Saturday, July 27, 2024
More
    હોમપેજમંતવ્યમહારાષ્ટ્રમાં અજિત પવારનું સરકારને સમર્થન અને હવે પાર્ટી પર દાવો: વર્ષ પહેલાં...

    મહારાષ્ટ્રમાં અજિત પવારનું સરકારને સમર્થન અને હવે પાર્ટી પર દાવો: વર્ષ પહેલાં જે હાલ શિવસેનાના થયા હતા એ હવે એનસીપીના થશે?

    અજિત પવારે પર ખેલ એકનાથ શિંદે જેવો જ કર્યો છે પણ તફાવત એટલો છે કે શિંદેએ સમય લીધો હતો અને પવારે એક ઝાટકે ખેલ પાડી દીધો.

    - Advertisement -

    બરાબર એક વર્ષ પહેલાં પણ મહારાષ્ટ્રનું રાજકારણ ચર્ચામાં હતું, આજે પણ ચર્ચામાં છે. ત્યારે પણ એક પાર્ટી તૂટી હતી અને આજે પણ એક પાર્ટી તૂટવાની કગાર પર છે. ત્યારે ઉદ્ધવ ઠાકરે સાથે જે થયું હતું એ આજે શરદ પવાર સાથે બનતું દેખાઈ રહ્યું છે. 

    રવિવારની સવાર (2 જુલાઈ, 2023) મહારાષ્ટ્ર માટે સામાન્ય હતી, પણ બપોર આવતાં સુધીમાં તો આખું રાજકીય ચિત્ર બદલાઈ ગયું. 12 વાગ્યે અજિત પવારે ધારાસભ્યો સાથે એક બેઠક કરી. તે જ સમયે મુંબઈમાં ભાજપ મોવડી મંડળની પણ એક બેઠક ચાલી રહી હતી. બંને બેઠકો પૂર્ણ થઇ અને નેતાઓ સીધા રાજભવન પહોંચવા માંડ્યા. તૈયારીઓ થવા માંડી અને મીડિયાને પ્રવેશ અપાયો ત્યારે જાણવા મળ્યું કે અહીં શપથવિધિ થશે. થોડીવારમાં સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસ પણ પહોંચ્યા, રાજ્યપાલ આવ્યા અને શપથગ્રહણ સમારોહ શરૂ થયો. 

    અજિત પવારે રાજ્યના ઉપમુખ્યમંત્રી પદે અને તેમની સાથે અન્ય 8 ધારાસભ્યોએ મંત્રીપદે શપથ લીધા. અજિત પવાર માત્ર ભાજપ-શિવસેના સરકારને સમર્થન આપીને ન અટક્યા અને પાર્ટી NCP પર પણ દાવો ઠોકી દીધો. પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મોટાભાગના ધારાસભ્યો તેમના સમર્થનમાં છે અને તેઓ જ સાચી NCP છે. તેમણે NCP તરીકે જ સરકારને સમર્થન આપ્યું છે અને બીજી કોઈ નવી પાર્ટી રચી નથી તેમજ ભવિષ્યમાં પણ તેઓ NCPના નામ પર જ ચૂંટણી લડશે. 

    - Advertisement -

    શરદ પવાર આમ તો NCP અધ્યક્ષ છે પણ હવે તેમના હાથમાં ન પાર્ટી રહી છે, ન લોકો. આ બંને અજિત પવાર પાસે છે. અજિત પવાર NCPમાં અગત્યનો ભાગ ભજવતા, સંગઠન સાચવવામાં પણ તેમની મોટી ભૂમિકા રહી છે. જાહેરજીવનનો પણ બહોળો અનુભવ છે. પરંતુ હવે તેમણે જ બળવો કરી દેતાં શરદરાવ અસમંજસમાં મૂકાયા છે. કારણ કે અજિત પવાર એકલા ગયા નથી પણ પોતાની સાથે 40 ધારાસભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ લઈ ગયા છે. જેમને શરદ પવારે ગયા જ મહિને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા એ પ્રફુલ પટેલ પણ અજિત પવાર સાથે જોવા મળ્યા તો છગન ભુજબળ, દિલીપ પાટીલ, ધનંજય મુંડે જેવા નેતાઓએ મંત્રી પદે શપથ પણ લઇ લીધા છે. 

    એક વર્ષ પહેલાં ઉદ્ધવ ઠાકરે સાથે આવું થયું હતું?

    બરાબર એક વર્ષ પહેલાં આવું ઉદ્ધવ ઠાકરે સાથે થયું હતું. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ભાજપ અને શિવસેના સાથે મળીને લડ્યા હતા. પરિણામ આવ્યાં અને જીત પણ મળી પરંતુ ત્યારબાદ શિવસેનાએ તકરાર શોધી કાઢી હતી અને પોતાનો સીએમ બનાવવાની જીદ પકડી હતી. બીજી તરફ ભાજપે પણ નમતું ન મૂક્યું અને શિવસેનાએ કોંગ્રેસ અને NCP સાથે મળીને મહાવિકાસ આઘાડી સરકાર બનાવી. 

    અઢી વર્ષ આ સરકાર ચાલી અને જૂન, 2022માં શિવસેનામાં બળવો થયો. એકનાથ શિંદે અમુક ધારાસભ્યોને લઈને પહેલાં સુરત આવ્યા અને ત્યારબાદ ગુવાહાટીની હોટેલમાં જતા રહ્યા. ધીમેધીમે ઉદ્ધવ ઠાકરેના સમર્થક ધારાસભ્યો-નેતાઓએ ગુવાહાટીનો રસ્તો પકડવા માંડ્યો અને એક સમયે અડધી પાર્ટી આસામમાં ભેગી થઇ ગઈ. પૂરતું સંખ્યાબળ મળ્યા બાદ એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર આવીને સરકાર બનાવવાનો દાવો માંડ્યો અને ભાજપે તેમને સમર્થન આપી દીધું. શિંદે સીએમ બન્યા અને ફડણવીસ ડેપ્યુટી સીએમ. એકનાથ શિંદે પાસે સંખ્યાબળ હતું, પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હતા અને ઉદ્ધવ ઠાકરે પાસે હતા સંજય રાઉત અને પ્રિયંકા ચતુર્વેદ જેવા નેતાઓ!

    સરકાર બનાવ્યા બાદ એકનાથ શિંદેએ પાર્ટીનાં નામ અને ચિહ્ન પર દાવો માંડ્યો હતો. આખરે મામલો સુપ્રીમ કોર્ટ પણ પહોંચ્યો પરંતુ ત્યાંથી પણ ઠાકરેને કોઈ સફળતા મળી નહીં. આખરે ચૂંટણી પંચે પાર્ટીનાં નામ-નિશાન એકનાથ શિંદે જૂથને સોંપી દીધાં અને પાર્ટી તેમની થઇ ગઈ. ઉદ્ધવ ઠાકરેએ બીજાં નામ અને નિશાનથી સંતોષ માનવો પડ્યો. 

    અજિત પવારે પર ખેલ એકનાથ શિંદે જેવો જ કર્યો છે પણ તફાવત એટલો છે કે શિંદેએ સમય લીધો હતો અને પવારે એક ઝાટકે ખેલ પાડી દીધો. અજિત પવાર કહે છે કે તેમની પાસે તમામ ધારાસભ્યોનું સમર્થન છે. મીડિયાનાં સૂત્રો પ્રમાણે ઓછામાં ઓછા 40 ધારાસભ્યો તેમના સમર્થનમાં છે. જો તેમ હોય તો શરદ પવાર પાસે માંડ 10-12 ધારાસભ્યો વધે છે. આ સંજોગોમાં અજિત પવાર પાર્ટી પર દાવો માંડે તો શું પરિણામ આવે એ જોવું રસપ્રદ રહેશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં