Tuesday, October 15, 2024
More
    હોમપેજરાજકારણહરિયાણામાં કોંગ્રેસ પક્ષે માહોલ બનાવી રહ્યા હતા ‘અન્નદાતા’?

    હરિયાણામાં કોંગ્રેસ પક્ષે માહોલ બનાવી રહ્યા હતા ‘અન્નદાતા’?

    આ બધું શા માટે થયું? કથિત ખેડૂત નેતા ગુરનામ સિંઘ ચઢૂની વાત માનીએ તો કોંગ્રેસ પક્ષે માહોલ સર્જવા માટે.

    - Advertisement -

    2020-21માં દિલ્હીની સરહદો પર આંદોલનના નામે ‘ખેડૂતો’ (Farmers Protest) ડેરો જમાવીને મહિનાઓ સુધી બેસી રહ્યા ત્યારે એક શબ્દ પ્રચલિત બન્યો હતો, કે રાધર બનાવવામાં આવ્યો હતો- અન્નદાતા. આ અન્નદાતા એટલે સાદી ભાષામાં ખેડૂતો. માહોલ એવો બનાવવામાં આવ્યો કે ખેડૂતો નારાજ છે અને તેમની પાસે કોઈ વિકલ્પ બાકી ન રહ્યો તો રસ્તા પર ઉતરવું પડ્યું, ન્યાય માંગવા માટે. 

    વિરોધ હતો કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કાયદાનો, જે કૃષિ સંબંધિત હતા. કાયદા સામે નારાજગી શું હતી? તેની વિગતોમાં ક્યારેય ન આ અન્નદાતા વધારે પડ્યા કે ન તેની ચર્ચા કરનારાઓ. જેઓ આંદોલનમાં બેઠા હતા તેમાંથી મોટાભાગનાને એ પણ ખબર ન હતી કે તેઓ વિરોધ કરવા માટે કેમ આવ્યા છે. 

    મહિનાઓ સુધી સરકાર સાથે આ અન્નદાતાઓની વાતચીતો ચાલી, પણ કોઈ પરિણામ ન મળ્યું. આ દરમિયાન આંદોલનની આડમાં અરાજકતા સર્જવાના ભરપૂર પ્રયાસો થયા. 2021ની 26 જાન્યુઆરીએ ટોળું લાલ કિલ્લા સુધી ધસી ગયું અને જ્યાં વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યાં જઈને ખાલિસ્તાની ઝંડો ફરકાવી દેવાયો. હવે ખેડૂતોનું આંદોલન હોય તેમાં આ રાજકીય બાબતો ક્યાંથી આવી? એ પ્રશ્ન ત્યારે પણ ચર્ચાયો હતો, આજે પણ એટલો જ પ્રાસંગિક છે. 

    - Advertisement -

    આજ સુધી આ આંદોલનને એ જ રીતે રજૂ કરવામાં આવતું રહ્યું કે તે ખેડૂતોનું એક સ્વયંભૂ આંદોલન હતું અને રાજકારણને તેમાં કોઈ સ્થાન ન હતું. પરંતુ હકીકત શું હતી તે જગજાહેર છે. ભારત જેવા દેશમાં 100 માણસો પણ ભેગા થાય તો તેની અસર રાજકારણ પર થયા વગર રહે નહીં. તો આ તો મહિનાઓ સુધી ચાલેલું આંદોલન હતું. 

    ત્યારપછી ગત વર્ષે ફરી એક વખત બીજા મુદ્દાઓ સાથે પંજાબ-હરિયાણાના અન્નદાતાઓએ દિલ્હી જવાના પ્રયાસ કર્યા, પણ આ વખતે ચેતી ગયેલી સરકારે હરિયાણામાં જ પ્રવેશ ન આપ્યો, એટલે દિલ્હી પહોંચી શકાયું નહીં. પણ તૈયારી તો પૂરેપૂરી કરી નાખવામાં આવી હતી. (જો કોંગ્રેસ આ ચૂંટણીમાં જીતી હોત તો હરિયાણાના દરવાજા ખોલી નખાયા હોત? શત પ્રતિશત. શંકા જ ન હોવી જોઈએ.)

    આ બધું શા માટે થયું? કથિત ખેડૂત નેતા ગુરનામ સિંઘ ચઢૂની વાત માનીએ તો કોંગ્રેસ પક્ષે માહોલ સર્જવા માટે.

    ચઢૂનીએ જ નેતા છે જેઓ તાજેતરમાં હરિયાણામાં વિધાનસભા ચૂંટણી લડ્યા. મત કેટલા મળ્યા? ગણીને 1170. પાંચમા નંબરે રહ્યા અને ડિપોઝિટ પણ ગુમાવી. આ પણ દર્શાવે છે કે આખા એક સમૂહના નેતા હોવાનું કહીને સરકાર સાથે વાતચીતના ટેબલ પર બેસી જનારાઓ પાસે ખરેખર જનસમર્થન કેટલુંક છે!

    કેમેરા સામે સ્વીકારે છે ‘ખેડૂત નેતા’: કોંગ્રેસ માટે માહોલ બનાવ્યો

    ચઢૂની કહે છે કે, તેમણે તો કોંગ્રેસ પક્ષે માહોલ બનાવવા માટે બહુ પ્રયાસ કર્યા હતા, પણ કોંગ્રેસ નેતાઓ મૂરખ સાબિત થયા. 

    ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતાં ખેડૂત નેતા અને ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ ગુરનામ સિંઘ ચઢૂની કહે છે, ‘હું માનું છું કે ભૂપેન્દ્ર હુડ્ડા અત્યંત બુદ્ધિહીન છે. હરિયાણામાં જે માહોલ બનાવ્યો, કોંગ્રેસના પક્ષમાં, તે અમે બનાવ્યો….એ ખેડૂત વર્ગે બનાવ્યો હતો. ચાલો મને નહતી આપી, બીજા ખેડૂત નેતાઓને તો આપી દીધી હોત. (સંભવતઃ ટિકિટની વાત કરે છે)  એટલે અમે જાતે ઊભા રહ્યા. ઘણાએ પ્રયાસ કર્યા, પણ શક્ય ન બન્યું.”

    તેઓ આગળ કહે છે, “સૌથી મોટું કારણ એ રહ્યું કે તેમણે (હુડ્ડા) કોઈ સાથે સમાધાન ન કર્યું અને કોંગ્રેસે તેમની ઉપર બધું છોડી દીધું. હજુ પણ તમારા માધ્યમે કોંગ્રેસ હાઈકમાન્ડને કહેવા માંગું છું કે હજુ પણ વિપક્ષ નેતા ભૂપેન્દ્ર હુડ્ડાને ન બનાવે. તેમણે છેલ્લાં 10 વર્ષમાં વિપક્ષ નેતાની ભૂમિકા નથી નિભાવી. કિસાન યુનિયને વિપક્ષની ભૂમિકા ભજવી હતી.”

    ‘ખેડૂત નેતા’ કહે છે, “આવું જ ચાલુ રહ્યું તો આશા ન રાખો કે આગળ પણ કોંગ્રેસનું રાજ આવશે. તેના માટે મજબૂત વિપક્ષ જોઈએ. લડનારો માણસ જોઈએ. તેમને આગળ કરવા જોઈએ.”

    હવે અહીં પ્રશ્ન એ થાય કે અપક્ષ લડેલા અને ખેડૂતોના નેતા ગણાવતા વ્યક્તિને કોંગ્રેસ આવે કે ન આવે કે પછી વિપક્ષ નેતા કોને બનાવે તેની ચિંતા શા માટે થવી જોઈએ? બીજું આજ સુધી ખેડૂતો કાયમ દાવો કરતા રહ્યા કે તેમને કોંગ્રેસ કે પછી બીજી કોઈ પાર્ટી સાથે કોઈ સંબંધ નથી, પરંતુ વાસ્તવિકતા શું છે તે તો આ ખેડૂત નેતાએ જણાવી દીધી. 

    અહીં ‘ખેડૂત નેતા’ સ્પષ્ટ સ્વીકારે છે કે ખેડૂતોએ કોંગ્રેસના પક્ષમાં માહોલ બનાવ્યો હતો, પરંતુ તેની પણ કોઈ અસર ન થઈ. અસર થઈ હોય કે ન હોય એ બીજી વાત છે, પણ માહોલ બનાવવાનું સ્વીકારવું એ એક મોટી વાત છે. 

    આ કિસ્સો વધુ એક સાબિતી છે કે અહીં થતું કોઈ પણ આંદોલન રાજકારણમાંથી બાકાત રહી શકતું નથી. તેનું ઉદાહરણ પહેલવાનોનું આંદોલન પણ છે અને ગુજરાતમાં લોકસભા ચૂંટણી ટાણે થયેલું ક્ષત્રિય સંકલન સમિતિનું આંદોલન પણ. આવાં આંદોલનોમાંથી મોટાભાગે નેતાઓ જ પાકે છે અને આ નેતાઓ જ પછીથી કાં તો રાજકીય પાર્ટી સાથે અથવા તો અંદરોઅંદર લડતા રહે છે અને જે મુદ્દા માટે એકઠા થયા હોય તે છેટા રહી જાય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં