૈકાઓ તંબૂમાં રહીને વીતાવ્યા, પણ રામભક્તો હિંમત ન હાર્યા. સંઘર્ષ ચાલુ રહ્યો. દરમ્યાન, મુસ્લિમ તુષ્ટિકરણમાં રત, હિંદુઓ અને તેમની સંસ્કૃતિનું છેડેચોક અપમાન કરતા સ્યુડો સેક્યુલર રાજકારણીઓ અને તેમની ટોળકીઓએ હડધૂત પણ કર્યા, આંદોલનની મજાક પણ ઉડાવાઈ, પણ આ સભ્યતામાં એવું કશુંક છે, જે તેને ડગવા નથી દેતું. એ રામનામ હતું. આખરે 9 નવેમ્બર, 2019ના દિવસે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને મંદિરનો માર્ગ મોકળો કરી આપ્યો, એ આંદોલનની એક મોટી જીત હતી. 

    5 ઓગસ્ટ, 2020ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ખાતમુહૂર્ત કર્યું એ પણ એક વિજય હતો અને 22 જાન્યુઆરી, 2024ના શુભ દિવસે જ્યારે પ્રભુ મંદિરમાં બિરાજમાન થયા એ આ આંદોલનનો સર્વોચ્ચ વિજય હતો. એ રાષ્ટ્રનો વિજય હતો. એ એ વાતની સાબિતી હતી કે રામના નામે શરૂ થયેલાં આંદોલન ક્યારેય હારતાં નથી. 

    રાહુલ ગાંધી અને તેમની ટોળકી યાદ રાખે કે એક ચૂંટણી કે બેઠક જીતવાથી રામ જન્મભૂમિ આંદોલન નથી હારતું. આ આંદોલનના કારણે જ દેશના સેક્યુલર રાજકારણીઓને સમજાયું કે અહીં જો આગળ વધવું હોય તો હિંદુઓને અવગણી શકાય તેમ નથી. આ આંદોલનની જ જીત છે કે એક સમયે જે રાહુલ ગાંધી શક્તિને હરાવવાની વાતો કરતા હતા તેમણે હવે સંસદમાં શિવજીનો ફોટો હાથમાં રાખીને બોલવું પડે છે. મંદિરોમાં જઈને શીશ નમાવવું પડે છે. ‘તપસ્વી’ની છબી બનાવવા માટે પ્રયાસ કરતા રહેવું પડે છે અને ભાજપ કરતાં પોતાને મોટા હિંદુવાદી દેખાડવા માટે મથતા રહેવું પડે છે. બાકી દેશે એ ભૂતકાળ પણ જોયો છે, જ્યારે કેન્દ્ર સરકારો કોર્ટમાં એફિડેવિટ કરીને કહી દેતી હતી કે રામના અસ્તિત્વના કોઇ ઐતિહાસિક પુરાવા મળ્યા નથી! 

    રામ જન્મભૂમિ આંદોલનથી આ દેશમાં હિંદુ આસ્થાનો એક નવો ઉદય થયો હતો. એ શિલાન્યાસ એકમાત્ર મંદિરનો નહીં પણ હિંદુ રાષ્ટ્રનો હતો. આ આંદોલનથી હિંદુઓને તેમના દેશમાં એ સ્થાન મળ્યું, જે તુષ્ટિકરણના રાજકારણના લીધે મળ્યું ન હતું. આ આંદોલનથી એક ચેતના જાગૃત થઈ, જેણે અભૂતપૂર્વ પરિવર્તનો લાવ્યાં છે. આ આંદોલનના કારણે હિંદુઓનું ગૌરવ પુનઃસ્થાપિત થયું છે. એટલે ચૂંટણીઓ આવતી રહેશે, જતી રહેશે, સરકારો આવશે અને જશે, રાજકારણીઓ આવશે અને જશે રામ મંદિર અને તેની સફળતા માટે થયેલું આંદોલન આવનારાં યુગો સુધી આ ભવ્ય ભારતવર્ષનો સુવર્ણ ઇતિહાસ આવનારાં કહેતાં રહેશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં