Tuesday, September 17, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનઆતંકવાદીઓ માનવતાવાદી, તાલિબાનો સમજુ, ભારત સરકાર નકામી: હાઈજેકરોનાં નામ સંતાડવા સિવાય પણ નેટફ્લિક્સના...

    આતંકવાદીઓ માનવતાવાદી, તાલિબાનો સમજુ, ભારત સરકાર નકામી: હાઈજેકરોનાં નામ સંતાડવા સિવાય પણ નેટફ્લિક્સના પ્રોપગેન્ડા શોમાં અન્ય ઘણી બદમાશી થઈ છે 

    આપણે ત્યાં એક પેસેન્જર માત્ર ‘બૉમ્બ’ની બૂમ પણ પાડે તો ફ્લાઈટ રોકી દેવાય છે અને ટેક ઑફ પણ કરવા દેવામાં આવતી નથી, પણ આ સિરીઝ અનુસાર એક સરકારી અધિકારી એરલાઈન્સને કહે કે આતંકવાદીઓ તેમની ફ્લાઇટને ટાર્ગેટ કરવા જઈ રહ્યા છે, છતાં કોઇ ધ્યાન અપાતું નથી! એવું ખરેખર શક્ય બને? 

    - Advertisement -

    અનુભવ સિન્હા નિર્મિત અને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલી એક સિરીઝ ‘IC814’ હાલ વિવાદોમાં છે. વિવાદ એટલો વકર્યો કે કેન્દ્ર સરકારે પણ નેટફ્લિક્સને નોટિસ ફટકારીને જવાબ માગ્યો હતો. આખરે મંગળવારે (3 સપ્ટેમ્બર) સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે ફ્લાઇટના હાઈજેકરોનાં સાચાં નામો ઉમેરવાની તૈયારી દર્શાવી. વાસ્તવમાં સિરીઝમાં કાઠમંડુ-નેપાળ ફ્લાઈટ જે આતંકવાદીઓએ હાઈજેક કરી હતી તેમનાં સાચાં નામોના સ્થાને કોડ નેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે આ પ્રમાણે હતાં- ભોલા, શંકર, ચીફ, બર્ગર અને ડૉક્ટર. જ્યારે તેમનાં સાચાં નામો હતાં- ઇબ્રાહિમ અખ્તર, શહીદ અખ્તર સઈદ, સની અહમદ કાઝી, ઝહૂર મિસ્ત્રી અને શાકિર. 

    મુદ્દો લોકોએ સોશિયલ મીડિયા પર ઉઠાવ્યા બાદ અને માહિતી-પ્રસારણ મંત્રાલયે તેડું મોકલ્યા બાદ નેટફ્લિક્સે દર્શકો માટે સિરીઝની શરૂઆતમાં એક ડિસ્કલેમર ઉમેરવાની તૈયારી દર્શાવી, જેમાં ઇસ્લામી આતંકવાદીઓનાં સાચાં નામો દર્શાવે શકાય. પણ તેનાથી કશું જ સાબિત થતું નથી. કયા દહાડે લોકોએ વેબ સિરીઝ શરૂ થયા પહેલાં આખું ડિસ્ક્લેમર વાંચ્યું હશે? 

    આ ઇસ્લામી આતંકવાદીઓનાં હિંદુ કોડનેમ વાપરવાનું આ કારસ્તાન થોડું ઉંડાણપૂર્વક જોશો તો ખ્યાલ આવશે કે થોડાં જ વર્ષ પહેલાં કઈ રીતે હિંદુ આતંકવાદનો કોન્સેપ્ટ આપણા માથે મારવામાં આવી રહ્યો હતો. તેના માટે આવાં બધાં જ કારસ્તાનો થતાં હતાં. 26/11નો હુમલો કરવા આવેલા કસાબ જેવા ઇસ્લામી આતંકવાદીઓ હાથમાં કલાવા પહેરીને આવ્યા હતા, જેથી મર્યા પછી તેમને હિંદુ તારીખે ખપાવી દેવાય. પણ તુકારામ ઓમ્બલે જેવા વીરોની બહાદુરીના કારણે આ આખું કાવતરું નિષ્ફળ ગયું. 

    - Advertisement -

    હશે, પણ હાઇજેક કરનારા આતંકવાદીઓનાં સાચાં નામો સંતાડવા સિવાય પણ અનુભવ સિન્હા અને નેટફ્લિક્સે આ પ્રોપગેન્ડા શોમાં એવું ઘણું ઠાલવ્યું છે, જે સવાલો સર્જે છે. 

    રૉ અધિકારી જાણકારી આપે, છતાં કોઇ કાર્યવાહી નહીં. આવું બને?

    પહેલું. આ સિરીઝ દેખાડે છે કે ભારત સરકારમાં બધે બેદરકારી જ ચાલે છે અને કોઇ પોતાનું સરખું કામ કરતું નથી. સિરીઝમાં બતાવાયું છે કે કાઠમાંડુમાં ભારતનો રૉ (R&AW) ઓપરેટિવ જાણતો હતો કે પાકિસ્તાન કશુંક પ્લાનિંગ કરી રહ્યું છે અને પછી એ પણ ખબર પડે છે કે ફ્લાઇટ IC814 સાથે કશુંક લાગે-વળગે છે, પણ તેના સ્ટેશન ચીફથી માંડીને ઈન્ડિયન એરલાઈન્સ સુધી કોઈ તેની વાત કાને ધરતું નથી. પણ અહીં એક મજાની વાત તમને કહું- આવું કશું જ બન્યું ન હતું!

    આપણે ત્યાં એક પેસેન્જર માત્ર ‘બૉમ્બ’ની બૂમ પણ પાડે તો ફ્લાઈટ રોકી દેવાય છે અને ટેક ઑફ પણ કરવા દેવામાં આવતી નથી, પણ આ સિરીઝ અનુસાર એક સરકારી અધિકારી એરલાઈન્સને કહે કે આતંકવાદીઓ તેમની ફ્લાઇટને ટાર્ગેટ કરવા જઈ રહ્યા છે, છતાં કોઇ ધ્યાન અપાતું નથી! એવું ખરેખર શક્ય બને? 

    આનાથી પણ વાંધાજનક બાબત એ છે કે સમગ્ર સિરીઝમાં હાઇજેકમાં સામેલ આતંકવાદીઓનો ‘માનવતાવાદી’ ચહેરો સામે લાવવના પ્રયાસ થયા છે. તેઓ સતત કહેતા જોવા મળે છે કે તેમનો ઇરાદો મુસાફરોને નુકસાન પહોંચાડવાનો નથી. સાચી વાત છે, તેમણે રૂપિન કતયાલની હત્યા કરી નાખી હતી અને અન્ય એક મુસાફરનું ગળું કાપી નાખ્યું હતું, કારણ કે તેઓ ‘કોઇ મુસાફરને નુકસાન કરવા માંગતા ન હતા.’ આગળ આતંકવાદીઓને એટલા ડાહ્યાડમરા બતાવવામાં આવ્યા છે કે એક એર હોસ્ટેસને ઘરે પિતાના હાલચાલ પૂછવા કોલ કરવા માટે પણ પરવાનગી આપે છે અને એટલું જ નહીં ફ્લાઇટમાં આ આતંકવાદીઓ મુસાફરો માટે અંતાક્ષરી પણ રમે છે. 

    અજિત ડોભાલનું પણ અયોગ્ય ચિત્રણ

    વાચકોને ખ્યાલ હશે કે તે સમયે વર્તમાન ભારતીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે વાટાઘાટો કરી હતી. પણ તેમનું ચિત્રણ પણ એક બેદરકાર અધિકારી તરીકે કરવામાં આવ્યું છે, જેઓ હાઈજેકરો સાથે ગુસ્સામાં વાત કરીને થોડા સમય માટે કોમ્યુનિકેશન બંધ કરાવી દે છે. આ જાણીજોઈને કરવામાં આવ્યું હશે? જેનાથી અજિત ડોભાલને અયોગ્ય રીતે ચીતરી શકાય?

    હજુ પૂરું થયું નથી. સિરીઝમાં તાલિબાનના મંત્રીને આખા નેટફ્લિક્સ યુનિવર્સનો સૌથી સમજદાર માણસ દર્શાવવામાં આવ્યો છે. સિરીઝ જોઈને લાગે કે આખા કેસમાં આ એક જ જણ શાંતિપૂર્ણ સમાધાન કરવાના પક્ષમાં હતો. દર બે મિનિટે આ તાલિબાની સ્ક્રીન પર આવે છે અને કહે છે કે તાલિબાનને લોહી વહે એ પસંદ નથી, કારણ કે આ બધું ઇસ્લામની વિરુદ્ધ છે. તાલિબાનને લોહી વહે એ બિલકુલ પસંદ નથી એનાથી હાસ્યાસ્પદ બાબત બીજી કોઇ હોય ન શકે. 

    ISIને ક્લીનચિટ આપવાનો પ્રયાસ

    સિરીઝના અંતે પણ આ પ્રોપગેન્ડા ચાલુ જ રહે છે, જ્યારે મુક્ત થયેલા આતંકવાદીઓ ઓસામા બિન લાદેન સાથે ઉજવણી કરતા જોવા મળે છે. અહીં બતાવાયું છે કે ઓસામાએ ઉજવણીમાંથી ISI (પાકિસ્તાની ગુપ્તચર એજન્સી)ને દૂર રાખ્યું હતું, જેનાથી સંદેશ એવો જાય કે આતંકવાદીઓએ જે આ વિમાન હાઈજેક કર્યું હતું, તેમાં ISIની સંડોવણી ક્યાંય ન હતી અને માત્ર ઓસામાએ જ કાવતરું ઘડ્યું હતું. અનુભવ સિન્હા, ભાઈ, અમે આ માની લઈએ એટલા મૂરખ છીએ? 

    ટૂંકમાં, સિરીઝની શરૂઆતમાં આતંકવાદીઓનાં સાચાં નામ દર્શાવતું એક સામાન્ય ડિસ્કલેમર નાખી દેવાથી આ બધું માફ થઈ જતું નથી. આ એક સંપૂર્ણપણે પ્રોપગેન્ડા સિરીઝ છે, જેમાં વિમાન હાઇજેક કરનારા આતંકવાદીઓને માનવતાવાદી દર્શાવવાનો પ્રયાસ થયો છે, ISIને ક્લીન ચિટ અપાઈ છે, તાલિબાનોને બહુ ડાહ્યા બતાવાયા છે અને બીજી તરફ ભારત સરકારને અત્યંત નકામી બતાવાઈ છે!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં