Thursday, July 18, 2024
More
  હોમપેજમંતવ્યપાયલટ, સિંધિયા, સિદ્ધુ…કોના રસ્તે જશે ‘ડેપ્યુટી સીએમ’ ડીકે શિવકુમાર?: કર્ણાટકમાં કોકડું ઉકેલ્યા...

  પાયલટ, સિંધિયા, સિદ્ધુ…કોના રસ્તે જશે ‘ડેપ્યુટી સીએમ’ ડીકે શિવકુમાર?: કર્ણાટકમાં કોકડું ઉકેલ્યા પછી પણ પાંચ વર્ષ સુધી કોંગ્રેસના માથે લટકતી રહેશે તલવાર

  એટલે ડીકે શિવકુમાર સચિન પાયલટ બનશે, સિંધિયા બનશે કે સિદ્ધુ- એ આવનારો સમય જ કહેશે. બની શકે કે તેઓ હાલના સ્ટેન્ડ પર મક્કમ રહે અને પાર્ટી પાંચ વર્ષ વિના વિઘ્ને કાઢી નાંખે, પરંતુ એ વાત પાક્કી છે કે આવનારાં પાંચ વર્ષ સુધી આ બાબત કોંગ્રેસ માટે ચિંતાનું કારણ બની રહેશે. 

  - Advertisement -

  13 મેએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં, કોંગ્રેસની સ્પષ્ટ બહુમતીએ જીત થઇ. પણ મુખ્યમંત્રી નક્કી થતાં-થતાં 18 મે આવી ગઈ. કોંગ્રેસે જેટલી મહેનત ચૂંટણીમાં ભાજપને કરાવવામાં કરી એનાથી વધુ મુખ્યમંત્રી પસંદ કરવામાં કરી છે. બે જ દાવેદારો હતા- સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર. તેમાંથી એકને પસંદ કરવામાં પાર્ટીએ ચાર-પાંચ દિવસ કાઢી નાંખ્યા. આખરે સિદ્ધારમૈયાનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયું છે. જ્યારે ડીકે તેમના ડેપ્યુટી રહેશે. 

  આ પાંચ દિવસ દરમિયાન ભારે ચર્ચાઓ ચાલી, બંને દાવેદારો પણ સમયે-સમયે નિવેદનો આપીને દાવો માંડતા રહ્યા અને આડકતરી રીતે હાઇકમાન્ડ સુધી સંદેશા પહોંચાડ્યા, તેમના સમર્થકો તો પહેલા દિવસથી ઉત્સાહિત હતા જ. અનેક બેઠકો અને ચર્ચાઓ બાદ આખરે કોંગ્રેસે સિદ્ધારમૈયા પર પસંદગીનો કળશ ઢોળ્યો. જેથી તેમને તો જે જોઈતું હતું તે મળી ગયું છે- મુખ્યમંત્રી પદ. પરંતુ ચર્ચાના કેન્દ્રમાં છે ડીકે શિવકુમાર.

  ડીકે હાલ કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ છે. પાર્ટીને જે 135 બેઠકો મળી તેમાં તેમનો પણ મોટો ફાળો હતો. એવું તેઓ પોતે પણ જાહેરમાં કહી ચૂક્યા છે. મીડિયામાં તેમને કર્ણાટકમાં કોંગ્રેસના ‘સંકટમોચક’ તરીકે ઓળખાવવામાં આવી રહ્યા છે. એટલે કે જ્યારે-જ્યારે કોંગ્રેસને જરૂર પડી કે પાર્ટી મુશ્કેલીમાં ફસાઈ ત્યારે તેઓ પાર્ટીને બચાવવા માટે આવ્યા. ગાંધી પરિવારના પણ નજીકના હતા, જે કોંગ્રેસમાં કોઈ પણ પદ મેળવવા માટે બહુ જરૂરી છે, તેમ છતાં તેમણે હવે ડેપ્યુટી સીએમની પોસ્ટ થકી સંતોષ માનવો પડશે. 

  - Advertisement -

  ડીકે શિવકુમારે અત્યાર સુધીમાં એવું કોઈ નિવેદન આપ્યું નથી કે નથી બળવાના સૂર ઉપાડ્યા. તેઓ તો પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સિદ્ધારમૈયા સાથેની તસ્વીરો પોસ્ટ કરીને કર્ણાટકના વિકાસની વાતો કરી રહ્યા છે. પરંતુ આવી તસ્વીરો તો સચિન પાયલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ ક્યાં નહતી મૂકી! એટલે હવે ડીકે શિવકુમાર શિવકુમાર જ રહે છે કે સચિન પાયલટના રસ્તે જાય છે? એ વિચારવાનું છે. સિંધિયા કે સિદ્ધુ બને તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. કોઈ પણ રસ્તે જાય, કોંગ્રેસ માટે આવતાં પાંચ વર્ષ સુધી આ તલવાર સતત લટકેલી રહેશે.

  સચિન પાયલટ- પોતાની જ સરકાર, પોતે જ વિપક્ષ 

  રાજસ્થાનમાં ભાજપ તો વિપક્ષી પાર્ટી છે જ, પણ હમણાં વિપક્ષનું કામ સચિન પાયલટ પણ કરી રહ્યા છે. 2018માં રાજસ્થાનમાં સત્તા મળ્યા પછી એ જ સ્થિતિ હતી જે અત્યારે કર્ણાટકમાં છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ- બેમાંથી એકને સીએમ પસંદ કરવાના હતા. આખરે ગાંધી પરિવારના નજીકના અશોક ગેહલોતને પસંદ કરાયા. તેમની સાથે સચિન પાયલટને ડેપ્યુટીનો કારભાર સોંપાયો. જે રીતે અત્યારે સિદ્ધારમૈયાને સીએમ અને ડીકેને ડેપ્યુટી બનાવાયા, એ જ રીતે.

  2 વર્ષ ન થયાં અને સચિન પાયલટે પરચા બતાવવાના શરૂ કરી દીધા હતા. 2020માં તેમણે બળવો કરી દીધો અને સરકાર ભંગ થવાના આરે આવી ગઈ હતી. પણ આખરે બાજી સંભાળી લેવાઈ. વાત તો બધું સમુંસૂતરું પાર પડ્યાની થઇ હતી પણ પછી પણ સતત આ બંને નેતાઓ અને તેમનાં જૂથો વચ્ચે અણબનાવ બનતા રહ્યા અને આંતરિક વિખવાદ સતત ચાલતો જ રહ્યો. બંને નેતાઓ ક્યારેક જાહેરમાં એકબીજાની વિરુદ્ધ નિવેદન આપી દે છે તો ક્યારેક આડકતરી રીતે સંકેતો આપે છે. 

  સામી ચૂંટણીએ પાયલટે પાર્ટી હાઇકમાન્ડની ઊંઘ હરામ કરી દીધી છે. તાજેતરમાં જ તેમણે પોતાની જ સરકાર સામે એક દિવસના ધરણાં કર્યાં હતાં અને ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સતત એવાં નિવેદનો આપી રહ્યા છે જેનાથી 2023 પહેલાં તેઓ કંઈ નવાજૂની ન કરે તો જ નવાઈ! એ વાત નક્કી છે કે સચિન પાયલટ સીધી રીતે ચૂંટણી લડવાના નથી, જેથી તેઓ જે કંઈ પણ કરશે તેની કોંગ્રેસ પર સીધી અસર પડશે અને એ અસર માઠી જ હશે. 

  જ્યોતિરાદિત્ય સિંધિયા- પોતાની જ સરકાર લઘુમતીમાં લાવી દીધી હતી 

  સચિન પાયલટ વિશે સતત ચર્ચા ચાલે છે કે તેઓ બીજા જ્યોતિરાદિત્ય સિંધિયા બનશે. સિંધિયા એક સમયે ગાંધી પરિવાર અને રાહુલ ગાંધીના અત્યંત નજીકના નેતા માનવામાં આવતા. મધ્ય પ્રદેશમાં પણ તેમનું એટલું જ વર્ચસ્વ. રાજસ્થાન સાથે જ ત્યાં પણ ચૂંટણી થઇ હતી અને ત્યાં પણ પાર્ટીએ સિંધિયાને મૂકીને કમલનાથને સીએમ તરીકે પસંદ કર્યા. કહેવાય છે કે ત્યારે સિંધિયાને પણ ડેપ્યુટી સીએમનું પદ આપવા ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે સ્વીકારી ન હતી. 

  જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની જ સરકાર અને પાર્ટી સામે બળવો કરી દીધો અને અમુક ધારાસભ્યોને લઈને ભાજપમાં આવી ગયા. કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઈ અને આખરે તેમણે સત્તામાંથી હાથ ધોવા પડ્યા. સિંધિયા ભાજપમાં આવ્યા અને ભાજપ સત્તામાં. કોંગ્રેસ આજે એમપીમાં ક્યાંય નથી. 

  પંજાબનું ઉદાહરણ પણ આપણી સામે છે. ત્યાં બધું બરાબર ચાલતું હતું અને નવજોતસિંઘ સિદ્ધુએ એકલે હાથે પાર્ટીની પથારી ફેરવી મૂકી. તેમણે ચૂંટણીના છ મહિના પહેલાં કેપ્ટન અમરિન્દર સિંઘ સામે તલવારો ખેંચી કાઢી અને આખરે કેપ્ટને સત્તા અને પાર્ટી બંનેમાંથી રાજીનામાં આપી દેવાં પડ્યાં. તેમના સ્થાને ચરણજીત સિંઘ ચન્નીને બેસાડાયા, જેઓ પણ કોઈ ખાસ કમાલ કરી શક્યા નહીં. સામી ચૂંટણીએ આવી અસ્થિરતાએ પાર્ટીને વેરવિખેર કરી નાંખી અને આજે ત્યાં પણ કોંગ્રેસનું નામનિશાન રહ્યું નથી. 

  કોંગ્રેસમાંથી ઉપેક્ષા થયા બાદ પાર્ટી છોડી હોય તેવા નેતાઓમાં એક આસામના સીએમ હિમંત બિસ્વ સરમા પણ છે. આસામ કોંગ્રેસમાં તેઓ દિગ્ગજ નેતા હતા, પાર્ટી માટે વર્ષો સુધી કામ કર્યું, પણ સતત થતી ઉપેક્ષાએ તેમને વિચાર કરવા મજબુર કર્યા અને ભાજપમાં આવતા રહ્યા. આજે તેઓ ન માત્ર એક રાજ્યના સીએમ છે પરંતુ એટલું મોટું કદ થઇ ગયું છે કે હજારો કિલોમીટર દૂર ગુજરાતમાં ચૂંટણી હોય તો તેમને પ્રચાર કરવા મોકલવામાં આવે છે.

  ડેપ્યુટી સીએમનું પદ એ સમસ્યાનું સમાધાન નથી 

  રાજકારણમાં પણ વિજ્ઞાનનો જ નિયમ લાગુ પડે છે. સમાન ધ્રુવો ક્યારેય એકબીજાની નજીક ટકતા નથી. ડેપ્યુટી સીએમનું પદ આપવું એ આવી સમસ્યાઓનું સમાધાન નથી. બંધારણમાં ક્યાંય ડેપ્યુટી સીએમના પદનો ઉલ્લેખ જ નથી, ન તેમની પાસે કોઈ વિશેષ સત્તા હોય છે. આ બધું રાજકારણીઓ જાણે છે. પોતપોતાની મહત્વકાંક્ષાઓ હોય છે. એ હમણાં નહીં તો ગમે ત્યારે ઉછાળા મારે જ છે, અને ક્યારેક નિયંત્રણ બહાર જતી રહે છે. એવું થાય ત્યારે ઉપર લખ્યું એવું બધું બનતું હોય છે.

  કોંગ્રેસ એ ભાજપ નથી 

  ભાજપ આવી સ્થિતિને પણ નિયંત્રણમાં લઇ શકે તેનું કારણ એ છે કે તેમની પાસે સુવ્યવસ્થિત તંત્ર છે, કેડર બેઝ પાર્ટી છે. ત્યાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા રાજકારણના માહિર ખેલાડીઓ છે, જેઓ ગમે તેવી પરિસ્થતિને સંભાળી જાણે છે અને સમય આવ્યે કડક નિર્ણયો લઇ શકે છે. તેમની પાર્ટી પર એટલી મજબૂત પકડ છે કે રાતોરાત રાજ્યોના સીએમ રાજીનામું આપી દે છે અને સવાર થાય એટલે કોઈ પણ માથાકૂટ વગર નવો સીએમ શપથ પણ લઇ લે છે. કોંગ્રેસ પાસે હાલની સ્થિતિએ એવો કોઈ નેતા દેખાતો નથી. જેઓ છે તેઓ રાહુલ ગાંધીને પૂછ્યા વગર પાણી પણ પીતા નથી, અને રાહુલ ગાંધી આવી રાજકારણની ગૂઢ બાબતોમાં કેટલા ‘પાવરધા’ છે એ કોઈનાથી છૂપું નથી.

  એટલે ડીકે શિવકુમાર સચિન પાયલટ બનશે, સિંધિયા બનશે કે સિદ્ધુ- એ આવનારો સમય જ કહેશે. બની શકે કે તેઓ હાલના સ્ટેન્ડ પર મક્કમ રહે અને પાર્ટી પાંચ વર્ષ વિના વિઘ્ને કાઢી નાંખે, પરંતુ એ વાત પાક્કી છે કે આવનારાં પાંચ વર્ષ સુધી આ બાબત કોંગ્રેસ માટે ચિંતાનું કારણ બની રહેશે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં