મોદી સમાજ વિશેની ટિપ્પણી મામલેના માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની સેશન્સ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. મેજિસ્ટ્રેટ કોર્ટે 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધીએ આ ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારીને સજા પર સ્ટે મૂકવા માટેની માંગણી કરી હતી. જે અરજી કોર્ટે ફગાવી દીધી છે, જેથી હાલના તબક્કે રાહુલનું લોકસભાનું સભ્યપદ ગેરલાયક જ રહેશે.
એક તરફ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત આપવાનો ઇનકાર કરવામાં આવ્યો અને બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ દર વખતની જેમ જાતજાતના આરોપો લગાવવાના શરૂ કરી દીધા. પરંતુ આ વખતે પાર્ટી એક સ્તર નીચે ઉતરી છે. રાહુલ ગાંધીની સજા પર સ્ટે ન મૂકાતાં બેબાકળી થયેલી કોંગ્રેસે સીધો કોર્ટ પર જ આરોપ લગાવી દીધો છે અને ન્યાયાધીશ વિશે અણછાજતી ટિપ્પણી કરી નાંખી છે.
કેસમાં સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યાની થોડી જ ક્ષણો બાદ ગુજરાત કોંગ્રેસના ટ્વિટર અકાઉન્ટ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. આ ટ્વિટમાં એક તસ્વીર જોવા મળે છે જેમાં એક તરફ ‘એક્શન’ લખવામાં આવ્યું છે અને જેમાં એક સમાચારનો સ્ક્રીનશોટ છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે જે જજ રાહુલ ગાંધીના કેસની સુનાવણી કરી રહ્યા છે તેઓ એક સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વકીલ હતા. બીજી તરફ, ‘રિએક્શન’ લખીને આજના સમાચારનો સ્ક્રીનશોટ મૂકવામાં આવ્યો છે.
सूरत कोर्ट ने राहुल गांधी की अर्ज़ी को ख़ारिज कर दिया है,
— Gujarat Congress (@INCGujarat) April 20, 2023
ये तो होना ही था, अमित शाह के चेले ने फैसला सुनाया है#RahilGandhi #Daromat pic.twitter.com/oLMQ17Ng4h
આ ફોટો પોસ્ટ કરીને ગુજરાત કોંગ્રેસે લખ્યું કે, ‘સુરતની કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે. આ તો થવાનું જ હતું. અમિત શાહના ચેલાએ નિર્ણય સંભળાવ્યો છે.’
કોંગ્રેસ ઈકોસિસ્ટમની એક જૂની આદત રહી છે કે કોઈ કેસમાં જો ચુકાદો તેમની તરફેણમાં આવે તો તેઓ હોંશેહોંશે વધાવી લે છે અને ન્યાયતંત્રમાં તેમનો વિશ્વાસ જળવાઈ રહે છે. પરંતુ જો કોઈ કેસમાં કોર્ટ વિરુદ્ધ નિર્ણય કે ચુકાદો સંભળાવે તો તેઓ જે-તે કોર્ટ કે ન્યાયાધીશ પર હુમલાઓ કરવામાં એક પણ ક્ષણ વેડફતા નથી. ગુજરાત કોંગ્રેસનું ટ્વિટ તેનું ઉદાહરણ છે.
હમણાં કદાચ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી દીધી હોત તો કોંગ્રેસે આવું જ ટ્વિટ કર્યું હોત? તો ટ્વિટ તો કર્યું હોત પરંતુ તેમાં કદાચ ‘લોકતંત્રની જીત’ અને ‘સત્યમેવ જયતે’ જેવાં વાક્યો લખવામાં આવ્યાં હોત અને ચુકાદાને વધાવી લેવામાં આવ્યો હોત. તો આ જ કોંગ્રેસ કદાચ સરકાર પર આરોપો લગાવીને કહેતી હોત કે રાહુલને પરેશાન કરવામાં આવ્યા પરંતુ કોર્ટે તેમ થવા દીધું નહીં.
સત્ય એ છે કે ન્યાયતંત્રમાં સરકારનો બિલકુલ હસ્તક્ષેપ હોતો નથી. સરકાર પોતાની રીતે કામ કરે છે અને ન્યાયતંત્ર પોતાની રીતે. કોર્ટનું કામ બંધારણનું અર્થઘટન કરીને ન્યાય તોળવાનું છે. સુરતની કોર્ટને લાગ્યું કે રાહુલ ગાંધીની સજા રદ કરી શકાય તેમ નથી તો ન્યાયાધીશે તે પ્રમાણે ચુકાદો આપ્યો. હવે રાહુલ ગાંધી પાસે ઉપલી કોર્ટમાં જવાનો વિકલ્પ છે, પરંતુ આ પ્રકારે કોર્ટ પર સવાલ ઉઠાવીને કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે એ પણ એક પ્રશ્ન છે.
એ પણ નોંધવું જોઈએ કે ન્યાયાધીશ બનવા માટે પહેલાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરવી પડે છે. જેથી ન્યાયાધીશો પહેલાં વકીલ જ હોય છે. હવે એક વકીલ તરીકે કોનો કેસ લડવો અને કોનો નહીં એ નક્કી કરવાનો અધિકાર જે-તે વ્યક્તિનો છે. જેથી ન્યાયાધીશ ભૂતકાળમાં અમિત શાહનો કેસ લડી ચૂક્યા છે એટલે હવે રાહુલ ગાંધીના કેસમાં પૂર્વગ્રહ દાખવે તેમ કહેવું એ હાસ્યાસ્પદ છે.
અહીં ગુજરાત કોંગ્રેસના ટ્વિટ પરથી એ પ્રશ્ન પણ સર્જાય છે કે શું તેને કોર્ટની અવમાનના ગણી શકાય કે કેમ?