Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ(અ)પ્રિય કોંગ્રેસીઓ, વિનાયક સાવરકર મહાન હતા, મહાન રહેશે…. યાત્રાઓ અટકાવીને એજન્ડાપ્રેરિત રાજકારણ...

    (અ)પ્રિય કોંગ્રેસીઓ, વિનાયક સાવરકર મહાન હતા, મહાન રહેશે…. યાત્રાઓ અટકાવીને એજન્ડાપ્રેરિત રાજકારણ રમવાથી સત્ય ભૂંસાઈ જતું નથી

    આવા મહાનાયકના ફોટાવાળી ટીશર્ટ પહેરીને બાળકો ફરતાં હોય તો આપણે ગર્વ લેવો જોઈએ, રસ્તા વચ્ચે અટકાવીને ટી-શર્ટ ઉતરાવવી એ નીચ માનસિકતા સિવાય બીજું કશું નથી!

    - Advertisement -

    15 ઑગસ્ટ, 1947નો ઇતિહાસ, તે પહેલાંના સંઘર્ષનો ઇતિહાસ અને ત્યારપછીનાં થોડાં વર્ષોના ઇતિહાસમાં ગાંધી-નેહરુને કેન્દ્રમાં રાખીને અન્ય અનેક બલિદાનીઓ, ક્રાંતિવીરો, હુતાત્માઓ અને નેતાઓને હાંસિયામાં ધકેલી દેવાની કોંગ્રેસી માનસિકતા બહુ જૂની છે. વર્ષો સુધી નેતાજી, સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા સહિતના અગણિત નેતાઓને યાદ પણ કરવામાં ન આવ્યા. અમુક અંશે સરદાર વલ્લભભાઈ પણ આ યાદીમાં ખરા. અન્ય નેતાઓની વાત બાજુ પર રાખીને વિનાયક સાવરકરની વાત કરીએ તો સાવરકર પ્રત્યે કોંગ્રેસીઓને વિશેષ પ્રકારનો દ્વેષ છે.

    સત્તા જ્યાં સુધી હાથમાં રહી ત્યાં સુધી કોંગ્રેસીઓએ વીર સાવરકરનો ‘વ’ પણ ક્યાંય નહીં સંભળાય તેનું બરાબર ધ્યાન રાખ્યું. વિચાર કરવા જેવી બાબત એ છે કે આવા મહાન નેતાનું તૈલીચિત્ર પણ સંસદમાં ન હતું. 2003માં અટલ બિહારી બાજપાઈની સરકારે આ પુણ્યકર્મ કર્યું ત્યારે કોંગ્રેસીઓ જેમને સર્વોચ્ચ સન્માન આપે છે એ સોનિયા ગાંધીએ ખુલ્લો વિરોધ કર્યો હતો. ત્યારે સાથે અન્ય કૉંગ્રેસીઓએ પણ હોબાળો મચાવેલો. ત્યારપછીનાં વર્ષોમાં પણ વિનાયક સાવરકરને લોકોની સ્મૃતિમાંથી જ ગાયબ કરી દેવાયા. તમારામાંથી કેટલાને યાદ છે કે શાળામાં ભણતી વખતે સાવરકરનો ઉલ્લેખ હોય તેવું ક્યાંય ભણાવવામાં આવ્યું હતું? હશે તો ક્યાંક એકાદ-બે લીટીમાં છૂટોછવાયો ઉલ્લેખ હશે. 

    2014માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી અને સોશિયલ મીડિયાના આગમન પછી, ખાસ કરીને એક સમાનાંતર ઈકોસિસ્ટમની રચના થયા પછી સાવરકરને એ સ્થાન મળી રહ્યું છે, જે મળવું જોઈતું હતું. હવે સાવરકર પર પુસ્તકો લખાય રહ્યાં છે, તેમના અભૂતપૂર્વ યોગદાનની ચર્ચા થાય છે, તેમણે આપેલી હિંદુત્વની વ્યાખ્યાઓ ચર્ચાય છે. જેમજેમ આ બધું વધી રહ્યું છે તેમ કોંગ્રેસ ઇકોસિસ્ટમને પણ પેટમાં તેલ રેડાય છે. એટલે જ નોંધ્યું હશે કે છેલ્લાં થોડાં વર્ષોમાં સાવરકર વિરોધી પ્રોપગેન્ડાને પણ એટલી જ હવા મળે છે. જાતજાતના ખોટા આરોપો, પાયાવિહોણી વાતો અને મોટાભાગની ગાળો દઈને સાવરકરનું અપમાન કરવામાં આવતું રહે છે. તેમાં આ કોંગ્રેસી ટોળકીના સુપ્રીમ કમાન્ડર રાહુલ ગાંધી પણ આવી ગયા. રાહુલ ગાંધીએ એક વખત જાહેરમંચ પરથી કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધી છે, સાવરકર નહીં. ત્યારે કોઇ ભલા માણસે કહેવું જોઈતું હતું કે, ‘ભઈલા, આપણી ત્રેવડ પણ નથી!’

    - Advertisement -

    હવે મૂળ વાત, જેના કારણે આ લેખની આજે જરૂર પડી. 14 ઑગસ્ટે સુરેન્દ્રનગરના એક ગામની સરકારી પ્રાથમિક શાળામાં ‘તિરંગા યાત્રા’ યોજાઈ. આવી યાત્રાઓ લગભગ મોટાભાગની શાળાઓમાં થઈ રહી છે. સ્કૂલનાં બાળકો રંગેચંગે જોડાયાં પણ ખરાં. પણ વચ્ચે કોંગ્રેસીઓ સામા ભટકાઇ ગયા અને તેમણે યાત્રા અટકાવી દીધી. કારણ એ હતું કે બાળકોએ તમામે એકસરખી ટી-શર્ટ પહેરી હતી. જેની ઉપર વિનાયક સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરો હતી. સાવરકરને જોઈને કૉંગ્રેસીઓની અંદરનો કોંગ્રેસી જાગી ઊઠ્યો અને રસ્તા વચ્ચે જ રાજકારણ રમવાનું શરૂ કર્યું. 

    જે વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે તેમાં એકાદ નેતા બાળકોને કહેતા સંભળાય છે કે સાવરકરે ગાંધી હત્યાનું કાવતરું રચવામાં ભાગ ભજવ્યો હતો. કોઇ આને ‘આરએસએસ અને ભાજપનો એજન્ડા’ ગણાવીને શિક્ષકો પર બાળકોનું ‘બ્રેઈનવૉશ’ કરવાનો આરોપ લગાવતું સંભળાય છે. કોઇ કહે છે કે કાલે ઉઠીને નાથુરામ ગોડસે અને દાઉદ ઈબ્રાહિમની ટી-શર્ટ પણ પહેરાવશે. અમુક કહે છે કે ગુજરાતમાં ગાંધી અને સરદારને ભૂલાવીને સાવરકરને યાદ કરવામાં આવે છે. અંતે બાળકો પાસે યુનિફોર્મ પર પહેરેલી ટી-શર્ટ ઉતારી દેવડાવવામાં આવે છે. 

    ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર બહુ વિરોધ થયો. જોકે, કોંગ્રેસીઓએ પોતે ક્રાંતિકારી કામ કર્યું હોય તેમ પછીથી પોતે પણ સોશિયલ મીડિયા પર પ્રચાર કર્યો. આખરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મામલો ધ્યાન પર લઈને પોલીસ કાર્યવાહીના આદેશ આપ્યા અને તમામ કોંગ્રેસીઓ સામે FIR નોંધવામાં આવી છે. કાર્યવાહી થાય અને ધરપકડ થાય કે ન થાય એ પછીની વાત છે, સરકારે આ કાર્યવાહી કરીને જે સંદેશ આપ્યો છે એ મહત્વનો છે. 

    હવે અહીં જેમણે યાત્રા અટકાવી અને સાવરકરને ભાંડ્યા એ કોંગ્રેસીઓ ઉપર તો દયા આવે છે. રસ્તા પર ઉતરીને ક્રાંતિ કરવાના વહેમ સાથે જેમણે ફાંકા ફોજદારી જ કરવી હોય તેમની પાસેથી જ્ઞાનની અપેક્ષા રાખી શકાય નહીં. જે વ્યક્તિ કહે છે કે સાવરકરે ગાંધી હત્યામાં ભાગ ભજવ્યો હતો, એ તદ્દન ખોટી વાત છે. જે કોર્ટે ગાંધી હત્યા મામલે બહુ જાણીતો કેસ ચલાવ્યો હતો તે કોર્ટે જ સાવરકરને નિર્દોષ ઠેરવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સાવરકરે ક્યાંય પણ ગાંધી હત્યામાં ભાગ ભજવ્યો હોવાના પુરાવા મળતા નથી. તેમની સામે એક પણ આરોપ સાબિત થઈ શક્યો ન હતો. પણ કોંગ્રેસીઓને આ બધું ખબર હશે તેમ માનવું એ મૂર્ખામી છે. વૉટ્સએપ ઉપર આવેલું વાંચીને ક્રાંતિ કરનારાઓ ક્યારેય આગળ-પાછળ બહુ વિચારતા હોતા નથી. 

    જ્યાં સુધી વાત ગાંધી-સરદારની છે, તો પોતાની ‘પત્રકાર’ કહેનાર ગુજરાતી મીડિયાના અમુક એજન્ડાબાજો પણ આ વાતમાં આવી ગયા છે. તેમની દલીલ છે કે ગુજરાતમાં વળી ગાંધી-સરદારને મૂકીને અન્યોને કેમ યાદ કરવામાં આવી રહ્યા છે? ભલા માણસ, આ યાત્રામાં શું ગાંધી-સરદારનું અપમાન થયું? શું બાળકોએ તેમની વિરુદ્ધ નારાબાજી કરી? ના. તેઓ માત્ર સાવરકર અને નેતાજીને યાદ કરી રહ્યા હતા. શા માટે યાદ કરવામાં ન આવે? શું સાવરકરને માત્ર મહારાષ્ટ્રમાં, નેતાજીને માત્ર બંગાળમાં જ યાદ કરવામાં આવે? આ કેવી માનસિકતા થઈ ગઈ? એવો જ તર્ક વાપરવામાં આવે તો ગાંધી અને સરદારને પણ માત્ર ગુજરાત પૂરતા સીમિત રાખવા જોઈએ. પણ એમ ન કરી શકાય. 

    આ સમગ્ર અને આમ તો બિનજરૂરી વિવાદના કેન્દ્રમાં ઘર કરી ગયેલી એક માનસિકતા છે. જ્યાં અમુક નેતાઓ સિવાય કોઈને સ્થાન આપવામાં આવતું નથી. ન તો સાવરકરને આટલાં વર્ષોમાં યાદ કરવામાં આવ્યા, ને નેતાજી સુભાષચંદ્ર બોઝને. નેતાજીના રહસ્યમય મૃત્યુનો મામલો આજે પણ ચર્ચાતો રહે છે. તેમને જ્યારે અખંડ ભારતના પહેલા વડાપ્રધાન પણ કહીએ તો નેહરુપૂજક કોંગ્રેસીઓ તુરંત વાહિયાત દલીલો લઈને દોડી આવે છે. આવાં અનેક નામો છે. વડાપ્રધાનોનાં નામ લેવાનાં હશે તો નેહરુ, ઈન્દિરા અને રાજીવ સિવાયનાં નામો નહીં સંભળાય. જ્યારે PM તો લાલ બહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈ જેવા નેતાઓ પણ રહ્યા હતા. 

    વિરોધ કરનારા અબુધો તો દયાને પાત્ર છે, પણ વીર સાવરકરના જીવન વિશે જાણનારાઓને ખબર હશે કે તેઓ સાહસ, શૌર્ય અને ખુમારીની જીવંત પ્રતિમૂર્તિ હતા. જીવનપર્યંત તેઓ મા ભારતીના સાચા સેવક બનીને કામ કરતા રહ્યા, રાષ્ટ્રવાદ તેમની રગેરગમાં હતો. જે ઉંમરે લોકો પોતાના જીવન, પરિવારનું વિચારે છે તે ઉંમરે સાવરકરે પોતાનાં હિતોને લાત મારી દઈને રાષ્ટ્રસેવાની એવી મશાલ સળગાવી હતી, જેણે પછીથી ભારતમાં સાચા અર્થમાં એક ક્રાંતિ લાવી. આપણને આ બધી વાતો કહેવામાં આવતી નથી, કારણ કે તેનાથી એક નહીં પણ અનેક એજન્ડા ધ્વસ્ત થઈ જાય એમ છે. પરંતુ જાણવાના પ્રયત્નો કરીએ તો હવેના સમયમાં કઠિન પણ નથી.  જેટલું વધુ વાંચશો, એટલું સાવરકર પ્રત્યે માન વધશે. 

    તેઓ 11 વર્ષ સુધી કાળાપાણીની સજામાં આંદામાનની જેલમાં રહ્યા. અંગ્રેજોએ તેમને બબ્બે જનમટીપ ફટકારી હતી. એક જનમટીપ એટલે 25 વર્ષ થતાં. કુલ સજા 50 વર્ષ થાય. આપણે ત્યાં અમુક હજુ સ્વીકારી નથી શક્યા, પણ અંગ્રેજોને ત્યારે પણ ખબર હતી કે સાવરકરનું બહાર રહેવું બ્રિટિશ શાસન માટે કેટલો મોટો પડકાર છે. આંદામાનની જેલમાં પણ તેમની ઉપર જે યાતનાઓ થઈ તે બધું જ તેમણે ‘માઝી જનમઠેપ’ (ગુજરાતીમાં ‘મારી જનમટીપ) નામનાં એક પુસ્તકમાં લખ્યું છે. આમાંની પા ભાગની જ પરિસ્થિતિ જો આ ઊછળકૂદ કરનારાઓના જીવનમાં આવે તો તેમનું શું થાય એ સુજ્ઞ વાચક સુપેરે જાણે છે.

    સાવરકરે માફી માંગી હોવાની વાતો કોઇ પણ આધાર-પુરાવા વગર ચગાવવામાં આવે છે, પણ તેમાં કોઇ તથ્ય નથી. આજે જે રીતે જામીન અરજી મૂકવામાં આવે છે તેવી તે સમયે જેલમાંથી અરજીઓ થતી હતી. જે અરજીઓ તેમણે કરી હતી તે પાછળનું કારણ જેલમાંથી બહાર આવીને ફરી લડાઈમાં જોડાવાનું હતું. સાવરકર પોતે અરજીઓમાં લખે છે કે ભલે તેમને મુક્ત કરવામાં ન આવે, પણ વર્ષોથી સજા કાપનારા તેમના સાથીઓને છોડી દેવામાં આવે. જે ‘યોર મોસ્ટ ઓબિડિએન્ટ સર્વન્ટ’ શબ્દોને લઈને કોંગ્રેસીઓ હોબાળો મચાવતા રહે છે, તે શબ્દોનો ઉપયોગ ત્યારે તદ્દન સામાન્ય હતો. મોહનદાસ ગાંધીએ અંગ્રેજ અધિકારીઓને લખેલા અઢળક પત્રોમાં તેનો ઉપયોગ કર્યો હતો. ગાંધીની વાત આવી છે તો એક વાત એ પણ, કે તેમણે પણ સાવરકરના નાના ભાઈને કહીને તેમના બંને ભાઈઓ (વિનાયક સાવરકરના મોટાભાઈ પણ એ જ જેલમાં બંધ હતા) માટે અરજી લખવા માટે કહ્યું હતું. પછીથી તેમણે ‘યંગ ઇન્ડિયા’માં બંને ભાઈઓની મુક્તિ માટે અવાજ પણ ઉઠાવ્યો હોવાનું ઇતિહાસમાં લખાયું છે. 

    અહીં ઘર-પરિવાર મૂકીને વિદેશ ગયા બાદ ‘ઇન્ડિયા હાઉસ’માં તેમણે કરેલાં કામોને કેમ ભૂલાય? તેમણે ત્યાં રહીને પણ ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ લાવવા માટે અગત્યની ભૂમિકા ભજવી હતી. પછીથી થોડો સમય તેમણે લંડન છોડીને પેરિસ પણ જવું પડ્યું. પરંતુ આખરે તેમના આ જ પ્રયાસોએ અંગ્રેજોની ઊંઘ ઉડાડી અને તેમની સામે દેશ સામે યુદ્ધ છેડવાની કલમો હેઠળ કેસ નોંધી દેવામાં આવ્યા. લંડનમાં કેસ ચલાવ્યા બાદ ભારત લાવવામાં આવ્યા અને ભારતમાં તેમને સજા થઈ. ત્યારપછી તેમણે યાતનાઓમાં કેટલાં વર્ષો ગુજાર્યાં તે તબક્કો પણ જાણવા અને સમજવા જેવો છે. 

    જગ્યાના અભાવે અહીં બધું સમાવી શકાય એમ નથી. પરંતુ આ કોંગ્રેસી પ્રોપગેન્ડા વચ્ચે સત્ય ભૂંસાય જતું નથી. અને સત્ય એ છે કે સાવરકર મહાન હતા અને રહેશે. સાચો રાષ્ટ્રવાદી કેવો હોવો જોઈએ, તે વિનાયક સાવરકરના જીવન પરથી જાણવા મળે છે. ‘હિંદુત્વ’ની વ્યાખ્યા કરનારાઓમાંથી તેઓ એક હતા. હિંદુત્વ અને રાષ્ટ્રવાદ પર તેમની વાતો આજે પણ શોધીને વાંચીએ તો પ્રાસંગિક લાગે તેમ છે. તેમની વિચારધારા ગાંધી અને તેમના જેવા અમુક નેતાઓથી ભિન્ન હતી, પણ તેમને પણ એકબીજા માટે કાયમ આદર રહ્યો હતો. આવા મહાનાયકના ફોટાવાળી ટીશર્ટ પહેરીને બાળકો ફરતાં હોય તો આપણે ગર્વ લેવો જોઈએ, રસ્તા વચ્ચે અટકાવીને ટી-શર્ટ ઉતરાવવી એ નીચ માનસિકતા સિવાય બીજું કશું નથી!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં