Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણઇમરજન્સી, ‘સંવિધાન હત્યા દિવસ’ અને રાજકારણ…. પાંચ નહીં પચાસ દાયકા પછી પણ...

    ઇમરજન્સી, ‘સંવિધાન હત્યા દિવસ’ અને રાજકારણ…. પાંચ નહીં પચાસ દાયકા પછી પણ ઇતિહાસના આ કલંકિત પ્રકરણની ચર્ચા થાય એ જરૂરી

    રોબર્ટ એ. હેનલિનનું એક વાક્ય છે કે, જે પેઢી ઇતિહાસ યાદ રાખતી નથી, તેનો કોઇ ભૂતકાળ હોતો નથી, ન ભવિષ્ય. આવી ઘટનાઓ ફરી ન બને, આવી ‘ઐતિહાસિક ભૂલો' ફરીથી ન થાય તે માટે પ્રજા પોતાનો આવો ઇતિહાસ યાદ રાખે એ જરૂરી છે.

    - Advertisement -

    સત્તા હાથમાંથી જતી જોઈને પોતાની ખુરશી બચાવવા માટે આખા દેશને કટોકટી હેઠળ ધકેલી દેવાના તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના મનસ્વી નિર્ણય અને તેના કારણે દેશે ભોગવેલી યાતનાઓનાં કડવાં સ્મરણો યાદ કરવા માટે મોદી સરકારે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઓળખવાનો આદેશ જાહેર કર્યો છે. 1975માં આ જ દિવસે દેશમાં ‘કટોકટી’ લાગુ થઈ હતી. ત્યારપછી દેશે જે જોયું એ ભૂતકાળમાં ક્યારેય બન્યું ન હતું અને ભવિષ્યમાં એવા દહાડા ફરી ન આવે તેવી આશા રાખીએ. 

    21 મહિના સુધી દેશમાં કટોકટી લાગુ રહી. લાગુ થયાની તરત બાદ જ વિપક્ષી નેતાઓને એક પછી એક જેલમાં ધકેલી દેવામાં આવ્યા. આ નેતાઓમાં લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી બાજપાઈ, જ્યોર્જ ફર્નાન્ડીઝ, અરુણ જેટલી, વિજયારાજે સિંધિયાથી માંડીને અનેક વિપક્ષી નેતાઓ હતા. તે સિવાય પણ ઘણાને રાજકીય કેદીઓ તરીકે રાખવામાં આવ્યા અને તેમણે કેદી તરીકે જે યાતનાઓ ભોગવી તે આજે પણ ઇતિહાસનાં પુસ્તકોમાં નોંધાયેલી છે. 

    રિપોર્ટ્સ જણાવે છે કે, કટોકટી લાગુ કર્યા બાદ દેશમાં લગભગ 1 લાખથી વધુ લોકોને જેલમાં નાંખી દીધા હતા. દેશના જેટલા મોટા વિપક્ષી નેતાઓ હતા એ તમામ જેલમાં હતા. કેદીઓ પર બર્બરતાપૂર્ણ, અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યા. તેમની સાથે મારપીટ કરવામાં આવતી તો ભોજન ન આપવુંથી માંડીને હથેળીઓને બાંધીને હવામાં લટકાવવા સુધીના અત્યાચાર કરવામાં આવતા. કેટલાકને કલાકો સુધી Zની પોઝિશનમાં બેસાડી રાખવામાં આવતા. 

    - Advertisement -

    નેતાઓની ધરપકડ જ માત્ર નહીં. તત્કાલીન પ્રેસ સેન્સરશિપ લાદી દેવામાં આવી હતી. એટલે કે જે સમાચારો છપાય તેની ઉપર સરકારનું સીધું નિયંત્રણ રહેતું. આજે સરકાર બિલકુલ હસ્તક્ષેપ નથી કરતી તેમ છતાં આ જ કોંગ્રેસી વંશજો બૂમો પાડતા રહે છે. દિલ્હીમાં જ્યાં અખબારોની ઑફિસો હતી ત્યાંની વીજળી રાતોરાત ગુલ કરી દેવાઇ હતી, જેથી બીજા દિવસનાં છાપાં નીકળે જ નહીં. તે રસ્તા ઉપર જેટલાં છાપાનાં કાર્યાલય હતાં, તે છાપાં બીજા દિવસે ન છપાઇ શક્યાં. બાકીનાં જે છપાયાં તેમાં અમુકે તંત્રીલેખનું સ્થાન ખાલી રાખ્યું હતું, જેની તસવીરો હજુ પણ ફરતી રહે છે. ત્યારપછી પણ સમગ્ર 21 મહિના દરમિયાન પ્રેસ પર નિયંત્રણ રહ્યું. 

    લોકોના મૌલિક અધિકારોનું ખુલ્લેઆમ હનન કેવી રીતે થયું તેનું એક અલગ પ્રકરણ થઈ શકે. ખાસ કરીને સંજય ગાંધીએ જે કાર્યક્રમો મૂક્યા હતા, તેના કારણે દિલ્હી અને અન્ય ઠેકાણે લાખો લોકોને અસર પહોંચી. સત્તાના અસીમિત ઉપયોગના કારણે ભોગવવાનું વિપક્ષી નેતાઓ, તેમના પરિવારો અને સામાન્ય લોકોને આવ્યું. 

    અત્યારે કોંગ્રેસીઓ રાજકીય લાભ ખાટવા માટે કાયમ ‘બંધારણ બચાવો’ની બૂમો પાડતા રહે છે અને મોદી સરકાર પર બંધારણ બદલી નાખવાના આરોપો લગાવતા રહે છે. પણ હકીકત એ છે કે આ કટોકટીના સમયમાં સત્તાનો દુરુપયોગ કરીને બંધારણમાં ભરપૂર સુધારા કરવામાં આવ્યા હતા. 

    38મા સંશોધન દ્વારા ન્યાયતંત્ર દ્વારા કટોકટીની ન્યાયિક સમીક્ષાનો અધિકારી છીનવી લેવામાં આવ્યો, અન્ય એક સંશોધનમાં બંધારણમાં ઘણા મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા. 42મુ સંશોધન અત્યંત વિવાદાસ્પદ હતું, જેની જોગવાઈઓ હેઠળ કોઈ પણ વ્યક્તિને તેના મૌલિક અધિકારોથી વંચિત રાખવામાં આવી શકતો અને જેના કારણે ન્યાયતંત્રની શક્તિઓ પણ સીમિત થઇ ગઈ હતી. અન્ય એક સંશોધનમાં એવી જોગવાઈ હતી કે કેન્દ્ર સરકારને અધિકાર મળતો કે તે કોઈ પણ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાના નામે સૈન્ય કે પોલીસ મોકલી શકતી હતી. 42મા સંશોધનમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી કે સંસદ દ્વારા કરવામાં આવેલ સુધારાને કોઈ પણ રીતે ન્યાયતંત્રમાં પડકારી શકાય નહીં. 

    અહીં જગ્યા અને સમયના અભાવે બધું લખી શકાય તેમ નથી, પરંતુ આ માત્ર એક પ્રાથમિક જાણકારી થઈ ગઈ. પછી ઘણાં પુસ્તકો લખાયાં, જેમાં ઇમરજન્સી વખતે 21 મહિનામાં દેશે શું-શું જોયું તેનું વિગતવાર વર્ણન છે. હવે તો ઈન્ટરનેટ પણ છે, જેની ઉપર પણ અઢળક સામગ્રી મળી રહે છે. પરંતુ આટલા કપરા સમયગાળાને પણ આપણે યાદ ન કરીએ એવું એક ટોળકી ઇચ્છે છે. 

    પચાસ વર્ષ પછી પણ શા માટે ઇમરજન્સી યાદ કરવામાં આવે છે?

    મોદી સરકારના નિર્ણય પછી હવે દલીલો એવી આપવામાં આવી રહી છે કે ઇમરજન્સીને 50 વર્ષ થઈ ગયાં, હવે આવા દિવસો જાહેર કરવાની શું જરૂર છે? ઘણાને આમાં ‘ઔચિત્ય’ જણાતું નથી. પત્રકારોના વેશમાં ફરતા એજન્ડાબાજોનું માનવું છે કે ઇન્દિરા ગાંધીએ તો બંધારણ અનુસાર ઈમરજન્સી લાદી હતી, જેથી તેને ગેરબંધારણીય ગણી શકાય નહીં. સાથે એજન્ડા ચલાવવા માટે કહે છે કે અત્યારે પણ અઘોષિત ઈમરજન્સી જેવું વાતાવરણ છે! જે બાબત ખોટી હોવાનો પહેલો પુરાવો જ એ છે કે તમે જો ખુલ્લેઆમ કહી શકતા હો કે આ ‘અઘોષિત ઈમરજન્સી’ છે તો તેનો અર્થ એ થયો કે તે નથી. 

    રોબર્ટ એ. હેનલિનનું એક વાક્ય છે કે, જે પેઢી ઇતિહાસ યાદ રાખતી નથી, તેનો કોઇ ભૂતકાળ હોતો નથી, ન ભવિષ્ય. આવી ઘટનાઓ ફરી ન બને, આવી ‘ઐતિહાસિક ભૂલો’ ફરીથી ન થાય તે માટે પ્રજા પોતાનો આવો ઇતિહાસ યાદ રાખે એ જરૂરી છે. માત્ર ઇમરજન્સી જ નહીં પણ એવી દરેક તારીખો અને દરેક દિવસો જે ક્યાં તો રાષ્ટ્રીય ગર્વનાં પ્રતીકો હોય અથવા આવાં કલંકિત પ્રકરણો બયાં કરતા હોય, એને યાદ રાખવા જરૂરી છે. 

    ઇતિહાસ ખબર હશે તો તેમાંથી પ્રજા શીખ મેળવીને ભવિષ્ય સુધારશે. પાંચ દાયકા વીતી ગયા છતાં ઇમરજન્સી ફરી યાદ કરવામાં કેમ આવી રહી છે તેવી ફાલતુ અને વાહિયાત દલીલો આપનારાઓ ઇચ્છે છે કે તમે આ કાળાં કામો ભૂલી જાઓ, પરંતુ તેવું થવા ન દેવાય. ઇતિહાસ જેવો હોય તેવો, એ યાદ રાખવો જરૂરી છે. તેમાંથી શીખવું જરૂરી છે, જેથી તેનું પુનરાવર્તન ન થાય. 

    હવેથી દર વર્ષે 25 જૂનના દિવસે લોકો ‘સંવિધાન હત્યા દિવસ’ મનાવશે તો સાથે એ દિવસોનું પણ સ્મરણ કરશે. આ જ રીતે 14 ઓગસ્ટને મોદી સરકારે ‘વિભાજન વિભીષિકા દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. આવા દિવસો જાહેર કરવા પાછળ માત્ર રાજકીય દ્રષ્ટિ ન દોડાવીને બૃહદ પરિપેક્ષ્યમાં જોવું જરૂરી છે. આવા નિર્ણયોના કારણે આપણે વર્ષમાં એક દિવસ પણ એ ઇતિહાસની ઘટનાઓને યાદ કરીએ છીએ. એ ફરી-ફરી યાદ કરીએ તે જરૂરી છે. 

    ઇમરજન્સી એ વાતનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે જ્યારે સત્તા અયોગ્ય વ્યક્તિઓના હાથમાં જતી રહે છે ત્યારે તેનાં શું દુષ્પરિણામો આવે છે અને શું-શું ભોગવવું પડે છે. લોકશાહીનું સન્માન કરતા, બંધારણનું સન્માન કરતા નેતાઓ સત્તા પર આવે ત્યારે દેશ હંમેશા આગળ ગયો છે અને જ્યારે-જ્યારે પરિવાદવાદીઓ, અહંકારીઓ સત્તા પર આવ્યા છે ત્યારે દેશે ભોગવવું પડ્યું છે. ઇતિહાસની આ ઘટનાઓ પરથી આપણે જેટલું શીખીએ એટલું ઓછું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં