Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી ન આવ્યા ડીકે શિવકુમાર, ઈશારા-ઈશારામાં ઘણું કહી દીધું: કર્ણાટકમાં સીએમ પદ...

    દિલ્હી ન આવ્યા ડીકે શિવકુમાર, ઈશારા-ઈશારામાં ઘણું કહી દીધું: કર્ણાટકમાં સીએમ પદ પર સસ્પેન્સ યથાવત, હાઇકમાન્ડની ચિંતા વધી

    નિરીક્ષકોએ ધારાસભ્યોના મત અંગેનો રિપોર્ટ ખડગેને સોંપ્યો, 24 કલાકમાં નિર્ણય સંભવ.

    - Advertisement -

    વિધાનસભા ચૂંટણીમાં બહુમતીથી જીત મેળવી લીધા બાદ હવે કર્ણાટકની કમાન કોના હાથમાં સોંપવી તે પ્રશ્ને કોંગ્રેસ હાઇકમાન્ડ ચિંતામાં છે. પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર- આ બે નેતાઓને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. બંને નેતાઓ નમતું મૂકવાના મૂડમાં જણાઈ રહ્યા નથી. 

    બંને નેતાઓએ દાવો ઠોક્યો 

    સીએમ નક્કી કરવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંનેને દિલ્હી તેડ્યા હતા. જેમાંથી સિદ્ધારમૈયા પહોંચી ગયા છે, પરંતુ શિવકુમાર હજુ કર્ણાટકમાં જ છે. દિલ્હી જતાં પહેલાં સિદ્ધારમૈયાએ મોટો દાવો કરતાં કહ્યું હતું કે, તેમને મોટાભાગના ધારાસભ્યોનું સમર્થન છે અને તેઓ જ સીએમ બને તેવું આ ધારાસભ્યો ઈચ્છે છે. 

    બીજી તરફ, ડીકે શિવકુમારે પોતે બીમાર હોવાના કારણે દિલ્હી ન જઈ શકે તેમ જણાવ્યું છે. સવારે તેમણે કહ્યું હતું કે દિલ્હી જવા અંગે તેમણે કોઈ નિર્ણય લીધો નથી. ત્યારબાદ દિલ્હી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ પછીથી કહ્યું કે, તેમને પેટમાં ઇન્ફેક્શન થઇ ગયું છે, જેના કારણે રાજધાની જશે નહીં. 

    - Advertisement -

    મારા નેતૃત્વમાં પાર્ટી જીતી 135 બેઠકો: ડીકે 

    આ સાથે શિવકુમારે ઈશારામાં ઘણી વાતો કહી દીધી હતી. તેમણે કહ્યું કે પાર્ટી 135 બેઠકો તેમના નેતૃત્વમાં જીતી છે. તેમણે કહ્યું, “કોંગ્રેસ હાઇકમાન્ડે મને અને સિદ્ધારમૈયાને દિલ્હી બોલાવ્યા હતા. સોનિયા ગાંધી અને ખડગેએ મને અધ્યક્ષનું પદ સોંપ્યું હતું. 135 બેઠકો મારી અધ્યક્ષતામાં મળી છે. જ્યારે ધારાસભ્યોએ પાર્ટી છોડી અને અમે સરકાર ગુમાવી ત્યારે પણ મેં આશા છોડી ન હતી. છેલ્લાં પાંચ વર્ષમાં શું થયું એ બધું જ હું જણાવવા નથી માંગતો.” 

    તાજેતરમાં એક મીડિયા બાઈટ આપતાં તેમણે કહ્યું હતું કે, તેઓ આવતીકાલે દિલ્હી જવાના પ્રયાસ કરશે. ઘણા લોકો તેમને સીએમ તરીકે જોવા માંગે છે તેવા પ્રશ્ન પર તેમણે કહ્યું કે, હું આ બાબત પર ટિપ્પણી કરીશ નહીં, પાર્ટી હાઇકમાન્ડ આ બાબતે નિર્ણય કરશે. 

    કાલ સુધીમાં નિર્ણય શક્ય 

    તાજા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસે નિયુક્ત કરેલા નિરીક્ષકોએ સીએમ અંગે ધારાસભ્યોના મત અંગેનો રિપોર્ટ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપી દીધો છે. જેઓ હવે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય કરશે. આગામી 24 કલાકમાં કર્ણાટકના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં