Sunday, December 29, 2024
More
    હોમપેજરાજકારણઅડધેથી અટકાવ્યો અવધ ઓઝાનો ઇન્ટરવ્યુ, કહ્યું- ઊંધા-ચત્તા સવાલો નહીં કરવાના….'પ્રેસ ફ્રીડમ’ની નવી...

    અડધેથી અટકાવ્યો અવધ ઓઝાનો ઇન્ટરવ્યુ, કહ્યું- ઊંધા-ચત્તા સવાલો નહીં કરવાના….’પ્રેસ ફ્રીડમ’ની નવી વ્યાખ્યાઓ ઘડતા આમ આદમી પાર્ટીના નેતાઓ 

    BBC રિપોર્ટરે પૂછ્યું કે, 'પહેલાં તમે મોદી અને રાહુલ ગાંધીના વખાણ કરતા હતા. AAPમાં જોડાયા પછી પણ શું તમે તેને ચાલુ રાખશો?' આ તે જ સવાલ છે, જેનો અવધ ઓઝા જવાબ આપી રહ્યા હતા અને પાછળથી AAP પદાધિકારીઓએ આવીને ઇન્ટરવ્યુ અટકાવી દીધો.

    - Advertisement -

    ભારતની વિપક્ષી પાર્ટીઓને વાણીથી લઈને પ્રેસ સ્વતંત્રતા સુધીની વાતો મોઢે જ હોય છે, પણ તે સત્તા પક્ષ માટે જ રિઝર્વ રાખવામાં આવી છે. વાત તેમની ઉપર આવે ત્યારે ધોરણો બદલાઈ જાય છે. આવું આમ આદમી પાર્ટીએ હમણાં કર્યું છે. આ પાર્ટી અને તેના નેતાઓ કાયમ પ્રેસ ફ્રીડમ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરતા રહે છે, પણ તાજેતરમાં એવી ઘટના બની, જ્યાં પાર્ટીના નેતાઓએ એક ઇન્ટરવ્યુ એમ કહીને અટકાવી દીધો કે તેમાં ‘અવળા સવાલો’ પૂછવામાં આવી રહ્યા છે. વાત તાજેતરમાં જ AAPમાં જોડાયેલા ‘શિક્ષક’ અવધ ઓઝાની છે.

    અવધ ઓઝા પાર્ટીમાં જોડાયા પછી દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા. મીડિયામાં પણ તેમનાં જૂનાં નિવેદનો અને AAP સાથેના સંબંધોની ચર્ચાઓ થઈ રહી હતી. તે વચ્ચે જ મીડિયા આઉટલેટ ‘બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)એ અવધ ઓઝા સાથે ઇન્ટરવ્યુ (interview) યોજ્યો હતો. ઇન્ટરવ્યુ થયો પણ ખરો, પણ AAP નેતાઓએ આ ઇન્ટરવ્યુને વચ્ચે જ અટકાવી દીધો હતો. અટકાવવા પાછળનું કારણ એ હતું કે, BBCના પત્રકારે આમ આદમી પાર્ટીની વાત ન માની અને ‘અઘરા’ પ્રશ્નો પૂછી લીધા!

    AAP નેતાઓએ ઇન્ટરવ્યુમાં વચ્ચે આવીને કેમેરા બંધ કરાવી દીધા હતા. BBCના પત્રકારે ઘણી અપીલ કરી પણ AAP નેતાઓ કઈ સાંભળવા તૈયાર જ નહોતા. AAP નેતાઓએ પત્રકારને કહ્યું કે, “અમે કહ્યું હતું ને ઉંધા-ચત્તા સવાલ નહીં કરવાના..” તે દરમિયાન પણ રિપોર્ટર ‘સર.. સર’ કહીને અવધ ઓઝાને અપીલ કરતો રહ્યો હતો. પરંતુ ઓઝા માત્ર જોતા રહ્યા અને ઇન્ટરવ્યુને વચ્ચે જ છોડી દીધો. જોકે, છેલ્લે-છેલ્લે તેઓ બોલ્યા કે, “આ પાર્ટી લાઇન નક્કી કરશે…”

    - Advertisement -

    ઇન્ટરવ્યુ કરી-કરીને જૂનાં નિવેદનોના આપી રહ્યા છે જવાબ

    અવધ ઓઝા તાજેતરમાં AAPમાં જોડાયા છે. દિલ્હીની ‘શિક્ષણ ક્રાંતિ’થી પ્રભાવિત થઈને તેમણે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. AAPમાં સામેલ થયા પહેલાં UPSCની તૈયારી કરાવતા ‘ઓઝા સર’ વડાપ્રધાન મોદીના પ્રશંસક હતા. કહેવાય છે કે, ભાજપે ટિકિટ ન આપતા તેઓ રાહુલ ગાંધીના પણ ફેન બન્યા હતા. જોકે, અંતે તેમને કેજરીવાલની પાર્ટીની ‘શિક્ષણ ક્રાંતિ’ દેખાઈ ગઈ અને જોડાઈ ગયા AAPમાં.

    જે બાદ તેઓ સતત ઇન્ટરવ્યુ આપીને પોતાના જૂના નિવેદનોના જવાબો આપી રહ્યા છે. તેઓ ઇન્ટરવ્યુ આપીને જણાવી રહ્યા છે કે, શા માટે તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા. તે જ ક્રમમાં તેમનો એક ઇન્ટરવ્યુ અંશુલ સિંઘે BBC માટે લીધો છે. BBC ન્યૂઝ હિન્દીની યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો આ ઇન્ટરવ્યુ 8 મિનિટ અને 31 સેકન્ડનો છે.

    7 મિનિટ 45 સેકન્ડે અટકાવાયો ઇન્ટરવ્યુ

    શરૂઆતમાં અંશુલ સિંઘ સાથેનો ઇન્ટરવ્યુ સારી રીતે ચાલી રહ્યો હતો. અરવિંદ કેજરીવાલને ભગવાન કૃષ્ણ સાથે સરખાવીને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPની ભવ્ય વિજયની ભવિષ્યવાણી સુધી અવધ ઓઝા અટકતા નથી. પાછળ પરોક્ષ રીતે નિયંત્રણ મેળવી રહેલા AAP નેતાઓ પણ વચ્ચે આવીને કોઈ ટકોર કરતા નથી. પરંતુ અચાનક 7 મિનિટ 45 સેકન્ડ પર પાછળથી એક અવાજ સંભળાયો. BBCનો રિપોર્ટર પાછળ ફરીને જુએ છે. એક શખ્સ તેવું કહેતો સંભળાય છે કે, “મેં તમને કહ્યું હતું ને, ઉંધા-ચત્તા સવાલ નહીં કરવાના.” જવાબમાં BBCનો રિપોર્ટર પણ ‘હા’ કહેતો સંભળાય છે.

    જે બાદ BBCનો પત્રકાર કહે છે કે, “નહીં.. સરને નોર્મલ સવાલ જ કરી રહ્યા છીએ.” તે અવધ ઓઝાને પણ પૂછે છે કે, “સર, તમને વાંધાજનક એક પણ સવાલ ક્યા પૂછ્યો છે?” આ સમગ્ર વાતચીત દરમિયાન માથું હલાવી રહેલા અવધ ઓઝા અચાનક કહે છે કે, “જુઓ પાર્ટી લાઇન નક્કી કરશે, આ તો તે લોકો નક્કી કરશે.” આટલું કહીને તેઓ માઈક કાઢી નાખે છે અને BBCનો કેમેરા પણ બંધ થઈ જાય છે. તે બાદ BBCની યુ-ટ્યુબ ચેનલ પર જે વિડીયો જારી કરવામાં આવ્યો છે, તેના પર લખવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીના પદાધિકારીઓએ આ બાદ ઇન્ટરવ્યુ ચાલુ રાખવા દીધો નહીં અને રેકોર્ડીંગ પણ અટકાવી દીધું.

    ઇન્ટરવ્યુના સામાન્ય સવાલો અને AAPની પ્રેસ ફ્રીડમની વાતો

    આ ઇન્ટરવ્યુમાં BBC રિપોર્ટર પહેલાં અવધ ઓઝાને પૂછે છે કે, કોચિંગ કરતાં-કરતાં તેઓ રાજકારણમાં કેવી રીતે આવ્યા? બીજા પ્રશ્નમાં પૂછવામાં આવે છે કે, ‘તમારી વિચારધારા શું છે?’ પછી પૂછવામાં આવે છે કે, ‘આમ આદમી પાર્ટી જ કેમ પસંદ કરી, જ્યારે તમે ટિકિટ તો ભાજપ અને કોંગ્રેસ પાસેથી માંગી રહ્યા હતા. દાવો છે કે, બસપાએ તમને ટિકિટ પણ આપી હતી?’ આ પછી અવધ ઓઝાને તેમના વિડીયો અંગે સવાલ કરવામાં આવે છે, જેમાં તેમણે સિસોદિયા અને કેજરીવાલને દારૂ કૌભાંડમાં જેલમાં જવા અંગે ટિપ્પણી કરી હતી? ત્યારબાદ ઓઝાને કેજરીવાલના જૂના નિવેદન વિશે પૂછવામાં આવે છે, જેમાં તેઓ આરોપોના કિસ્સામાં રાજીનામાંની માંગણી કરતા હતા.

    આ પછી BBC રિપોર્ટરે પૂછ્યું કે, ‘પહેલાં તમે મોદી અને રાહુલ ગાંધીના વખાણ કરતા હતા. AAPમાં જોડાયા પછી પણ શું તમે તેને ચાલુ રાખશો?’ આ તે જ સવાલ છે, જેનો અવધ ઓઝા જવાબ આપી રહ્યા હતા અને પાછળથી AAP પદાધિકારીઓએ આવીને ઇન્ટરવ્યુ અટકાવી દીધો. જોકે, આ સવાલોનો અહીં ઉલ્લેખ કરવાનો આશય માત્ર એટલો છે કે, આ સવાલો પૈકીનો એક પણ પ્રશ્ન ન તો વિવાદિત છે કે ન તો રાજકારણ પ્રેરિત. તેમ છતાં આવા સામાન્ય પ્રશ્નોના કારણે AAP નેતાઓએ આ સાક્ષાત્કાર અટકાવી દીધો. માત્ર એટલા માટે કે, પત્રકારે તેમના કહેવા મુજબ ન કર્યું.

    સૌથી મોટો પ્રશ્ન AAP પર એ ઉઠે છે કે, શું આમ આદમી પાર્ટીના નેતાઓના ઇન્ટરવ્યુ પહેલાંથી જ ‘ફિક્સ’ હોય છે? જેમાં પત્રકારોએ કેવા સવાલ કરવા અને કેવા ન કરવા જેવી ચર્ચાઓ થઈ ચૂકી હોય છે. જો હા.. તો પછી પ્રેસ ફ્રીડમની વાતો માત્ર હવામાં ગોળીબાર જ હતો? જો આમ આદમી પાર્ટીના ઇન્ટરવ્યુ ‘ફિક્સ’ નથી હોતા તો પછી પત્રકાર કોઈપણ પ્રકારના સવાલ પૂછી શકે છે અને તેમને તેમ કરતાં અટકવાવવા પણ પ્રેસ ફ્રીડમ પર તરાપ મારવા જેવું જ છે. આ જ આમ આદમી પાર્ટી દરરોજ પ્રેસ ફ્રીડમની વાતો કરે છે અને જ્યારે વાત પોતાના પર આવી જાય ત્યારે નિયમ બદલાઈ જાય છે.

    INDI ગઠબંધનની લગભગ તમામ પાર્ટીઓ મીડિયાની સ્વતંત્રતાને લઈને બેવડાં ધોરણો ધરાવે છે. પ્રેસ ફ્રીડમની મોટી-મોટી વાતો કરીને કોંગ્રેસના નેતાઓએ પણ અમેરિકામાં ભારતીય પત્રકારનો ઇન્ટરવ્યુ અટકાવી દીધો હતો અને ધમકી પણ આપી દીધી હતી. પશ્ચિમ બંગાળના ‘જંગલ રાજ’નું રિપોર્ટિંગ કરી રહેલા રિપબ્લિક ભારતના પત્રકારની મમતા સરકારની પોલીસે ઓન કેમેરા ધરપકડ કરી લીધી હતી. રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવવાને લઈને કર્ણાટક પોલીસ અજીત પવારના ઘર સુધી પહોંચી ગઈ હતી. આવા તો સેંકડો ઉદાહરણો છે. તેમ છતાં આ ‘મહાન લોકો’ જ મીડિયાને સ્વતંત્રતા આપી રહ્યા છે, તાનાશાહ તો મોદી છે!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં