Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણપ્રેસ કૉન્ફરન્સમાં સિલેબસ બહારનો સવાલ પૂછાય તો શું કરવાનું? ભાજપનો પ્રશ્ન કહીને...

    પ્રેસ કૉન્ફરન્સમાં સિલેબસ બહારનો સવાલ પૂછાય તો શું કરવાનું? ભાજપનો પ્રશ્ન કહીને છટકી જવાનું

    આવું કરવામાં રાહુલ ગાંધીને હવે માસ્ટરી આવી ગઈ છે. ભૂતકાળમાં તેમણે ઘણી વખત જ્યારે પ્રશ્ન ન સમજાય કે તે પ્રશ્નનો જવાબ પોતાની પાસે ન હોય ત્યારે પ્રશ્નને ભાજપનો પ્રશ્ન ગણાવીને ડાહી-ડાહી વાતો કરવાની શરૂ કરી હોય તેવા કિસ્સાઓ બની ચૂક્યા છે.

    - Advertisement -

    કોંગ્રેસના ‘યુવાનેતા’, દર ચૂંટણી પહેલાં લૉન્ચ થનારા અને જેમના નામે અનેક ચૂંટણીઓ હારવાનો રેકોર્ડ બોલે છે એવા રાહુલ ગાંધીની (Rahul Gandhi) એક ખાસિયત છે. તેઓ હાલતાં-ચાલતાં મીડિયાથી માંડીને પત્રકારો અને વિશ્લેષકોને ડફણાં મારતા રહે છે અને તેમની ઉપર સરકારના ઈશારે કામ કરવાનો, સરકાર માટે કામ કરવાનો અને સરકારને કડક સવાલો ન પૂછવાનો આરોપ લગાવતા રહે છે. ‘ગોદી મીડિયા’ જેવો શબ્દ આ ટોળકીની જ ઉપજ છે. પણ આવા બધા નિયમો લાગુ પડે છે માત્ર ભાજપના અને સરકારના કિસ્સામાં જ, તેમને કોઈક અઘરો પ્રશ્ન પૂછી નાખે તો ગેંગેફેંફે થઈ જાય છે અને વાતને અવળે પાટે ચડાવી દે છે. 

    આવું કરવામાં રાહુલ ગાંધીને હવે માસ્ટરી આવી ગઈ છે. ભૂતકાળમાં તેમણે ઘણી વખત જ્યારે પ્રશ્ન ન સમજાય કે તે પ્રશ્નનો જવાબ પોતાની પાસે ન હોય ત્યારે પ્રશ્નને ભાજપનો પ્રશ્ન ગણાવીને ડાહી-ડાહી વાતો કરવાની શરૂ કરી હોય તેવા કિસ્સાઓ બની ચૂક્યા છે. આવા કિસ્સાઓ બનવાના હજુ ચાલુ જ છે. 

    ગુરુવારે (21 નવેમ્બર) રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી. અહીં તેમને અમુક સવાલો પૂછાયા, જેના તેમની વાત પરથી લાગે છે કે તેમની પાસે જવાબો ન હોય. સવાલો જોતાં અને રાહુલ ગાંધીની વાતોનું સ્તર જોતાં ખરેખર નહીં હોય એમ આપણે માની લઈએ. એટલે તેમણે એ જ કર્યું, જે કરવા માટે તેઓ ટેવાયેલા છે. તેમણે વાતને અવળે પાટે ચડાવી દીધી. 

    - Advertisement -

    રાહુલ ગાંધી અને કાયમ તેમની સાથે જેઓ જોવા મળે છે એ જયરામ રમેશે ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરી. વિષય હતો તેમનો પ્રિય અદાણીવાળો. અહીં એ ઉલ્લેખ જરૂરી છે કે અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે હમણાં એક આરોપ લગાવીને કહ્યું કે, અદાણી અને તેમની કંપનીના અમુક વ્યક્તિઓએ પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે અધિકારીઓને લાંચ આપવાની વાત કરી હતી. જોકે, સાથે એમ પણ કહ્યું છે કે, આરોપો સાબિત હજુ થયા નથી અને ન થાય ત્યાં સુધી તમામને નિર્દોષ જ ગણવામાં આવે. આવું આવે અને રાહુલ ગાંધી કકળાટ ન કરે એવું બની શકે નહીં. 

    આ પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કાયમ તેઓ જે વાતો કરતા રહે છે અને મોદી સરકાર પર અદાણીનો ઉલ્લેખ કરીને પ્રહારો કરતા રહે છે એ કર્યું, પણ પછી સવાલ-જવાબોનો વારો આવ્યો તો રાહુલ ગાંધી માટે કપરું કામ થઈ પડ્યું. 

    પ્રેસ કૉન્ફરન્સમાં ન્યૂઝ18 ઇન્ડિયાના એક પત્રકારે અમેરિકાએ આરોપ લગાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ શું-શું કહ્યું તેની ઉપર રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો. શરૂઆતમાં તો રાહુલ માથું ધુણાવતા જોવા મળ્યા, પણ પ્રશ્ન સાંભળીને ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. પત્રકારે પ્રશ્ન કરતાં કહ્યું કે, ભાજપ કહે છે કે આ આરોપો લાગવાનો સમયગાળો શંકાસ્પદ છે, કારણ કે સંસદનું સત્ર પણ શરૂ થવા જઈ રહ્યું છે અને અમેરિકામાં સરકાર પણ બદલાવાની છે. બીજું, અમુક કોંગ્રેસશાસિત રાજ્યોમાં પણ જૂથના વ્યવહારો થયાની વાત ચાલે છે અને ત્રીજો પ્રશ્ન એ હતો કે આરોપો માત્ર આરોપ છે, દોષી કોઈ સાબિત થયું નથી. પત્રકારે આટલું કહીને કહ્યું કે, ભાજપે જે કહ્યું છે એ તમારી સમક્ષ હું મૂકી રહ્યો છું અને તમારું આ બાબતે શું કહેવું છે.

    હવે પત્રકારો આવું કાયમ કરતા રહે છે. એક પાર્ટી કશુંક કહે તો ત્યાં જઈને એ કવર કરી લાવે અને પછી બીજી પાર્ટીને આવીને પૂછે કે આ બાબતે તમારું શું કહેવું છે. આવું કોંગ્રેસના આરોપો પર ભાજપના નેતાઓ સાથે પણ થાય છે. પણ રાહુલ ગાંધીને સવાલ અઘરો જણાતાં સીધું કહી દીધું કે તમે ભાજપના પ્રશ્નો અહીં કેમ મૂકી રહ્યા છો? 

    આગળ રાહુલ ગાંધી કહે છે, “તમે ભાજપના છો? તો પછી અમારી પ્રેસ કૉન્ફરન્સમાં ભાજપના સવાલો કેમ? હમણાં તમે કહ્યું કે, આ ભાજપનો પ્રશ્ન છે.” જોકે, પત્રકારે પણ ત્યાં જ રાહુલ ગાંધીને સમજાય અને મગજમાં ઉતરી જાય એ રીતે કહ્યું કે, ભાજપ સામે પણ તેઓ આ જ રીતે પ્રશ્નો કરતા હોય છે અને આ પત્રકારોનું કામ છે. 

    પણ રાહુલ ગાંધી વાતને અવળે પાટે લઈ જઈને કહે છે કે, મીડિયા ભાજપના પ્રશ્નો પૂછી રહ્યું છે. ત્યારબાદ તેઓ જે વાતો કહે છે એમાં ક્યાંય પત્રકારના સવાલોનો જવાબ આવતો નથી અને મોદી-અદાણીની બૂમો પાડીને ટાઈમપાસ કરીને બીજો પ્રશ્ન લઈ લે છે. 

    રાહુલ ગાંધીની આ જોકે જૂની આદત છે. તેમનો એજન્ડા જળવાય રહે, જવાબ આપવામાં બહુ તકલીફ ન પડે અને જેના જવાબ તેમને પહેલેથી ખબર હોય તેવા જ પ્રશ્નો પૂછાય તો રાહુલ ગાંધી જવાબ આપે છે. બાકી સિલેબસ બહારનું નીકળે ત્યારે શું થાય એનું આ ઉદાહરણ છે! મજાની વાત એ છે કે આ ટોળકી ગામને ‘ગોદી મીડિયા’ કહેતી રહે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં