કોઈ નાનું બાળક કુતુહલવશ આપણને હોલિકા દહનની કે પ્રહલાદ અને તેના પિતા હિરણ્યકશ્યપની પૌરાણિક કથાઓ પૂછે તો આપણે તેને કહીએ કે કઈ રીતે ફોઈ હોલિકા ભાણેજ પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ હતી અને તેને વરદાન હોવા છતાં ભસ્મ થઇ ગઈ હતી અને ભગવાનના આશીર્વાદથી પ્રહલાદ બચી ગયો હતો. હિરણ્યકશ્યપ વિશે પણ જે પુરાણોમાં લખ્યું છે અને જગવિદિત છે તે કહીએ. પણ અમુકને આવું સીધેસીધું કહી દેવામાં ‘મજા’ નથી આવતી. તાજું ઉદાહરણ ગુજરાત સમાચારની પૂર્તિમાં છપાયેલી વાર્તાઓ છે.
ગુજરાત સમાચારની ગત શનિવારની (4 માર્ચ, 2023) ‘ઝગમગ’ પૂર્તિમાં હોળી વિશે વાર્તાઓ કહેવાઈ હતી. પૂર્તિ બાળકો માટેની છે એટલે સ્વભાવિક લખાણ પણ બાળકોને ધ્યાનમાં રાખીને જ લખાયું હોય. બે જુદી-જુદી વાર્તાઓ (કે લેખ)માં હોળીની વાર્તાઓ કહેવાઈ છે, તેનું મૂળ તત્વ પકડી રાખવામાં આવ્યું છે પણ કહેવાની રીત સાવ બદલાયેલી છે.
પહેલા જ પાને છપાયેલી વાર્તાનું નામ છે- ‘હોળી એટલે સ્વચ્છતાનું પર્વ.’ ટૂંકમાં વાર્તા એવી રીતે કહેવાઈ છે કે હોળિકાએ પ્રહલાદ અને તેના અન્ય મિત્રોને નકામી ચીજવસ્તુઓને બાળવા માટે હોળી સળગાવવા માટે કહ્યું અને પછીથી તેમાં ‘સત્ય’ને સૌથી નકામી ચીજવસ્તુ કહીને તેને પણ બાળી દેવા માટે કહ્યું. પરંતુ પ્રહલાદે વિરોધ કર્યો તો હોળિકાએ હિરણ્યકશ્યપ સાથે અગાઉથી નક્કી થયા અનુસાર પ્રહલાદને હોળીમાં નાંખી દીધો પરંતુ તે ઈશ્વરના વરદાનથી બચી ગયો અને પ્રહલાદને બાળવામાં હોળિકા પોતે જ બળી ગઈ.
વાર્તામાં કહેવાયું કે આ તહેવાર ‘હોળિકા ફોઈએ’ શરૂ કરાવ્યો હતો અને સત્યનો હંમેશા વિજય થાય છે તે યાદ અપાવવા માટે તેની ઉજવણી કરવામાં આવતી રહી છે.
બીજી એક વાર્તા છે- વિજ્ઞાનવીર પ્રહલાદ. અહીં પણ મૂળ વાત એવી છે કે પ્રહલાદનો અસૂર પિતા હિરણ્યકશ્યપ તેને મારી નાંખવા માંગે છે પરંતુ પ્રહલાદને ‘ભગવાન’ બચાવી લે છે. ભગવાનને વાર્તામાં એવા જાસૂસ અને જાદૂગર કહેવાયા છે જેમને માત્ર પ્રહલાદ જ જોઈ શકે અને વાતચીત કરી શકે છે.
વાર્તમાં કહેવાયું છે કે જ્યારે હિરણ્યકશ્યપ પ્રહલાદને મારી નાંખવા માટે પહાડ પરથી ફેંકી દેવડાવે છે ત્યારે ‘ભગવાન’ પ્રહલાદને એક ‘હવાઈ છત્રી’ આપીને બચાવી લે છે. પછીથી જ્યારે તેને હાથીના પગ તળે કચડવા માટે લઇ જવામાં આવે ત્યારે ‘ભગવાન’ તેને લેઝર ગન આપીને બચાવી લે છે.
હોલિકા દહનના કિસ્સાનું વર્ણન કરતાં કહેવાયું કે તે સમયે ‘ભગવાને’ પ્રહલાદને ફાયરપ્રૂફ વસ્ત્રો આપ્યાં હતાં અને હોલિકાના લેપમાં ઝડપથી સળી ઉઠે તેવા પદાર્થો સામેલ કરવામાં આવ્યા હતા. પછીથી જે લાલચોળ થાંભલાના કિસ્સાનું વર્ણન આવે છે ત્યાં પણ આધુનિક રીતે વાર્તા કહેવાઈ છે.
આમ તો કહેવાની જરૂર નથી કે આ વાર્તાઓ કાલ્પનિક છે અને વાસ્તવિકતા સાથે કોઈ સબંધ નથી. પરંતુ વાંચનાર નાનાં મગજમાં એ વાતની સ્પષ્ટતા થવી જરૂરી તો છે પણ સાથે અઘરી પણ એટલી જ છે. ક્યાંય સ્પષ્ટતા વગર આ કથાઓ વાંચતું નાનું બાળક મૂળ કથા છોડીને આ જ બાબતો ઉપર વિશ્વાસ કરવા માંડે એ શક્યતા કઈ રીતે નકારી શકાય?
પૌરાણિક કથાઓ બાળકોને કહેવી જ જોઈએ પણ એ જેવી કહેવાતી આવી છે એ જ રીતે કહેવામાં આવે તે જરૂરી છે. ‘ક્રિએટિવ લિબર્ટી’ના નામે કોઈ પણ કથાને કોઈ પણ રીતે ન કહી શકાય. અને મૂળ પ્રશ્ન એ છે કે આખરે આમાં વિજ્ઞાન વચ્ચે લાવવાની કે બીજી કોઈ બહારની બાબતો ઘૂસાડવાની જરૂર જ શી છે?
ધર્મ, પંથોની અમુક બાબતો એવી છે કે તે જેવી છે અને જે રીતે ચાલતી આવે છે એ જ રીતે સ્વીકારવી પડે છે. બધી બાબતો તર્ક વડે સમજી શકાતી નથી. સમજવી પણ હોય તો તેની ચોક્કસ ઉંમર હોય જ્યારે માણસને પૂરતી સમજણ હોય છે. નાનાં મગજમાં તમે જે નાંખો એ સંગ્રહાય છે.
આ વાત હવે ચવાઈ ગઈ છે પણ ઉલ્લેખ જરૂરી છે. કોઈ અન્ય પંથો કે મઝહબોની આવી કથાઓ આ જ રીતે વિજ્ઞાનનો આધાર લઈને કે આધુનિક પદ્ધતિથી નવેસરથી કહી શકાય? ના. તો પછી કોઈ ધર્મને અપવાદ શા માટે બનાવી દેવો જોઈએ.