Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યકેએલ રાહુલનું ટીમ ઇન્ડિયામાં કોઈ સ્થાન છે કે નહીં? આ મામલે પૂર્વ...

    કેએલ રાહુલનું ટીમ ઇન્ડિયામાં કોઈ સ્થાન છે કે નહીં? આ મામલે પૂર્વ ક્રિકેટરો વેંકટેશ પ્રસાદ અને આકાશ ચોપરા વચ્ચે શાબ્દિક યુદ્ધ કેમ છેડાયું છે તે જાણીએ

    આરોપને નકારતાં પ્રસાદે ચોપરાની વર્ષો જૂની ટ્વીટનો સ્ક્રીનશોટ મુક્યો હતો જેમાં તેણે રોહિત શર્માનાં ખરાબ ફોર્મ હોવાં છતાં થઇ રહેલાં સિલેક્શનની ટીકા કરી હતી.

    - Advertisement -

    જ્યારે કોઇપણ ટીમ સતત જીતી રહી હોય તો તેની ટીકા નથી થતી આ એક સામાન્ય નિયમ અથવાતો કહોને કે પરંપરા છે. ટીમ ઇન્ડિયા છેલ્લાં ઘણાં વર્ષોથી પોતાની ભૂમિ પર કોઇપણ ફોરમેટમાં એક પણ સિરીઝ હારી નથી આથી તેનાં એકાદા ખરાબ દેખાવની ટીકા નથી થતી. પરંતુ ઘણી વખત ટીમની જીતનાં સાતત્યમાં ખરાબ રમત રમતાં ક્રિકેટરનું પરફોર્મન્સ ઢંકાઈ જતું હોય છે. હાલમાં એક એવાં જ ખેલાડીનાં ખરાબ પરફોર્મન્સ બાબતે ભારતનાં બે પૂર્વ ક્રિકેટરો વેંકટેશ પ્રસાદ અને આકાશ ચોપરા વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે.

    આ નોન-પરફોર્મિંગ  ક્રિકેટરનું નામ છે કેએલ રાહુલ! કેએલ રાહુલનાં તાજા દેખાવ બાબતે અને ટ્વીટર પર તેનાં થઇ રહેલાં ટ્રોલીંગ પર આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યાં છીએ. બસ આ જ ચર્ચાને અનુરૂપ એક શાબ્દિક યુદ્ધ ઉપર જણાવેલાં બે ક્રિકેટરો વચ્ચે આજકાલ ટ્વીટર પર હોટ કેકની માફક વેંચાઈ એટલેકે વંચાઈ રહ્યું છે. આ શાબ્દિક યુદ્ધ વિષે વધુ જાણીએ તે પહેલાં એટલું જરૂર જાણી લઈએ કે છેલ્લાં આઠેક દિવસથી આ ચર્ચા ચાલી રહી છે પરંતુ વેંકટેશ પ્રસાદ અને આકાશ ચોપરા આ બંનેમાંથી કોઈએ પણ ભાષાની મર્યાદા નથી ઓળંગી જેનાં માટે બંને અભિનંદનને પાત્ર છે.

    તો ચાલો જાણીએ કે આ બંને પૂર્વ ક્રિકેટરો વચ્ચે ટ્વીટર વોર ક્યારે શરુ થયું? કેમ શરુ થયું અને અત્યારે તેની તાજી પરિસ્થિતિ શું છે.

    - Advertisement -

    આ આખી ચર્ચા વેંકટેશ પ્રસાદની 11 ફેબ્રુઆરીની એક ટ્વીટ બાદ શરુ થઇ હતી જેમાં તેણે કેએલ રાહુલનાં નબળાં ફોર્મની આકરી ટીકા કરી હતી. પ્રસાદનું કહેવું એમ હતું કે 46 ટેસ્ટ બાદ પણ જો કોઈ ખેલાડીની એવરેજ ફક્ત 36ની હોય તો તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી અત્યંત સામાન્ય કહી શકાય. ત્યારબાદ પ્રસાદે કેએલ રાહુલનું સ્થાન લેવા માટે અનેક ક્રિકેટર રાહ જોઇને બેઠાં છે તેમને અન્યાય થઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

    આ ઉપરાંત વેંકટેશ પ્રસાદનું કહેવું હતું કે કેએલ રાહુલ ટીમમાં તેનાં ફોર્મને આધારે નહીં પરંતુ પક્ષપાતનાં કારણે સ્થાન મેળવી રહ્યો છે. ત્યારબાદ વેંકટેશ પ્રસાદે કેએલ રાહુલ લખનઉ ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન છે અને કોઈ IPL ટીમનો કેપ્ટન જ નેશનલ ટીમમાં ન હોય તો કેવું શરમજનક લાગે એવું તો કોઈ વાતાવરણ નથીને? એવો ગુઢાર્થ નીકળીને એક ગંભીર પ્રશ્ન કર્યો હતો.

    ત્યારબાદ થોડાં દિવસ અગાઉ જ્યારે ટીમ ઇન્ડિયાએ દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ તો જીતી પરંતુ રાહુલનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો તે ટેસ્ટની વચ્ચે પણ પ્રસાદે ટ્વીટ કરીને પોતાનું વલણ સાચું હોવાનું દોહરાવ્યું હતું. પ્રસાદે કેટલાંક ભૂતપૂર્વ ઓપનીંગ બેટ્સમેનોનું ઉદાહરણ આપીને લખ્યું હતું કે તેમને તો રાહુલ જેટલી જ એવરેજ હોવા છતાં 20 કે તેનાંથી થોડી વધુ ટેસ્ટ રમવા નહોતી મળી તો પછી રાહુલ પર આટલો બધો પ્રેમ કેમ વરસાવવામાં આવે છે?     

    આ જ સમયે આકાશ ચોપરા આ ચર્ચામાં કુદી પડ્યાં હતાં. શરૂઆતમાં તો તેમણે વેંકટેશ પ્રસાદને ટેસ્ટ પતવાની રાહ જોવાની સલાહ આપી અને કહ્યું કે કદાચ આપણે બંને એક જ ટીમ માટે રમ્યાં છીએ એટલે આપણે જાણીએ છીએ કે ટેસ્ટ મેચ પતે ત્યાં સુધીમાં કદાચ ચિત્ર બદલાઈ જાય. આકાશ ચોપરાનું માનવું હતું કે કદાચ બીજી ઇનિંગમાં કેએલ રાહુલ મોટો સ્કોર કરી જશે, પરંતુ એમ ન બન્યું.

    બસ આ જ સમયે વેંકટેશ પ્રસાદ અને આકાશ ચોપરા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરુ થયું હતું. પ્રસાદે ચોપરાને જવાબ આપતાં કહ્યું હતું કે તેમની રાહુલ અંગેની ટીકા તેના સાર્વત્રિક દેખાવ પર છે એટલે તે બીજી ઇનિંગમાં સેન્ચુરી બનાવે કે મેચ પુરી થાય પછી મારે ટીકા કરવી જોઈએ એ બાબત કોઈજ અસર કરતી નથી. છેવટે પ્રસાદે ચોપરા પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે તેના યુટ્યુબ વિડીયો મજેદાર હોય છે અને તેને જોવામાં પોતાને આનંદ આવે છે.

    પછી તો આ ચર્ચા ઘણી આગળ વધી ગઈ હતી. આકાશ ચોપરાએ પોતાની દલીલ સાચી સાબિત કરવા એમ કહ્યું હતું કે કેએલ રાહુલ વિદેશમાં બહુ સારી બેટિંગ કરે છે (એટલે) અને તેને ડ્રોપ કરવાનો કોઈ તર્ક ઉભો થતો નથી. તો તેનાં જવાબમાં પ્રસાદે કહ્યું હતું કે જો આ જ માપદંડ હોય તો અજીન્ક્ય રહાણેને તો ક્યારેય ડ્રોપ ન કરાય.

    ત્યારબાદ વેંકટેશ પ્રસાદે આકાશ ચોપરા પર આરોપ મુક્યો હતો કે તે પોતાની યુટ્યુબ ચેનલ પર પોતાને દુષ્પ્રચાર ફેલાવતાં વ્યક્તિ તરીકે ઓળખ આપી રહ્યાં છે. આ આરોપને નકારતાં પ્રસાદે ચોપરાની વર્ષો જૂની ટ્વીટનો સ્ક્રીનશોટ મુક્યો હતો જેમાં તેણે રોહિત શર્માનાં ખરાબ ફોર્મ હોવાં છતાં થઇ રહેલાં સિલેક્શનની ટીકા કરી હતી. આમ કહીને પ્રસાદે એમ કહેવાનો પ્રયાસ કર્યો હતો કે તે રાહુલ માટે એ જ દલીલ કરી રહ્યાં છે જે વર્ષો અગાઉ ચોપરાએ રોહિત માટે કરી હતી.

    છેવટે આકાશ ચોપરાએ વેંકટેશ પ્રસાદને પોતાની યુટ્યુબ ચેનલ પર આવીને ચર્ચાનું આમંત્રણ આપ્યું હતું જેને પ્રસાદે એમ કહીને નકારી દીધું હતું કે તેને હવે આ ચર્ચા આગળ વધારવામાં કોઈજ રસ નથી કારણકે આકાશ ચોપરા તેને પહેલેથી જ કેએલ રાહુલ માટે દુષ્પ્રચાર ફેલાવતો વ્યક્તિ જાહેર કરી દીધો છે.

    એક રીતે જોવા જઈએ તો વેંકટેશ પ્રસાદ અને આકાશ ચોપરા વચ્ચેનું આ શાબ્દિક યુદ્ધ ક્રિકેટની ઉંચી કક્ષાની ચર્ચાઓમાં સ્થાન પામી શકે તેમ છે. તેમ છતાં આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર જો પ્રસાદનું માનીએ તો જે આરોપ તેનાં પર મુક્યો હતો તેણે આ ચર્ચાનાં ઊંચા સ્તરને દોરાવાર નીચે તો લાવી જ દીધું છે.

    અહીં આકાશ ચોપરાનો આરોપ એટલે પણ ખોટો પડે છે કારણકે વેંકટેશ પ્રસાદ પણ કર્ણાટક તરફથી ક્રિકેટ રમ્યાં છે જ્યાંથી કેએલ રાહુલ પોતાનું ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે, આથી કોઈ અન્ય રાજ્ય કે ઝોનનો ક્રિકેટર જો રાહુલનાં ફોર્મ પર ટીકા કરતો હોત તો આકાશ ચોપરાનો આરોપ સમજી શકાતો હતો.

    આમ જુઓ તો આકાશ ચોપરા ભલે ક્રિકેટ મેચોમાં કોમેન્ટ્રી કરતાં હોય પરંતુ તેમની ક્રિકેટનું વિશ્લેષણ કરવાની ક્ષમતા પર કાયમ પ્રશ્નાર્થ ઉભાં થતાં જ હોય છે. શાબ્દિક માયાજાળ રચીને કે શબ્દોની રમત કરીને કોમેન્ટ્રી કરવી એ અલગ વાત હોય છે અને ક્રિકેટ મેચમાં બની ચુકેલી ઘટના અને બની શકવાની ઘટનાનું આગોતરું વિશ્લેષણ કરવું તદ્દન અલગ હોય છે. આકાશ ચોપરા પ્રથમ પ્રકારનાં કોમેન્ટેટર્સમાં આવે છે.

    તેમ છતાં આકાશ ચોપરાએ આપણા તમામ કરતાં વધુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું છે તેને ધ્યાનમાં લઈએ તો તેમને વેંકટેશ પ્રસાદ સાથે ક્રિકેટની ચર્ચા કરવાનો પ્રથમ હક્ક છે એમ જરૂરથી કહી શકાય. પરંતુ અહીં વેંકટેશ પ્રસાદ સાચા છે, એટલા માટે નહીં કારણકે તેમણે પોતાનાં જ રાજ્યનાં ખેલાડીની ટીકા કરી છે, પરંતુ એટલા માટે કારણકે કેએલ રાહુલને ન્યાય કરવામાં ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સ અન્ય ખેલાડીઓને અન્યાય કરી રહ્યાં છે એ સત્ય છે.

    વેંકટેશ પ્રસાદે આપેલાં આંકડાઓ ફક્ત આંકડાઓ નથી પરંતુ તથ્ય છે. આ ઉપરાંત અન્ય કોઈ ક્રિકેટરને ફોર્મમાં લાવવા માટે એટલી બધી રાહ નથી જોવાતી જેટલી રાહ રાહુલ માટે જોવામાં આવી રહી છે. યાદ હોય તો હજી એક વર્ષ અગાઉ જ સૌરાષ્ટ્રનાં ચેતેશ્વર પુજારા જેણે હાલમાં જ પોતાની સો મી ટેસ્ટ રમી તેને ખરાબ ફોર્મને લીધે ડ્રોપ કરવામાં આવ્યા હતાં. પુજારાને પણ કેએલ રાહુલ જેટલો સમય આપવામાં નહોતો આવ્યો.

    પરંતુ પુજારાએ ત્યારબાદ બોર્ડની મંજુરી લઈને ઇંગ્લેન્ડની સસેક્સ કાઉન્ટી માટે ક્રિકેટ રમીને પોતાનું ફોર્મ પરત મેળવ્યું અને ટીમમાં પુનરાગમન કર્યું. ભારતની ડોમેસ્ટિક સીઝન તો હવે પૂર્ણ થવાને આરે છે તો રાહુલને પણ શા માટે બોર્ડ સામેથી કાઉન્ટી ક્રિકેટ રમવા જવાની સલાહ ન આપી શકે જેથી તે પોતાનું ફોર્મ પુજારાની જેમ જ પરત મેળવી શકે?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં