Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટક કોંગ્રેસમાં કોંકડું ગૂંચવાયું: CM પદને લઈને ખેંચતાણ, બંને દાવેદારોને દિલ્હીનું તેડું,...

    કર્ણાટક કોંગ્રેસમાં કોંકડું ગૂંચવાયું: CM પદને લઈને ખેંચતાણ, બંને દાવેદારોને દિલ્હીનું તેડું, રવાના થતાં પહેલાં સિદ્ધારમૈયાએ મોટો દાવો કર્યો

    સત્તાધારી પાર્ટી ભાજપને હટાવીને સરકાર બનાવવા માટેનો માર્ગ મળી ગયો હોવા છતાં કોંગ્રેસ હજુ સુધી આગળ વધી શકી નથી. કારણ કે સરકારનો વડો કોણ હશે તે જ નક્કી થઇ શક્યું નથી.

    - Advertisement -

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી તો જીતી લીધી, પરંતુ હવે કોંગ્રેસ માટે એક મોટો પડકાર મુખ્યમંત્રી પસંદ કરવાનો છે. બે કદાવર નેતાઓ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના ટેકેદારો પોતપોતાના નેતાઓને સીએમ બનાવવા માટે પાર્ટી પર દબાણ કરી રહ્યા છે. આ બેમાંથી કોની પસંદગી કરવી અને કોને પડતા મૂકવા એ હાઇકમાન્ડ માટે ચિંતાનો વિષય બન્યો છે. 

    રવિવારે કર્ણાટકમાં ધારાસભ્ય પક્ષની એક બેઠક મળી હતી. સામાન્યતઃ આ પ્રકારની બેઠકોમાં એક ધારાસભ્યને નેતા તરીકે ચૂંટવામાં આવે છે, જેઓ મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરે છે. પરંતુ કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોએ એક જ લીટીનો પ્રસ્તાવ પસાર કરીને આ બાબતનો નિર્ણય હાઇકમાન્ડ પર છોડી દીધો છે. જેથી હવે ગાંધી પરિવાર અને મલ્લિકાર્જુન ખડગે સીએમ નક્કી કરશે. જેને લઈને પાર્ટીએ બંને નેતાઓને દિલ્હીનું તેડું મોકલ્યું છે. 

    સિદ્ધારમૈયા બેંગ્લોરથી દિલ્હી જવા માટે રવાના થઇ ગયા છે. જ્યારે શિવકુમારનું કહેવું છે કે તેમણે હજુ સુધી દિલ્હી જવા બાબતે કોઈ નિર્ણય કર્યો નથી. તેમણે કહ્યું કે, “મેં હજુ સુધી દિલ્હી જવા બાબતે નિર્ણય કર્યો નથી, કારણ કે  રાજ્યભરમાંથી ઘણા લોકો મુલાકાત માટે આવી રહ્યા છે. આજે મારો જન્મદિવસ હોવાના કારણે ઘરે પૂજા પણ છે અને મારે કેટલાંક મંદિરોએ પણ જવાનું છે.” જોકે, રિપોર્ટ્સ  અનુસાર, તેઓ સાંજે દિલ્હી જવા રવાના થાય તેવી શક્યતા છે. 

    - Advertisement -

    સિદ્ધારમૈયાએ કહ્યું- મોટાભાગના ધારાસભ્યો મારા પક્ષે

    બીજી તરફ, દિલ્હી રવાના થતાં પહેલાં સિદ્ધારમૈયાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે, કર્ણાટકના બહુમતી ધારાસભ્યો તેમના પક્ષમાં જ છે. આમ કહીને તેમણે આડકતરી રીતે સીએમ પદ માટે પોતાનું નામ આગળ કરી દીધું છે. આજતક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ડીકે શિવકુમાર સાથે તેમના સબંધો બહુ સારા છે પરંતુ મોટાભાગના ધારાસભ્યો તેમના સમર્થનમાં છે. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે મોટાભાગના ધારાસભ્યોએ મારી તરફેણમાં મતદાન કર્યું છે. તેઓ મને કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.” ધારાસભ્યોએ પસાર કરેલા પ્રસ્તાવને લઈને તેમણે કહ્યું કે, “તે એક સામાન્ય પ્રક્રિયા છે. તેમણે (હાઇકમાન્ડે મોકલેલા નિરીક્ષકોએ) સિક્રેટ બેલેટ દ્વારા ધારાસભ્યોનો પક્ષ પણ જાણ્યો હતો. મને વિશ્વાસ છે કે ધારાસભ્યો મને જ સમર્થન આપશે.”

    સિદ્ધારમૈયા પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેમજ કોંગ્રેસના વગદાર નેતા છે. ગાંધી પરિવારના પણ નજીકના વ્યક્તિ છે. પાર્ટીમાં પણ કદ સારું છે. આ સ્થિતિમાં તેમનું આ નિવેદન ઘણા સંકેતો આપે છે. જોકે, સામેની તરફ ડીકે શિવકુમારનો ફાળો પણ આ જીતમાં નોંધપાત્ર હોવાના કારણે અને ગાંધી પરિવાર અને ખડગે બંનેના વિશ્વાસુ હોવાના કારણે રેસમાંથી તેમની પણ બાદબાકી કરી શકાય નહીં. 

    કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ 224માંથી 136 બેઠકો જીતી લીધી હતી. સત્તાધારી પાર્ટી ભાજપને હટાવીને સરકાર બનાવવા માટેનો માર્ગ મળી ગયો હોવા છતાં કોંગ્રેસ હજુ સુધી આગળ વધી શકી નથી. કારણ કે સરકારનો વડો કોણ હશે તે જ નક્કી થઇ શક્યું નથી. ઉલ્લેખનીય છે કે છ મહિના પહેલાં હિમાચલ પ્રદેશ ચૂંટણીનાં પરિણામ આવ્યાં ત્યારે પણ muk મુખ્યમંત્રી અંગે પસંદગીને લઈને આવી જ સ્થિતિ સર્જાઈ હતી, જોકે પછીથી માંડ-માંડ કાબૂ મેળવી લેવાયો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં