2024ની લોકસભા ચૂંટણીના પ્રચારના સમયગાળાને જોઈએ તો જણાશે કે આખી ચૂંટણીમાં નેરેટિવ ઘડવાની બાબતમાં કોંગ્રેસ અને લેફ્ટ ઈકોસિસ્ટમનો હાથ ઉપર રહ્યો. એમાંથી મોટાભાગના નેરેટિવ હળાહળ જુઠ્ઠાણાંના આધાર પર ઘડવામાં આવ્યા હતા, એટલે એક રીતે તો એને પ્રોપગેન્ડા કહેવાય, છતાં તેને બહુ જોર અપાવીને ફરતા કરવામાં આવ્યા. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી છેક સુધી આ જુઠ્ઠાણાંને કાઉન્ટર જ કરતી રહે અને પોતાના નેરેટિવ સેટ કરી શકી નહીં અને તેમાં પણ ધારેલી સફળતા ન મળી અને આખરે પરિણામોમાં તેની અસર પણ દેખાઈ. ઉદાહરણ તરીકે, અનામત પર અમિત શાહના ભાષણનો એડિટેડ વિડીયો હોય કે પછી ‘ભાજપ 400 બેઠકો લાવીને બંધારણ બદલવા માંગે છે’ના ખોટા દાવા હોય.
સામેની ઈકોસિસ્ટમ આ લોહી ચાખી ગઈ છે અને હવે ધ્યાનથી જોશો તો ચૂંટણી પછી પણ આ ફેક ન્યૂઝનો કારોબાર ચાલુ જ રાખ્યો છે. હજુ સરકાર બન્યાને માંડ થોડા દિવસ થયા છે, પણ જાણીજોઈને પ્લાન્ટ કરવામાં આવેલા ફેક ન્યૂઝનું પ્રમાણ વધી જ રહ્યું છે. લોકસભા ચૂંટણી દરમિયાન તો ફેક ન્યૂઝ ફેલાવ્યા અને ભ્રામક વાતો કરીને લોકોને ઉશ્કેરવા પ્રયાસ કર્યા. પરંતુ ચૂંટણી બાદ પણ ઇકોસિસ્ટમે ઘણી જ મહેનતથી આ કારોબારને ચાલુ રાખ્યો છે.
નવી સરકાર બની એટલે પરંપરા મુજબ મોદી સરકારે કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોથી ત્રીજા કાર્યકાળની શરૂઆત કરી. જ્યારે વિપક્ષોની ઇકોસિસ્ટમે પોતાના પારંપરિક વ્યવસાયથી શરૂઆત કરી. તે પારંપરિક વ્યવસાય છે- ફેક ન્યૂઝ ફેલાવવા અને ગમે તે ભોગે દોષનો ટોપલો સરકાર પર ઢોળવો. 1 મહિના કરતાં ઓછા સમયમાં ત્રણથી ચાર આવા કિસ્સા ધ્યાનમાં આવ્યા. જેમાં EVM પર આક્ષેપ, NEET પરીક્ષાને લઈને NTA પર આરોપ લગાવનારી આયુષી પટેલનો ફર્જી કેસ અને મુંબઈના અટલ સેતુ પર તિરાડોનો સમાવેશ થાય છે. આ તમામ સમાચારો કોંગ્રેસના મોટા નેતા અથવા તો આધિકારિક સોશિયલ મીડિયા હેન્ડલ પરથી રજૂ કરવામાં આવ્યા હતા.
EVM પર ફેલાવ્યા ફેક ન્યૂઝ
સૌથી પહેલાં તો સરકાર બન્યા બાદ EVMને લઈને ભ્રામક સમાચાર વહેતા થયા હતા. જેમાં રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. ઘટના એવી હતી કે, મુંબઈથી પ્રકાશિત થતા અખબાર મિડ-ડેએ એક અહેવાલ છાપીને દાવો કર્યો હતો કે, મુંબઈની એક બેઠક પરથી ચૂંટાયેલા શિવસેના સાંસદના એક સંબંધીએ મોબાઈલ ફોનથી EVM કનેક્ટ કર્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મોબાઈલ ફોનનો ઉપયોગ એક OTP જનરેટ કરવા માટે કરવામાં આવ્યો હતો, જેનાથી EVM મશીન ‘અનલૉક’ થયું હતું અને જેનો ઉપયોગ 4 જૂનના રોજ મતગણતરી દરમિયાન NESCO સેન્ટરમાં થયો હતો.
EVMs in India are a "black box," and nobody is allowed to scrutinize them.
— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024
Serious concerns are being raised about transparency in our electoral process.
Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb
આ રિપોર્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી EVM પર માછલાં ધોવાનાં શરૂ કરી દેવામાં આવ્યાં હતા. બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ તક ઝડપી લઈને દર વખતની જેમ લોકતંત્ર અને વ્યવસ્થાની મોટી-મોટી વાતો હાંકી હતી. તેમણે તો EVMને ‘બ્લેક બોક્સ’ કહી દીધું હતું. તેમણે આ ભ્રામક રિપોર્ટને પોતાના આધિકારિક સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરીને ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. આ રિપોર્ટ વાયરલ થયા બાદ ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત એક્સપ્લેનરમાં સમજાવ્યું હતું કે કઈ રીતે EVM કામ કરે છે અને રિપોર્ટમાં જે પ્રકારના લૉક-અનલૉકના દાવા કરવામાં આવ્યા છે એ ખોટા અને પાયાવિહોણા છે. ત્યારબાદ ચૂંટણી પંચે પણ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આ જ વાત કરી હતી.
જે મુજબ ઑપઇન્ડિયાએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું, તે રીતે જ ચૂંટણી પંચે પણ કહ્યું હતું કે, EVMમાં લૉક-અનલૉક જેવું કશું હોતું જ નથી અને તેના માટે કોઇ OTPની પણ જરૂર નથી પડતી, કારણ કે આ સિસ્ટમ એવી નથી કે વાયરલેસ રીતે કોઇ અન્ય ડિવાઇસ સાથે જોડી શકાય. અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘આ અખબાર દ્વારા ફેલાવવામાં આવી રહેલું જુઠ્ઠાણું છે, જે કેટલાક નેતાઓ આગળ વધારી રહ્યા છે.’ માત્ર એટલું જ નહીં, પરંતુ ચૂંટણી પંચે ભ્રામક રિપોર્ટ બદલ અખબાર મિડ-ડેને નોટિસ પણ ફટકારી હતી. બીજા દિવસે અખબારે પહેલા પાને એક નાનકડા બોક્સમાં પોતાનો આગલા દિવસનો રિપોર્ટ ભૂલભરેલો હતો એમ કહીને વીંટો વાળી દીધો, પણ માફી માંગી નહીં.
NEETમાં ગેરરીતિના આયુષી પટેલના આરોપ
EVMનું તૂત આગળ વધી જ રહ્યું હતું કે, દેશમાં NEET એક્ઝામને લઈને વધુ એક વિવાદ ઊભો થયો હતો. જેમાં પણ કોંગ્રેસ નેતાઓએ દાવો આગળ વધાર્યો હતો. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ, જ્યારે લખનૌની રહેવાસી અને NEET વિદ્યાર્થિની આયુષી પટેલે NTA પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આયુષીનું કહેવું એવું હતું કે, પહેલાં NTAએ તેનું રિઝલ્ટ અટકાવી દીધું હતું. ત્યારપછી જ્યારે તેણે મેઇલ કર્યો તો કારણ તરીકે NTAએ ફાટેલી OMR શીટ તેને મેઇલ કરી દીધી હતી. આયુષીએ આ મામલે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો. તેણે વિડીયોમાં દાવો કર્યો કે, તેને 700થી વધુ માર્કસ મળે તેમ હતા. પરંતુ તેનું રિઝલ્ટ જ જાહેર ન કરાયું અને એજન્સીએ કહ્યું કે, તેની OMR શીટ ફાટેલી હતી તેથી આવું કરવામાં આવ્યું. વિડીયોમાં આયુષીએ એવો પણ દાવો કર્યો કે, આ OMR શીટ જાણીજોઇને ફાડવામાં આવી હોય શકે છે. અંતે તેણે સોશિયલ મીડિયા યુઝર્સને તેનો સાથ આપવાની અપીલ કરી હતી. જોકે, 700થી વધુ માર્કસ લાવવાનો દાવો કરતી આયુષીને માત્ર 355 માર્કસ જ આવ્યા હતા.
ત્યારબાદ સોશિયલ મીડિયામાં આખો વિવાદ ઊભો થયો. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ સત્યની તપાસ કર્યા વગર તેના વિડીયોને શેર કરી દીધો અને સરકાર અને એજન્સીની ખોદણી કરવાનું શરૂ કરી દીધું. જોકે, NTAએ ત્યારે પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે, તેમના તરફથી તે વિદ્યાર્થિનીને કોઈપણ પ્રકારનો મેઇલ કરવામાં નથી આવ્યો. ત્યારબાદ પણ આયુષી પટેલે કાયદાકીય લડાઈ લડવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી હતી.
NEET जैसी परीक्षाओं में लाखों बच्चे मेहनत से तैयारी करते हैं और अपनी जिंदगी के सबसे कीमती पल इस तैयारी में लगाते हैं। पूरा परिवार इस प्रयास में अपनी श्रद्धा और शक्ति डालता है। लेकिन साल दर साल इन परीक्षाओं में पेपर लीक, रिजल्ट से जुड़ी गड़बड़ियाँ सामने आई हैं।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 10, 2024
क्या परीक्षा कराने… pic.twitter.com/mcHwsVb4IH
અલ્હાબાદ હાઇકોર્ટમાં જસ્ટિસ રાજેશ સિંઘ ચૌહાણની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. મંગળવારે (18 જૂન) સુનાવણી દરમિયાન, જ્યારે NTAના એડવોકેટે અગાઉના આદેશો પર અરજદારના ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા, ત્યારે જાણવા મળ્યું કે અરજી સાથે દાખલ કરાયેલા દસ્તાવેજો નકલી છે. અરજીનો રજીસ્ટ્રેશન નંબર જે અરજદાર પોતાનો હોવાનો દાવો કરી રહી હતી તે પણ ખોટો હતો. ત્યારબાદ કોર્ટે કહ્યું કે, નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને અરજી દાખલ કરવામાં આવી હતી, તેથી અધિકારીઓને આ મામલે કાયદાકીય પગલાં લેવાથી રોકી શકાય નહીં. આ ટિપ્પણી સાથે કોર્ટે અરજી ફગાવી દીધી હતી. કોર્ટે એવું પણ કહ્યું હતું કે, આ મામલે NTAને કાર્યવાહી માટેની ખૂલી છૂટ પણ આપવામાં આવે છે.
આયુષીએ ખોટા દસ્તાવેજો બનાવીને આ આખો કાંડ કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પ્રિયંકા ગાંધી વાડ્રાની અનેક ટીકાઓ પણ થઈ હતી. તેમ છતાં તેમને સહેજ પણ શરમ ન આવી અને હજુ સુધી તેમણે આયુષી પટેલના વિડીયોને ડિલીટ પણ ના કર્યો. ત્યારબાદ ભાજપે પણ પ્રિયંકા ગાંધી વાડ્રાને આડેહાથ લીધા હતા. ભાજપના પ્રવક્તા શહેઝાદ પુનાવાલાએ પ્રિયંકા ગાંધીને જૂઠ ફેલાવવા પર માફી માંગવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર કોઈ એક શબ્દ પણ લખી દે તો કોંગ્રેસના લોકો તેમના વિરુદ્ધ FIR કરાવી દેતા હોય છે. અહીં તો પ્રિયંકા ગાંધીએ જ આવડું મોટું જુઠ્ઠાણું ફેલાવ્યું છે. તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થશે?” આટલી આલોચના છતાં તેમણે હજુ સુધી તે પોસ્ટ ડિલીટ કરી નથી.
મુંબઈના અટલ સેતુ પર તિરાડા પડ્યાના ભ્રામક સમાચાર
EVM અને આયુષી પટેલ વિશેના ફેક ન્યૂઝ બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખે અટલ સેતુ પર તિરાડો પડી હોવાના ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. જે પછીથી કોંગ્રેસે તેના આધિકારિક સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ ફેલાવ્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પાટોલેએ ‘અટલ સેતુ’ની સ્થળ મુલાકાત કરી હોવાનો દાવો કરીને કહ્યું કે, PM મોદીએ ત્રણ મહિના પહેલાં જે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું તેમાં તિરાડો પડવા માંડી છે. આગળ એવું પણ લખ્યું કે, તેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ છે. X પોસ્ટમાં આગળ તેમણે કહ્યું કે, બિહારમાં નવનિર્મિત બ્રિજ તૂટી પડવાનો કિસ્સો તાજેતરમાં જ બન્યો છે ત્યારે મુંબઈમાં પણ તિરાડો જોવા મળતાં સરકારનાં કામો પર સવાલો ઉભા થવા વ્યાજબી છે.
નાના પાટોલેની આ મુલાકાત અને દાવા બાદ સોશિયલ મીડિયા પર કોંગ્રેસ સમર્થક અકાઉન્ટ્સે દર વખતની જેમ હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો અને દાવો એવો કરવામાં આવ્યો કે ત્રણ મહિના પહેલાં PM મોદીએ જે સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમાં હવે તિરાડો જોવા મળી રહી છે. એટલું જ નહીં, ત્યારબાદ અમુક મીડિયા ચેનલો પણ તેમાં જોડાઈ ગઈ. આ બધા બાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાના અધિકારિક હેન્ડલ પરથી ખોટા દાવા સાથે એક પોસ્ટ કરીને જુઠ્ઠાણું ચલાવ્યું અને PM મોદીને ટાર્ગેટ કર્યા. કોંગ્રેસે લખ્યું કે, 18 હજાર કરોડમાં બનેલા અટલ સેતુમાં તિરાડો પડી ગઈ, જે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચારનો કેસ છે.
ફેક ન્યૂઝ ફરતા થયા બાદ અટલ સેતુના પ્રોજેક્ટ હેડ કૈલાશ ગણાત્રાએ આ મામલે સ્પષ્ટતા કરવી પડી હતી. તેમણે સ્થળ પરથી જ એક વિડીયો બાઈટમાં જણાવ્યું કે, “આ સર્વિસ રોડ છે. એ કામચલાઉ કનેક્ટિંગ રેમ્પ જેવો છે. આ બ્રિજનો કનેક્ટિંગ પાર્ટ છે, જે કોસ્ટલ રોડ ન બનવાના કારણે છેલ્લી ઘડીએ બનાવવામાં આવ્યો હતો. અહીં નજીકમાં ખાદી હોવાના કારણે જમીન નીચે બેસી જાય છે. જોકે, આ મામૂલી તિરાડો હતી, જેને ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે અને કાલે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. તેના કારણે ન તો ટ્રાફિક રોકાયો છે કે ન કોઇને અગવડતા પડી રહી છે.”
ઉપરોક્ત ત્રણ ઘટનાઓ નવી સરકાર બન્યા બાદની છે. ભારોભાર જુઠ્ઠાણું ફેલાવીને કોંગ્રેસ, અન્ય વિપક્ષો અને આખી એક ટોળકીએ લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમયે-સમયે તેના આવા જુઠ્ઠાણાંની પોલ પણ ખૂલી જ જતી હોય છે.
લોકસભા ચૂંટણીમાં પણ ફેલાવ્યુ હતું જુઠ્ઠાણું
લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઘણા એવા કિસ્સા બન્યા, જેમાં તદ્દન ખોટો નેરેટિવ આગળ વધારવામાં આવ્યો હોય. સોશિયલ મીડિયાનો ઉપયોગ જુઠ્ઠાણું આગળ ચલાવવા માટે કરવામાં આવ્યો હતો. તર્ક અને મુદ્દા આધારિત ચૂંટણી લડવાના સ્થાને ગમે તે ભોગે ભાજપને કે મોદીને હરાવી દેવા માટે પછીથી ખોટા નેરેટિવ સેટ કરવાના શરૂ કરી દેવામાં આવ્યા. જેમ કે, અમિત શાહનો ડીપફેક વિડીયો બનાવીને અનામત વિશે જુઠ્ઠાણું ફેલાવાયું હતું. આ મામલે અમુક કોંગ્રેસ સમર્થકો સામે કેસ નોંધીને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આ સિવાય બંધારણને લઈને પણ ખોટા દાવા થતા રહ્યા. અમુક ભાજપ નેતાઓનાં નિવેદનોનું અવળું અર્થઘટન કરીને ચલાવવામાં આવ્યું કે તેઓ બંધારણને બદલી નાખવા માંગે છે, જેની પણ ખાસ્સી અસર થઈ. ભાજપ નેતાઓ સમજાવીને થાક્યા કે તેમનો આવો કોઈ ઈરાદો નથી, વત્તા બંધારણ બદલવામાં અને સંશોધન કરવામાં ફેર હોય છે. સંશોધન તો ઇન્દિરા ગાંધીની સરકારમાં ભરપૂર થયાં હતાં, ખાસ કરીને ઈમરજન્સીના સમયમાં. પરંતુ આ વાતો એ લોકો સુધી ન પહોંચી, જેમના સુધી ફેક ન્યૂઝ પહોંચ્યા હતા. આ સિવાય સુરતમાં એક ભાજપ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા, ત્યાં પણ ખોટા દાવા કરવામાં આવ્યા. જ્યારે હકીકત એ હતી કે બિનહરીફ અગાઉ પણ લોકો ચૂંટાયા જ છે. આ સિવાય ચૂંટણી પંચ અને પ્રક્રિયા પર સવાલો ઉઠાવવાના ચાલુ જ રહ્યા. આ તો સારું થયું કે પરિણામ વિપક્ષને ધાર્યા કરતા સારું આવ્યું, એટલે હવે ચૂંટણી પંચ વિશે ચૂપ થઈ ગયા છે.
વાસ્તવમાં ઈકોસિસ્ટમ આ જ રીતે કામ કરે છે. ચૂંટણીમાં વધુ જોર એટલા માટે લગાવવામાં આવ્યું કારણ કે દરેકના એક સામાન્ય શત્રુ નરેન્દ્ર મોદી જ છે. બહુ જાણીતી કહેવતની જેમ એક જ અસત્ય તમે હજાર વખત કહો તો તે સત્ય લાગવા માંડે છે. ફેક ન્યૂઝના કિસ્સામાં આવું જ થાય છે. એક સુવ્યવસ્થિત તંત્ર તમારી પાસે હોય તો તમે ગમે તે જુઠ્ઠાણું પણ સાચી બાબત તરીકે રજૂ કરી શકો તેમ છો. આમ પણ ફેક ન્યૂઝ સાચી માહિતી કરતાં વધુ ઝડપથી વાયરલ થાય છે. તમારે ખોટી માહિતી પહોંચાડવામાં મહેનત નથી પડતી, મહેનત સાચી માહિતી પહોંચાડવામાં પડે છે.
પહેલાં ચૂંટણીઓ થતી ત્યારે સોશિયલ મીડિયા ન હતું. 2014માં પણ સીમિત હતું અને 2019માં તેના વ્યાપની શરૂઆત હતી. આજે તેનો વ્યાપ અઢળક માત્રામાં વધ્યો છે. આ સંજોગોમાં તેની અસરોને અવગણી શકાય નહીં. આ કિસ્સામાં ફેક ન્યૂઝને ડામવા માટે આવશ્યક પગલાં લેવામાં આવે તે બહુ જરૂરી છે.