જ્યારથી બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની ઘોષણા થઇ ત્યારથી અહીંની એક ટોળકીના પેટમાં તેલ રેડાયું છે. મુસ્લિમ-ખ્રિસ્તી અંધશ્રદ્ધા સામે જીવનમાં એક અક્ષર પણ ન ઉચ્ચાર્યો હોય તેવાઓએ પણ શાસ્ત્રીજી સામે તલવારો ખેંચી કાઢી છે. સોશિયલ મીડિયા પર ઘણો દુષ્પ્રચાર કર્યો પણ ફાવટ ન આવી તો હવે આવાઓએ એક નવું તૂત ઉભું કરી નાંખ્યું છે. છેલ્લા બે દિવસથી તેઓ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર એક આરોપ લગાવતા ફરે છે- ગુજરાતીઓને પાગલો કહેવાનો.
વાસ્તવમાં બાગેશ્વર ધામ સરકાર જ્યારે ગુરૂવારે (25 મે, 2023) અમદાવાદ આવ્યા તો સીધા વટવામાં ચાલતી એક શિવકથાના સમાપનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં તેમણે નાનકડું એક સંબોધન પણ કર્યું. સંબોધનની શરૂઆતમાં તેમણે ભક્તોને સંબોધિત કરતાં ‘કેમ છો પાગલો..’ જેવા શબ્દો વાપર્યા. ત્યારપછી તો હિંદુત્વ અને સનાતન માટે જાગવાની અપીલ કરી અને એ જ સંદર્ભે ઘણું કહ્યું.
બાકીની બાબતો પર તો વાંધો ઉઠાવી શકાય તેમ નથી એટલે આ ‘પાગલો’વાળું પકડી લેવાયું. જેને લઈને છેલ્લા બે દિવસથી હાસ્યાસ્પદ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. લેફ્ટ-લિબરલોની એક ટોળકી બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર ગુજરાતીઓને ‘પાગલ’ કહેવાનો આરોપ લગાવીને માફીની માંગ કરી રહી છે, અમુક ઉશ્કેરી રહ્યા છે કે કોઈ હિંદુ બાબા ગુજરાતમાં આવીને સાડા છ કરોડ ગુજરાતીઓને પાગલો કેમ કહી જાય? શું આ ગુજરાતીઓનું અપમાન નથી?
વાસ્તવમાં તેમને ગુજરાતની અસ્મિતા સાથે પણ કશું લાગતું-વળગતું નથી. કારણ કે તેમ હોત તો દેશમાં મોદીનો વિરોધ કરતાં-કરતાં ગુજરાત અને ગુજરાતીઓનો વિરોધ થવા માંડે અને તેમનું અપમાન થાય ત્યારે તેઓ મૂંગા રહ્યા ન હોત. અને આવા એકલદોકલ કિસ્સાઓ નથી, છાશવારે ગુજરાતીઓ ગાળો ખાતા રહે છે. પણ ત્યારે કોઈ બોલતું નથી.
આમ તો આ વાત સમજાવવાની જ ન હોય પણ તેમ છતાં કહેવું હોય તો સાવ સરળ વાત એટલી જ છે કે બાગેશ્વર ધામ સરકારે કોઈને ‘ગાંડા’ કે ‘મેન્ટલ’ કે ‘અઘ્ધર મગજના’ કહ્યા જ નથી. ન તેમનો એવો આશય હતો, ન તેવો અર્થ કાઢી શકાય. તેમના વિધાનનો અનર્થ કાઢનારને ખરેખર તો ‘પાગલ’ (સાચા પાગલ- ગાંડા, મેન્ટલ) ગણવા જોઈએ.
ગુજરાતી (અને અન્ય ભાષાઓમાં પણ) એક શબ્દનો અર્થ એક જ થતો હોતો નથી. સાથે એ પણ જોવું પડે કે તે કયા અર્થમાં, કયા સંજોગોમાં અને કોના દ્વારા બોલવામાં આવ્યો છે. બાગેશ્વર ધામ સરકાર કથામાં ગયા હતા, ત્યાં સામે ભક્તો હતા તેમને તેઓ ‘પાગલ’ કહે તો એ અન્ય સંદર્ભે જ લેવાનું હોય, તેને સીધા અર્થમાં ન લઇ શકાય. અને આ વાતની સ્પષ્ટતા તેઓ સ્વયં કરી ચૂક્યા છે.
એવું પણ નથી કે તેમણે પહેલી વખત આ શબ્દ વાપર્યો હોય. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને ભક્તોને ‘પાગલ’ કહેવાની આદત છે. તેમાં તેમનો કોઈ ખરાબ આશય પણ નથી કે ન તેઓ કોઈને અપમાનિત કરવા માટે આવું કહે છે. સહજ રીતે તેઓ આ સંબોધન કરતા આવ્યા છે. હમણાં દસેક દિવસ પહેલાં બિહારમાં તેમની કથા ચાલતી હતી તો ત્યાં પણ તેમણે બિહારના ભક્તોને ‘પાગલ’ કહ્યા. અંતે જ્યારે કથા પૂરી થઈ ત્યારે તેમણે જ સ્પષ્ટતા પણ કરી કે શા માટે તેઓ આવું કહે છે. તેઓ કહે છે, “હું પાગલનો અર્થ ‘મેન્ટલ’ના અર્થમાં નથી કહેતો. જે પ્રભુ ભક્તિમાં લીન થઇ જાય એ પાગલ. એક સાધુ કહેતા કે, ઈન બિગડે દિમાગો મેં ભરે અમૃત કે લચ્છે હૈ, હમેં પાગલ હી રહને દો, હમ પાગલ હી અચ્છે હૈ.”
ખરેખર તો આવું સ્પષ્ટીકરણ જ આપવું પડવું ન જોઈએ. કારણ કે આ સાવ સામાન્ય વાત છે. આપણે ભગવાન માટે ‘તું’ વાપરીએ છીએ, પણ તે અપમાનજનક નથી. વ્યવહારમાં અનેક સંબોધનો વપરાય છે. તેની પાછળનો ભાવ સમજવો જરૂરી છે. જોકે, લેફ્ટ-લિબરલોની આ ટોળકીને દુખે છે પેટમાં પણ ફૂટે છે માથું. બાગેશ્વર ધામ સરકાર સામે બહુ અપપ્રચાર કર્યા પછી પણ તેઓ કશું ખાસ અસર કરી શક્યા નથી એટલે હવે આવાં ગતકડાં શોધી લાવે છે. પરંતુ હવે સરેરાશ હિંદુ બધું જોતો-સમજતો અને જાણતો થયો છે. તે અનઅપોલોજેટીક બનતાં શીખી રહ્યો છે. આવા પ્રોપેગેન્ડામાં સરળતાથી ફસાઈ જતો નથી.