Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આ ભાગવાનો નહીં સનાતન અને હિંદુત્વ માટે જાગવાનો સમય’: અમદાવાદ પહોંચ્યા બાગેશ્વર...

    ‘આ ભાગવાનો નહીં સનાતન અને હિંદુત્વ માટે જાગવાનો સમય’: અમદાવાદ પહોંચ્યા બાગેશ્વર ધામ સરકાર, કહ્યું- અયોધ્યામાં રામજી બાદ હવે મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણને બિરાજમાન કરાવીશું

    "જીવન વારંવાર નથી મળતું, આજે આપણે નહીં જાગ્યા તો આવનારી પેઢીઓ રામકથા નહીં સાંભળે, ભાગવત ચર્ચા નહીં થાય કે મંદિરોમાં કોઈ નહીં જાય. એટલે પ્રત્યેક સનાતનીઓએ જાગવાનું છે અને ઠાકુરજીને તેમની જન્મભૂમિ પર બિરાજમાન કરાવવાના છે." 

    - Advertisement -

    બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે બપોરે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ સ્થિત વટવા ખાતે ચાલતી દેવકીનંદન મહારાજની શિવ મહાપુરાણ કથાના સમાપન દિવસે હાજર રહ્યા હતા. અહીં તેમણે એક ટૂંકું સંબોધન પણ કર્યું હતું. 

    બાગેશ્વર ધામ સરકારે ગુજરાતને ભક્તિનો પ્રદેશ ગણાવ્યો અને કહ્યું કે, આ પાવન ધરતીને હું પ્રણામ કરું છું. તેમણે ગુજરાતીઓની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેમની પહોંચ દરેક જગ્યાએ હોય છે અને ગુજરાતીઓને જીતવા બહુ મુશ્કેલ છે. 

    પ્રવચનમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, “અમારો સંકલ્પ ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવાનો અને ભગવાન શ્રીકૃષ્ણને તેમના સ્થાને બિરાજમાન કરવાનો છે, જેમાં તમારી ભૂમિકા મહત્વની રહેશે. અમે તો તમને જગાવી શકીએ છીએ, જાગવાનું કામ તમારું જ છે.” તેમણે ઉમેર્યું કે, “આ ભાગવાનો સમય નથી. હવે સનાતન, હિંદુત્વ અને કૃષ્ણ ભગવાન માટે જાગવાનો સમય આવી ગયો છે. એ બુઝદિલ અને કાયર હશે જે સનાતન માટે જાગી નથી રહ્યા.”

    - Advertisement -

    તેમણે ઉમેર્યું કે, “જીવન વારંવાર નથી મળતું, આજે આપણે નહીં જાગ્યા તો આવનારી પેઢીઓ રામકથા નહીં સાંભળે, ભાગવત ચર્ચા નહીં થાય કે મંદિરોમાં કોઈ નહીં જાય. એટલે પ્રત્યેક સનાતનીઓએ જાગવાનું છે અને ઠાકુરજીને તેમની જન્મભૂમિ પર બિરાજમાન કરાવવાના છે. તેમણે હિંદુઓને જાત-પાત છોડીને એક થવા માટે આહવાન કર્યું હતું અને સાથે ઉમેર્યું હતું કે, આપણે લડી ન શકીએ તો કોઈ વાંધો નથી પરંતુ જેઓ લડી રહ્યા છે તેમની સાથે ઉભા તો રહી જ શકીએ છીએ. આમ કરીને તેમણે સનાતન માટે જાગવા માટે લોકોને આહવાન કર્યું હતું. 

    પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આજે બપોરે અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાંથી એક ભક્તના ઘરે ભોજન લીધા બાદ વટવા ખાતે યોજાયેલી શિવકથાના સમાપનમાં પહોંચ્યા હતા. જ્યાં થોડો સમય રોકાયા બાદ સુરત આવવા માટે રવાના થયા હતા. સુરતમાં આવતીકાલથી બે દિવસ માટે તેમનો દિવ્ય દરબાર યોજાશે. ત્યારબાદ 29-30 મેના રોજ અમદાવાદમાં પણ તેમનો દરબાર ભરાશે. ત્યારબાદ રાજકોટ અને ગાંધીનગરમાં પણ તેમના કાર્યક્રમો આયોજિત થયા છે. જેમાં લાખો લોકો આવવાની ગણતરી છે. જે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં