Wednesday, April 1, 2026
More
    હોમપેજદુનિયામહિલાઓને ગમતા કપડાં પહેરવા પર પ્રતિબંધ, સત્તા વિરુદ્ધ બોલવા પર રોક અને...

    મહિલાઓને ગમતા કપડાં પહેરવા પર પ્રતિબંધ, સત્તા વિરુદ્ધ બોલવા પર રોક અને શરિયા કાનૂનને પ્રોત્સાહન: અફઘાનિસ્તાન બનવાના રાહે છે બાંગ્લાદેશ

    બાંગ્લાદેશની ધર્મનિરપેક્ષતા તો પહેલાંથી જ ન્યાયના કઠેડામાં ઉભી છે. કારણ કે સામાન્ય વિદ્યાર્થી આંદોલનના નામે શરૂ થયેલ પ્રદર્શનોએ કેવી રીતે હિંદુ વિરોધી હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું એનું સમગ્ર વિશ્વ સાક્ષી છે. ન માત્ર સામાન્ય હિંદુઓ પરંતુ કહેવાતાં પ્રતિષ્ઠિત અને સેલિબ્રિટી હિંદુઓ પણ બાંગ્લાદેશમાં સુરક્ષિત નહોતા.

    - Advertisement -

    તાજેતરમાં બાંગ્લાદેશમાં (Bangladesh) લેવાયેલ એક નિર્ણયએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. વર્તમાનમાં બાંગ્લાદેશનું શાસન વચગાળાની સરકાર હેઠળ છે જેનું નેતૃત્વ મુહમ્મદ યુનુસ કરી રહ્યા છે. યુનુસે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ સત્તા સંભાળી હતી. ત્યારપછીથી તેમણે જે નિર્ણયો લીધા છે અને નીતિઓ અપનાવી છે તેણે ચર્ચા ઉભી કરી છે. તાજેતરમાં મહિલાઓના પોશાક પર લાદવામાં આવેલા પ્રતિબંધો અને શરિયા કાયદા તરફના વધતા ઝુકાવથી બાંગ્લાદેશમાં એક નવી ચિંતા ઉભી થઈ છે. આ ફેરફારો બાંગ્લાદેશને અફઘાનિસ્તાનના તાલિબાન શાસન તરફની દિશામાં લઈ જઈ રહ્યા હોય એમ લાગી રહ્યું છે.

    જુલાઈ 2025માં, બાંગ્લાદેશ બેંકે એક ફરમાન જારી કર્યું હતું, જેમાં મહિલા કર્મચારીઓને ટૂંકા ડ્રેસ, ટૂંકી બાંયના કપડાં અને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફરમાનમાં મહિલાઓને સાડી અથવા સલવાર કમીઝ પહેરવા અને હિજાબ કે હેડસ્કાર્ફનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. પુરુષો માટે પણ જીન્સ અને ચીનો ટ્રાઉઝર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ આદેશની તુલના અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા મહિલાઓના પોશાક પર લાદવામાં આવેલા નિયમો સાથે કરવામાં આવી, જેમાં મહિલાઓને માથાથી પગ સુધી ઢાંકેલા કપડાં પહેરવાનો આદેશ આપવામાં આવે છે.

    શિસ્તભંગના પગલાં લેવાની ચેતવણી

    ‘બાંગ્લાદેશ બેંકે’ નવી માર્ગદર્શિકાનું પાલન કરવાનો ઇનકાર કરનારા કર્મચારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાની ચેતવણી પણ આપી હતી. આ આદેશની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ અને ઘણા લોકોએ યુનુસ સરકાર પર ‘તાલિબાની શાસન’નો આરોપ લગાવ્યો. બાંગ્લાદેશ મહિલા પરિષદના પ્રમુખ ફૌઝિયા મોસ્લેમે આ નિર્ણયને અભૂતપૂર્વ ગણાવ્યો અને કહ્યું કે આ એક ચોક્કસ સાંસ્કૃતિક વાતાવરણ બનાવવાનો પ્રયાસ છે.

    - Advertisement -
    Bangladesh

    મહિલાઓના પોશાક પરના પ્રતિબંધો ઉપરાંત, યુનુસ સરકારે એક નવો વટહુકમ પસાર કર્યો છે, જેમાં સરકારી કર્મચારીઓના વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વટહુકમમાં ‘અનાદર’ શબ્દને ‘સાર્વજનિક ફરજમાં વિક્ષેપ પાડતું ગેરવર્તન’ શબ્દ સાથે બદલવામાં આવ્યો છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે અને ઘણા લોકો આને સરકારની લોકશાહી વિરોધી નીતિ તરીકે જુએ છે.

    અહીં એ ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના પત્રકાર સલાહ ઉદ્દીન શોએબ ચૌધરીએ યુનુસ સરકાર પર આકરા આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે યુનુસ સરકાર બાંગ્લાદેશને શરિયા શાસન તરફ લઈ જઈ રહી છે અને લોકશાહી સંસ્થાઓનું વિઘટન કરી રહી છે.

    યુનુસના કાર્યકાળમાં લેવાયા કટ્ટરપંથી નિર્ણયો

    શેખ હસીનાના રાજીનામાં પછી યુનુસ સરકારે એવા ઘણા નિર્ણયો લીધા છે, જેને તાલિબાન અને શરિયા શાસન સાથે સરખાવવામાં આવ્યા છે. તેમણે સૌપ્રથમ કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન ‘જમાત-એ-ઇસ્લામી’ પરનો પ્રતિબંધ રદ કર્યો. ત્યારબાદ, તેમણે કટ્ટરપંથી સંગઠન અન્સારુલ્લા બાંગ્લા ટીમના (ABT) નેતા મુહમ્મદ જસીમુદ્દીન રહેમાનીને મુક્ત કર્યો.

    આ સિવાય યુનુસના શાસન દરમિયાન મહિલાઓ સાથેના અત્યાચાર અને તેમની પરના પ્રતિબંધોમાં વધારો જોવા મળ્યો. આ પહેલાં એવા અહેવાલ આવ્યા હતા કે કટ્ટરપંથી બાંગ્લાદેશી ટોળાએ મહિલાઓની ટીમને ફૂટબોલ રમતા રોકી હતી. આ સિવાય ટોળાએ એક શાળામાં પણ તોડફોડ મચાવી હતી. આ ઉપરાંત ઢાકા યુનિવર્સિટીના એક લાઈબ્રેરિયને એક યુવતીનું યૌન શોષણ કર્યું હતું જેની ધરપકડ તો થઈ પરંતુ ટૂંક જ સમયમાં જામીન મળી ગયા. બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલ મહિલા વિરોધી ઘટનાઓને જોઈને એમ કહેવાઈ રહ્યું છે કે બાંગ્લાદેશ પણ અફઘાનિસ્તાન અને તાલિબાનોના રસ્તે છે.

    અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર અસહ્ય પ્રતિબંધો

    નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન અને શરિયા કાનૂન લાગુ થયા પછી મહિલાઓ પાસેથી મૂળભૂત અધિકારો પણ છીનવી લેવામાં આવ્યા છે.

    મહિલાઓ અને યુવતીઓને છઠ્ઠા ધોરણથી આગળના શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે. માધ્યમિક શાળાઓ અને યુનિવર્સિટીઓમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ છે. મહિલાઓને જાહેરમાં બોલવા, ગાવા કે વાંચવા પર પ્રતિબંધ છે, તેમનો અવાજ ઘરની બહાર ન સંભળાય તેવું ફરમાન પણ જારી કરવામાં આવ્યું છે. તેમને ચહેરો અને શરીર ઢાંકવું ફરજિયાત છે. મહિલાઓને પાર્ક, જીમ, બ્યુટી પાર્લર અને અન્ય જાહેર સ્થળોએ જવાની મનાઈ છે. તેઓ બહાર ચાલવા કે કસરત કરવા માટે પણ નીકળી શકતી નથી.મહિલાઓને ફક્ત આરોગ્યસંભાળ અને પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રોમાં જ કામ કરવાની મંજૂરી છે. ડિસેમ્બર 2022માં એનજીઓમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને એપ્રિલ 2023માં આ પ્રતિબંધ યુનાઇટેડ નેશન્સના મિશનમાં કામ કરતી અફઘાન મહિલાઓ સુધી વિસ્તારવામાં આવ્યો.

    મહિલાઓને પુરુષ સંબંધી (મહેરમ) વિના ઘરની બહાર જવાની મનાઈ છે. તાલિબાને ઘરોમાં એવી બારીઓ પર પણ પ્રતિબંધ મૂક્યો છે જેમાંથી મહિલાઓ બહાર જોઈ શકે. તાલિબાને શરિયા કાયદાના નામે મહિલાઓને બુરખો અને હિજાબ પહેરવાનું ફરજિયાત કર્યું છે. 2024માં નવા કાયદા દ્વારા આ નિયમોને વધુ કડક કરવામાં આવ્યા. મહિલાઓ પર તાલિબાનની જેલોમાં શારીરિક અને માનસિક શોષણના અહેવાલો છે, જેમાં ગેંગરેપ અને ટોર્ચરનો સમાવેશ થાય છે. ઉપરાંત, જાહેર શૌચાલયોમાં મહિલાઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે.

    બાંગ્લાદેશ પણ અફઘાનિસ્તાનના રસ્તે!

    ઘણા લોકોનું કહેવું હશે કે, આ પ્રતિબંધ એ કોઈ મોટો નિર્ણય નથી, પરંતુ આપણે અફઘાનિસ્તાનની સ્થિતિ જોઈએ તો તાલિબાનોએ પણ આવા જ નિર્ણયોથી મહિલાઓના માનવાધિકારો છીનવી લેવાની શરૂઆત કરી હતી, જે અત્યારે પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યું છે. ત્યારે હવે બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર હેઠળના આ નિર્ણયો અને ઘટનાઓએ દેશના ભવિષ્ય અંગે ચિંતા વધારી છે. મહિલાઓના અધિકારો, લોકશાહી સંસ્થાઓ પરના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

    બાંગ્લાદેશની ધર્મનિરપેક્ષતા તો પહેલાંથી જ ન્યાયના કઠેડામાં ઉભી છે. કારણ કે સામાન્ય વિદ્યાર્થી આંદોલનના નામે શરૂ થયેલ પ્રદર્શનોએ કેવી રીતે હિંદુ વિરોધી હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું એનું સમગ્ર વિશ્વ સાક્ષી છે. ન માત્ર સામાન્ય હિંદુઓ પરંતુ કહેવાતાં પ્રતિષ્ઠિત અને સેલિબ્રિટી હિંદુઓ પણ બાંગ્લાદેશમાં સુરક્ષિત નહોતા. હિંદુ મહિલાઓ પર અમાનવીય અત્યાચારો થઈ ચૂક્યા. ત્યારે હવે જો યુનુસ સરકાર આવા જ નિર્ણયો લેવાના ચાલુ રાખશે, તો બાંગ્લાદેશની સ્થિતિ ખરેખર અફઘાનિસ્તાન જેવી થઈ શકે છે, જે દેશની ‘ધર્મનિરપેક્ષ’ અને લોકશાહી ઓળખ માટે ગંભીર ખતરો બની શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં