હનુમાન ચાલીસા વિશે અજાણ હોય તેવું ભાગ્યે જ કોઈ વ્યક્તિ મળશે. ઘણાને આખી કંઠસ્થ પણ હશે જ. હિંદુઓના ઘરે મંગળવારે કે શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા નિત્યક્રમ રહ્યો છે. સોશિયલ મીડિયાના સમયમાં પણ હનુમાન ચાલીસા પ્રત્યે લોકોનો ભાવ અકબંધ રહ્યો છે. તાજેતરમાં જાણવા મળ્યું કે, યુ-ટ્યુબ ઉપર ગુલશન કુમારની T-સિરીઝની હનુમાન ચાલીસા 3 બિલિયનથી વધુ વખત જોવામાં આવી છે, જેની સાથે તે યુ-ટ્યુબ પર સૌથી વધુ જોવાયેલો વિડીયો બન્યો છે.
જગવિખ્યાત મ્યુઝીક કંપની T-seriesના આધિકારિક ટ્વીટર હેન્ડલ પરથી આ માહિતી આપવામાં આવી હતી. આ વિડીયો 10 મે 2011ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. 9 મિનીટ 14 સેકન્ડના આ વિડીયોમાં તુલસીદાસ રચિત સંપૂર્ણ હનુમાન ચાલીસા છે. આજે કરોડોની બ્રાન્ડ વેલ્યૂ ધરાવતી આ મ્યુઝીક કંપનીની શરૂઆત ગુલશન કુમારે વર્ષ 1983માં કરી હતી.
આટલા મોટા તબક્કે પહોંચવા બદલ લોકોનો આભાર માનતાં ટી-સિરીઝે ગુરુવારે ટ્વિટ કરીને જણાવ્યું કે, હનુમાન ચાલીસાએ કરોડો લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે અને આ એવો પહેલો ભારતીય વિડીયો છે જેને 3 અબજથી વધુ વખત જોવામાં આવ્યો હોય. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઓ ક્ટોબર 2021માં હનુમાન ચાલીસાના આ વિડીયોએ 2 બિલિયન વ્યૂઝ પૂરા કર્યા હતા.
The celebrations have begun as the devotional music of #HanumanChalisa has made a home in 3 Billion hearts! ❤️
— T-Series (@TSeries) March 9, 2023
Thank you so much for making it the First Indian Video to hit 3 Billion+ views on YouTube! Tune in now: https://t.co/7g0alhPQT5#tseries #ShriGulshanKumarJi pic.twitter.com/0qbuxVy4vR
એક તરફ જ્યાં એક વર્ગ સોશિયલ મીડિયા અને અન્ય પ્રચાર માધ્યમો દ્વારા લોકોને મૂળ વારસા અને સંસ્કૃતિથી છૂટા પાડવા માટે પ્રયાસો કરતો રહે છે ત્યાં બીજી તરફ આવા કિસ્સાઓ પુરવાર કરે છે કે હજુ પણ ભારત પોતાની ધાર્મિક-સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવામાં સફળ રહ્યું છે અને મૂળમાં સાંસ્કૃતિક વારસો ધરાવે છે.
હનુમાન ચાલીસાની વાત નીકળી છે તો તાજેતરના અમુક કિસ્સાઓની ચર્ચા પણ જરૂરી છે. ગત વર્ષે મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને અઝાન વચ્ચેનો વિવાદ શરૂ થયો પછી મહારાષ્ટ્રના અપક્ષ સાંસદ નવનીત રવિ રાણાએ તત્કાલીન મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે સામે મોરચો માંડ્યો હતો અને તેમના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
જેને લઈને મુંબઈ પોલીસે નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાની ધરપકડ કરી હતી. પોલીસે તેમની સામે રાજદ્રોહ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધ્યો હતો. જે બાદ રાણા દંપતીને જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતા. જોકે, હવે મહારાષ્ટ્રમાં ઠાકરેના હાથમાં સરકાર પણ રહી નથી અને પાર્ટી પણ રહી નથી.
આ તો થઈ રાજકારણની વાત, આ ઉપરાંત એવા પણ અનેક ઉદાહરણો છે જેમાં ભારતીય સમુદાયની ધાર્મિક અસ્થાઓ વૈશ્વિક સ્તરે એક અલગ ઓળખ ઉભી કરે છે. જો ખાલી હનુમાન ચાલીસના પાઠની વાત કરીએ તો જામનગરના એક હનુમાન મંદિરમાં છેલ્લા ઘણા દશકાઓથી હનુમાન ચાલીસા અને રામનામના પાઠ અખંડ રીતે ચાલી રહ્યા છે. 365 દિવસ અને 24 કલાક ચાલતા આ પાઠ કરવા માટે મંદિરમાં ભક્તો વારાફરથી હાજર હોય જ છે તે પણ એક કુતુહલ સર્જાવે તેવો ઘટનાક્રમ છે.