“કોંગ્રેસ જાણે છે કે તેની વૉટબેન્ક એક જ રહેશે, પણ બાકીના લોકો સરળતાથી વહેંચાઈ જશે. એટલે કોંગ્રેસ અને તેના સાથીઓનું એક જ મિશન છે. સમાજને વહેંચો. લોકોને વહેંચો અને સત્તા પર કબજો મેળવી લો. એટલે આપણે અતીતમાંથી શીખ લેવાની છે. આપણે એકતાને જ દેશની ઢાલ બનાવવાની છે. આપણે યાદ રાખવાનું છે કે જો આપણે વહેંચાઈ ગયા તો આપણને વહેંચનારાઓ મહેફિલ સજાવશે. (હમ બટેંગે તો હમેં બાંટને વાલે મહેફિલ સજાયેંગે.)”- શનિવારે (5 ઑક્ટોબર) મહારાષ્ટ્રમાં એક સભા સંબોધતી વખતે વડાપ્રધાન મોદીએ આ વાત કહી, જેની ચર્ચા હવે સોશિયલ મીડિયામાં થવા માંડી છે.
"Agar hum batenge, toh baatne wale mehfil sajayenge," says PM Narendra Modi while addressing a public meeting in Thane, Maharashtra. #PMModi #Maharashtra pic.twitter.com/DAekUmzFXm
— TIMES NOW (@TimesNow) October 5, 2024
થોડા સમય પહેલાં બાંગ્લાદેશનું ઉદાહરણ આપીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આવી જ વાત કહી હતી. તેમણે કહ્યું હતું, “રાષ્ટ્રથી ઉપર કશું જ ન હોય શકે અને રાષ્ટ્ર ત્યારે જ સશક્ત થશે, જ્યારે આપણે એક રહીશું. ‘બેટેંગે તો કટેંગે’. તમે જોયું હશે બાંગ્લાદેશમાં શું બન્યું. આવી ભૂલો અહીં ન થવી જોઈએ. તે માટે એક રહેવું જરૂરી છે. એક રહીશું તો નેક રહીશું.”
તેમનો સંકેત સ્પષ્ટ રીતે હિંદુ એકતા તરફ હતો. હમણાં વડાપ્રધાન મોદીએ પણ આ જ લાઈન પર થોડા જુદા શબ્દોમાં વાત કહી છે. આ વાતોને એકમાત્ર રાજકીય રેલીઓમાં કહેવામાં આવેલી વાતો તરીકે ન લઈને ગંભીરતાથી લેવાની અને તેની ઉપર વિચાર કરવાની જરૂર છે.
કોંગ્રેસ માટે વૉટબેન્ક શું છે તેનાથી હવે કોઈ અજાણ નથી. PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ જાણે છે કે પોતાની વૉટબેન્ક સુરક્ષિત છે, પરંતુ બાકીના સમાજને વહેંચી નાખવામાં આવે. આ બાકીનો સમાજ કયો? હિંદુ સમાજ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ જ રસ્તો પકડ્યો છે. જાતિગત વસ્તીગણતરીની વાત હોય કે બીજા કોઈ રાજકીય મુદ્દા, છેલ્લા થોડા સમયથી રાહુલ ગાંધી ફેરવી-ફેરવીને વાત જાતિ પર લાવીને મૂકી દે છે. કારણ કે આ એક એવો મુદ્દો છે, જેનાથી સરળતાથી હિંદુ સમાજને વહેંચી શકાય તેમ છે. ક્યારેક તેઓ અનામતની વાત કરે છે તો ક્યારેક દલિતો, OBCને પૂરતું સ્થાન ન મળતું હોવાની વાતો આગળ ચલાવે છે.
વિદેશ પ્રવાસે હોય ત્યારે રાહુલ ગાંધીને ગાડીનો ગિયર ટોપ મોડમાં હોય છે. હમણાં અમેરિકામાં તેમણે શીખ સમુદાય વિશે નિવેદનો કર્યાં. અગાઉ પણ જ્યારે-જ્યારે તેઓ વિદેશ ગયા છે ત્યારે એવા લોકોને મળ્યા છે, જેઓ હાડોહાડ ભારતવિરોધી હોય. ત્યાં જઈને એવી વાતો કરી છે, જે કોઈ પણ પરિપક્વ રાજકારણી વિદેશમાં જઈને કરે નહીં. પણ આ રાહુલ ગાંધી છે.
કોંગ્રેસ પાસે એક મજબૂત ઇકોસિસ્ટમ છે, જે આ વાતોને ઘડીના છઠ્ઠા ભાગમાં ફરતી કરી દે છે અને સરળતાથી એક નરેટિવ બનાવી નાખે છે. પણ વાસ્તવમાં આ પ્રકારનું રાજકારણ કેટલું ઘાતક છે તે નવેસરથી સમજાવવાની જરૂર નથી. હિંદુઓ જ્યારે-જ્યારે વહેંચાયા છે ત્યારે માઠાં પરિણામો ભોગવવાનાં આવ્યાં છે.
શક્તિ એકતામાં છે તે હિંદુઓને હરાવવા મથતા લોકો પણ જાણે છે. એટલે જાતિની વાત કરીને કે અનામત અને અન્ય આવા મુદ્દો ઘૂસાડીને સમાજને તોડવાના પ્રયાસો બહુ પહેલાંથી ચાલુ થઈ ગયા છે. લોકસભા ચૂંટણ વખતે પણ ભાજપને હરાવવા માટે આવા જ મુદ્દાઓનો સહારો લેવામાં આવ્યો અને જમીન પર આ પ્રોપગેન્ડાની થોડીઘણી અસરો દેખાઈ પણ ખરી. આ બધાં કાવતરાં વહેલી તકે ઓળખી લેવામાં ન આવે તો નુકસાન આપણને જ છે.
PM મોદી અને યોગી આદિત્યનાથે કહેલી વાતોને ગંભીરતાપૂર્વક લેવાનો આ સમય છે. યાદ રાખવાની જરૂર છે કે, ‘બેટેંગે તો કટેંગે.’