જ્યારે જ્યારે ઇસ્લામી કટ્ટરપંથીઓ ક્યાંય પણ ઉત્પાત મચાવે ત્યારે દાયકાઓથી તેમને વફાદાર રહીને કામ કર્યા કરતા ગ્લોબલ લેફ્ટની પ્રતિક્રિયા બહુ સ્વાભાવિક હોય છે. કાં તો તેઓ અમુક દલીલો આપીને સદંતર જ ઘટનાઓને નકારી દેશે, અથવા તો એવું શક્ય ન હોય તો એવા પ્રયાસો કરશે, જેથી ઘટનાની ગંભીરતા ઓછી કરી નાખવામાં આવે.
બાંગ્લાદેશના કિસ્સામાં આવું જ બન્યું છે. તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દેવાની ફરજ પડી અને બીજી તરફ ઇસ્લામી ટોળાંએ હિંદુઓનો નરસંહાર શરૂ કર્યો. સોમવારે આ બન્યું હતું, આજે શુક્રવાર છે. આમ તો આ દિવસ એવો છે જ્યારે નમાજ માટે એકઠાં થતાં ટોળાં સ્થિતિ વધુ બગાડી શકે તેની પૂરેપૂરી શક્યતા હોય છે.
લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા માટેનાં સાધનો કયાં?
આ કિસ્સાઓમાં ઇસ્લામીઓના ગુનાને ઢાંકવા માટે ડાબેરીઓએ એક સ્ટાન્ડર્ડ પ્રોપગેન્ડા શોધી કાઢ્યો છે. એમાં તકનીક એવી છે કે, પહેલાં તો સદંતર ઘટનાને નકારી દેવી. જે તેમના બહુ ચાલી આવેલા નેરેટિવથી (જેમાં મુસ્લિમો જ પીડિત હોવા જોઈએ) વિપરીત હોય તેવી કોઇ પણ બાબતને આગળ જવા જ દેવામાં આવતી નથી અને દબાવી દેવામાં આવે છે. પણ હવે ઈન્ટરનેટ અને ખાસ કરીને સોશિયલ મીડિયાના કારણે આમાં ખાસ સફળતા મળતી નથી. હવે દરેક પાસે મોબાઈલ છે. તથ્યો સામે આવતાં બહુ સમય લાગતો નથી.
હવે આ કિસ્સામાં સાવ નકારવું શક્ય નહીં હોય ત્યારે વાતને અવળે પાટે ચડાવવી જ એક ઉપાય છે. આમાં સૌથી મહત્વનું સાધન છે ‘ફેક્ટચેક’. તથ્યો સામે આવવાં માંડ્યાં એટલે ફેક્ટચેકરો પણ ફૂટી નીકળ્યા. આના માટે પ્રોપગેન્ડાબાજો અમુક પ્લોટ, અમુક દાવાઓ કે અમુક પ્રકારની માહિતી શોધી કાઢે છે, જેને ખોટી ગણાવી શકાય. જેના કારણે પછીથી લોકોને શંકા ઉપજે છે અને આખો કેસ જ ખોટો ગણાવી દેવામાં આવે છે.
જોકે, આ તરકીબ નવી નથી. ઘણા વકીલો રેપ પીડિતાના કિસ્સામાં આવી ટ્રિક વાપરતા હોય છે. ઉદાહરણ તરીકે, વકીલ પૂછશે કે તેં પેલી સવારે લાલ ડ્રેસ પહેર્યો હતો કે લીલો? હવે પીડિતા પહેલેથી જ આઘાતમાં હોય તે સ્થિતિમાં કદાચ ખોટો જવાબ આપી દે અને તરત વકીલ જજને કહી દે કે, “મિલોર્ડ, સીસીટીવીમાં તો ભૂરો ડ્રેસ છે અને પીડિત ખોટું બોલી રહી છે. રેપ તો થયો જ નથી!”
જોકે, લોકો હવે ‘ફેક્ટચેકર્સ’ને પણ ઓળખવા માંડ્યા છે અને આવી સ્થિતિમાં અન્ય સાધનો જરૂરી થઈ જાય છે. અહીં તેઓ ફરીથી નેરેટિવ બિલ્ડીંગ માટે નવી તરકીબો અપનાવવા માંડે છે- પૂર્વગ્રહયુક્ત મીડિયા રિપોર્ટ છપાશે, ‘અમુક તજજ્ઞો’ની ફેક્ટપાઇન્ડિંગ ટીમો બનાવાશે, (કેસ કોર્ટમાં જાય ત્યારે) વકીલોની દલીલો કે ટ્રીકને પણ ‘તથ્યો’ તરીકે રજૂ કરવામાં આવશે, ‘સ્કોલરો’ દ્વારા રિસર્ચ પેપરો રજૂ કરવામાં આવશે. (આડવાત- એક વ્યક્તિએ ખરેખર ઑપઇન્ડિયા પર ‘રિસર્ચ પેપર’ લખીને પ્રકાશિત કર્યું હતું, જેથી પછીથી તેને સંદર્ભ તરીકે ટાંકીને પોર્ટલના વિકીપીડિયા પેજમાં છેડછાડ કરી શકાય!) પ્રોપગેન્ડા આર્ટ તૈયાર કરવામાં આવશે, જેને પછીથી કથિત હસ્તીઓ અને ઈન્ફ્લુએન્સર્સ દ્વારા (અમુક કિસ્સાઓમાં પોર્નસ્ટાર દ્વારા પણ) આગળ ધપાવવામાં આવશે.
આ બધા સામે એક જ સમયે લડવું કઠિન થઈ જાય છે, કારણ કે તેઓ હાલના જે નેરેટિવ પહેલેથી સેટ કરવામાં આવ્યા છે (જે સૈકાઓથી ચાલતા આવે છે) તેની ઉપર આધારિત છે અને આ નેરેટિવ હજુ સંપૂર્ણપણે ધ્વસ્ત થયા નથી. કલ્પના કરો કે, આજે પણ ‘ધર્મ એક અંગત બાબત છે’ અને અહીં સુધી કે ‘આતંકવાદને ધર્મ નથી હોતો’ જેવી વાહિયાત વાતો ઘણી વખત સાર્વજનિક મંચો પરથી કહેવામાં આવતી રહે છે.
રાજકારણ વિ. ધર્મની દલીલો
હમણાં બાંગ્લાદેશમાં હિંદુઓના નરસંહાર વચ્ચે એક નેરેટિવ એવો ચલાવવામાં આવી રહ્યો છે કે, ‘આ તો રાજકીય વિવાદ છે, ધાર્મિક નહીં.’ હિંદુઓ પર થતા હુમલાઓ પર ‘ફેક્ટચેક’ અને ‘હ્યુમન ચેઇન’ના પ્રોપગેન્ડાથી ઢાંકપિછોડો શક્ય ન બન્યો તો હવે આવું ચલાવવામાં આવ્યું.
હિંદુઓ તેમની ધાર્મિક ઓળખના કારણે નહીં પણ રાજકીય કારણોસર નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાની આ થિયરી સૌથી પહેલાં વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ ‘સ્ક્રોલ’ દ્વારા આગળ ચલાવવામાં આવી હતી. દલીલો એવી કરવામાં આવી કે હિંદુઓ શેખ હસીનાની પાર્ટીના સમર્થકો માનવામાં આવે છે, તેથી રાજકીય કારણોસર તેમની સામે હિંસા થઈ રહી છે. પછીથી કતારની સરકારના પૈસે ચાલતા ‘અલ જઝીરા’એ પણ આ પકડી લીધું. (અલ જઝીરા વિશે ખબર ન હોય તો, તેમનો એક ‘પત્રકાર’ ગાઝામાં પાર્ટ ટાઇમ આતંકવાદી તરીકે કામ કરતો હતો, એટલું જ નહીં યહૂદીઓને ઘરમાં બંધક બનાવી રાખ્યા હતા!)
હવે અહીં માત્ર જે માધ્યમોએ આવી વાતો ચલાવી છે તેમની જ ટીકા કરીને આ નેરેટિવ તોડવાનો આશય નથી. જોકે, વાત એ પણ સાચી છે કે કામ એવું કર્યું છે કે તેમની ટીકા એકદમ વ્યાજબી જ છે. પણ સાથે એ પણ જાણવું જરૂરી છે કે આખરે કેમ આ દલીલો બાલિશ અને બીજું કશું જ નહીં પણ બદમાશી છે. કારણ કે આવી દલીલો ઘણી વખત ઈસ્લામિક ઉત્પાત અને આતંકવાદને ઢાંકવા માટે આપવામાં આવતી રહે છે.
આવી દલીલો મુઘલ આક્રાંતા ઔરંગઝેબને માત્ર એક ‘શાસક’ તરીકે ચીતરવા માટે અપાતી રહે છે. ઓડ્રી ટ્રુશ્કે જેવા ‘સ્કોલરો’એ તો થીસીસ પણ લખી છે અને સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે મુઘલ આક્રાંતાની સેનાએ એક પછી એક મંદિરો તોડ્યાં હતાં એ રાજકીય બાબત હતી અને તેમાં ક્યાંય મજહબી ધર્માંધતા આવતી નથી. આવી જ દલીલો કાશ્મીરમાં ઇસ્લામિક આતંકવાદીઓના ગુના પર પડદો નાખવા માટે આપવામાં આવતી રહે છે, જેમાં કહેવામાં આવે છે કે કાશ્મીરની આ ‘લડાઈ’ મઝહબી નહીં પરંતુ રાજકીય છે. પછી ભલે આતંકવાદીઓ પોતે ‘ગૌમૂત્ર’ અને ‘મૂર્તિપૂજકો’ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરતા રહેતા હોય.
ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ ટોળાં દ્વારા ચંદન ગુપ્તાની હત્યા થઈ કે કર્ણાટકમાં પ્રશાંત પૂજારીની, દલીલો એવી જ અપાય છે કે તેમની ધમાલ રાજકીય કારણોસર હતી, ધાર્મિક નહીં. આના કારણે ઈસ્લામી આતંકવાદીઓને બહુ સરસ બહાનું મળી જાય છે. તેમણે હિંદુઓ વિશે તમામ ઝેર ઓકવા માટે ‘સંઘીઓ’ નામનો એક કી-વર્ડ વાપરવાનો રહે છે અને તેમની મઝહબી કટ્ટરતાને ધાર્મિક નહીં પણ ‘રાજકીય’ હોવાની ઢાલ મળી જાય છે.
આવી દલીલો વળી સ્વીકૃતિ પણ પામે છે અને ઘણા હિંદુઓ માનતા પણ થઈ જાય છે કે રાજકારણ અને ધર્મ બંને અલગ બાબતો છે. તેમના માટે કદાચ હશે, પણ મુસ્લિમ સમુદાયોમાં આ બાબતો સરખી નથી રહેતી. આ ‘પોલિટિકલી ઇનકરેક્ટ’ વાત કહેવી જરૂરી છે, નહીંતર વધુને વધુ હિંદુઓ મરતા રહેશે અને આ ગુનાઓ ‘રાજકીય હિંસા’ તરીકે ઢંકાતા રહેશે, જ્યારે હકીકતે તો તેને ‘નરસંહાર’ કહેવો જોઈએ.
રાજકારણનો અર્થ માત્ર ચૂંટણીલક્ષી રાજકારણ થતો નથી
પહેલી વાત સમજવાની એ જરૂર છે કે રાજકારણ એટલે માત્ર ચૂંટણીઓ અને રાજકીય પાર્ટીઓ જ નહીં. જોકરની છબીના કારણે કદાચ રાહુલ ગાંધી કહે એ હસવા જેવું લાગે, પણ તેમની એ વાત સાચી છે કે, ‘રાજકારણ બધે જ છે. તમારા શર્ટમાં પણ અને પેન્ટમાં પણ.’ અને રાજકારણ કોઇના પેન્ટમાં કઈ રીતે હોય તેનું ઉદાહરણ ઈસ્લામીઓ સિવાય બીજું કોઈ પૂરું નહીં પાડી શકે. હાલ બાંગ્લાદેશમાં તેઓ ખરેખર મૃતકોના પેન્ટ ઉતારીને ચેક કરી રહ્યા છે કે તેનો ધર્મ શું છે અને હિંદુ હોય તો બૂમો પાડીને ઉજવણી કરે છે.
ખેર, એક સરેરાશ હિંદુ વ્યક્તિ માટે રાજકારણની સમજ માત્ર રાજકીય પાર્ટીઓના અસ્તિત્વ સુધી જ સીમિત રહે છે. પણ રાજકારણ ખરેખર પાર્ટીઓ અને ચૂંટણીથી પણ પર છે. અંગ્રેજી શબ્દ ‘પોલિટિક્સ’નાં મૂળ જ ગ્રીક શબ્દ ‘પોલિટિકા’માં છે, જે ઇસ પૂર્વે ચોથી સદીના ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલની એક કૃતિનું નામ છે, જે શહેરોમાં લોકોએ રોજબરોજના જીવનની અમુક બાબતો કઈ રીતે મેનેજ કરવી, તેની ઉપર વાત કરે છે.
ચૂંટણી માત્ર તેનો એક ભાગ છે. કોઇ દેશના નાગરિકો વચ્ચે લેખિત-અલેખિત કરારો શું હોવા જોઈએ તે રાજકારણ જ વ્યાખાયિત કરે છે. તમારું બાળક શાળામાં શું ભણશે, વૃદ્ધ થયા બાદ તમારાં મા-બાપ કેવી રીતે રહેશે, તમારી હાઉસિંગ સોસાયટીના કોમન પાર્કિંગ સ્પેસમાં તમારા અને તમારા પાડોશીના હકો કયા અને કેટલા હશે- આ બધું જ ‘પોલિટિક્સ’નો ભાગ છે.
હવે એક સામાન્ય હિંદુ હજુ એમ વિચારશે કે, આ બધું તો હશે, પણ આમાં ધર્મ ક્યાંથી આવ્યો? તમારા માટે કદાચ નહીં આવે, પણ મુસ્લિમો માટે આવશે. અથવા કહો કે ઇસ્લામમાં પોલિટિક્સ હોય જ છે. આ ‘મુસ્લિમવિરોધી’ વાત નથી, જે છે એ તથ્ય છે.
એક સેક્યુલર દ્રષ્ટિકોણથી જોઈએ તો દરેક ધર્મમાં લોકોએ કેવી રીતે તેમના જીવનને લગતી બાબતો મેનેજ કરવી તેના માટે અમુક બાબતો હોય જ છે અને તેને જ બીજા શબ્દોમાં પોલિટિક્સ કહેવાય. હિંદુ ધર્મમાં પણ જીવનનાં અનેક પરિબળોને સાંકળી લેતાં ધર્મશાસ્ત્રો છે. પણ ટૂંકમાં કહીએ તો હિંદુઓ એક વ્યક્તિગત જીવન જીવવા માટે ટેવાયેલા છે અને હવે તો સમય આધુનિક છે, જ્યાં ધર્મશાસ્ત્રોનું નિયંત્રણ તો દૂરની વાત રહી, પ્રભાવ પણ અનિવાર્ય નથી.
એટલું જ નહીં, હિંદુ ધર્મની વ્યાપક છત્રછાયા હેઠળ ઉદભવેલી પરંપરાઓ અને તત્વજ્ઞાનથી એક એવી વ્યવસ્થા ઊભી થઈ છે, જ્યાં ધર્મનાં વિવિધ પાસાં રાજકીય, દાર્શનિક, ધાર્મિક, અનુષ્ઠાન વગેરે એટલાં વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ થઈ ગયાં છે કે તેઓ એકબીજાથી પણ સ્વતંત્ર લાગી શકે. પણ ઇસ્લામમાં એવું નથી.
ઈસ્લામની વાત આવે ત્યારે રાજકારણ એ મઝહબનો જ ભાગ છે
ઈસ્લામ અહીં સુધી પહોંચ્યો એનું કારણ જ એ છે કે તેનું સ્વરૂપ સ્થાપના સમયે જેવું હતું, મોટેભાગે તેવું જ રહ્યું છે. આ ચરિત્ર જાળવી રાખવા માટે ઇસ્લામ પાસે અનેક રસ્તા છે. જે કોઇ પણ ત્યાં ‘સુધારા’ લાવવાના પ્રયાસ કરે તે કાં તો ‘બિનમુસ્લિમ’ જાહેર થઈ જાય છે અથવા તો અંત મૃત્યુ તરીકે આવે છે. આંબેડકર જેવા કોઇ વ્યક્તિ જો ઇસ્લામમાં હોત તો કાં તો હત્યા થઈ ગઈ હોત અથવા એવા કોઇ દેશમાં ભાગી જવું પડયું હોત જ્યાં પણ દાયકાઓ પછી આંખ ગુમાવવાનો વારો આવ્યો હોત.
ઈસ્લામના ઘણા ઉપદેશકો એ વાતનો ગર્વ પણ લેતા હોય છે કે તેમનો મઝહબ ‘સંપૂર્ણ છે’. માર્કસવાદીઓને પણ પોતાની વિચારધારા માટે મગજમાં આવું જ છે. આજે ‘હલાલ ઇકોનોમી’ એટલા માટે છે કારણ કે રાજકારણની જેમ અર્થશાસ્ત્ર પણ મૂળ મઝહબનો જ એક વિચાર છે, પણ તેમ છતાં આપણે ત્યાં ઘણા હિંદુઓ હલાલને માત્ર ભોજનના વિકલ્પ તરીકે કે પછી રાંધવાની કે પશુ કાપવાની રીત તરીકે જોતા હોય છે. કોઇ તેને મઝહબી ઉદ્દેશ્યોથી પ્રેરિત એક સમાનાંતર આર્થિક સિસ્ટમ તરીકે જોતું નથી.
આ જ કારણ છે કે જે સવાલો હિંદુઓને સામાન્ય કે રૂટીન લાગે તેની વિરુદ્ધ પણ ફતવા જાહેર થઈ જતા હોય છે. ઇસ્લામમાં શું મોબાઈલ ફોન પર ગેઇમ રમી શકાય? જીન્સ પહેરેલી છોકરીને ડેટ કરી શકાય? મારી બહેને એર હોસ્ટેસની નોકરી કરવી જોઈએ? અને આવા અનેક સવાલો છે. બાંગ્લાદેશ છોડો, દેવબંદની આપણે ત્યાંની વેબસાઈટ ખોલીને જોશો તો કદાચ આવી બાબતો હાસ્યાસ્પદ લાગશે, પણ તમે જે વિચારો છો તેના કરતાં અનેકગણી ગંભીર છે.
ઈસ્લામિક ઉપદેશકો તો સમજ્યા પણ સરેરાશ મુસ્લિમો પણ તેમનો મઝહબ સંપૂર્ણ હોવાની વાતનો ગર્વ લેતા હોય છે. હિંદુઓ જ્યારે બીજી તરફ એ બાબતનો ગર્વ કરે છે કે તેમનો ધર્મ એવો છે, જ્યાં ફરજિયાત કશું નથી અને માત્ર જીવન જીવવાનો એક માર્ગ છે, જ્યાં તમને ઠીક લાગે તે બાબતો અનુસરો, કોઇ બંધન નથી. પણ ઇસ્લામિક દ્રષ્ટિકોણથી આ બાબતને ઘૃણા અને ઉપહાસ, બંને સાથે જોવામાં આવે છે.
ટૂંકમાં કહીએ તો, પોલિટિક્સ કે પછી લોકોએ જીવનને લગતી બાબતોને કઈ રીતે જોવી જોઈએ તે માટેના વિચારો અને માન્યતાઓ ઈસ્લામનો એક ભાગ છે. બાકી વિચારો કે શા માટે કોઇ પણ ક્ષેત્ર જેવું મુસ્લિમ બહુમતી બને કે તરત તે ‘ઇસ્લામી રાષ્ટ્ર’ બની જાય છે અને બંધારણ અને કાયદો કુરાન અને હદીસ પ્રેરિત બની જાય છે? ઇસ્લામી રાષ્ટ્રો દૂરની વાત રહી, ભારતમાં અનેક ઉદાહરણ મળી જશે. જેમકે, જ્યાં મુસ્લિમોની ઠીકઠાક વસ્તી હોય ત્યાં શુક્રવારે રજા જાહેર કરવામાં આવી હોવાના કિસ્સા બન્યા છે. (જોકે, એ ‘રાજકીય નિર્ણયો’ હોય છે, જ્યાં પ્રશાસન નિર્ણય લેતું હોય છે.)
આ બધું એટલા માટે થાય છે કારણ કે ઇસ્લામમાં રાજકારણ અને મઝહબ અલગ બાબતો નથી. રાજકારણને મઝહબ પ્રત્યેની નિષ્ઠાને આધીન માનવામાં આવે છે. આ કોઇ દોષ નથી, પણ ઇસ્લામની એક વિશેષતા છે. તેમાં મઝહબની ટીકા નથી, પણ ઈસ્લામિક દ્રષ્ટિથી જ જોઈએ તો પ્રશંસા છે.
એટલે ઈસ્લામની વાત આવે ત્યારે જે-તે બાબત ધર્મ નહીં પણ રાજકારણ પ્રેરિત હતી તેવી દલીલોનું કોઇ ઔચિત્ય રહેતું નથી, ખાસ કરીને એવા કિસ્સામાં જ્યારે બિનમુસ્લિમો સાથે તેમના વ્યવહારની વાત હોય. આ તર્ક ત્યારે જ અપાય જ્યારે આશય તથ્યો ઢાંકવાનો હોય. અથવા તો ત્યારે અપાય જ્યારે પેલો માણસ અપ્રમાણિક કે દુષ્ટ હોય, અથવા બંને.
એટલે કોઇ પણ રિપોર્ટિંગ, ઐતિહાસિક વિવરણ કે પછી વિશ્લેષાત્મક લેખો, જે આવા તર્કો આપતા હોય, એ પછી ઔરંગઝેબ સંદર્ભે હોય, કાશ્મીર સંદર્ભે કે બાંગ્લાદેશ સંદર્ભે, તેની એક જ જગ્યા છે- કચરાપેટી.