યુક્રેને રશિયાના બે મુખ્ય એરબેઝ – ઓલેન્યા અને બેલાયા પર ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, જે એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા છે તે રશિયા-યુક્રેનની સરહદથી ખૂબ અંદરના ભાગે આવેલા છે. વધુમાં યુક્રેન તરફથી કહેવાયું છે કે, રશિયાની અંદર ઘણા એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 40થી વધુ રૂસી બૉમ્બર્સને ધ્વસ્ત કરવામાં આવી છે.
યુક્રેનનો દાવો છે કે, રશિયા આ વિમાનોનો ઉપયોગ યુક્રેન પર બૉમ્બમારો કરવા માટે કરી રહ્યું હતું. રોયટર્સ સાથે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું છે કે, ડ્રોન હુમલો યુક્રેનની સુરક્ષા એજન્સી SBU દ્વારા કરવામાં આવ્યા છે. રોયટર્સના અહેવાલ મુજબ, ડ્રોન હુમલો બૉમ્બર્સ વિમાનો જેવા કે Tu-95, Tu-22 અને A-50 જાસૂસી વિમાન પર કરવામાં આવ્યો હતો.
વધુમાં અધિકારીઓને ટાંકીને એવું પણ કહેવાયું છે કે, SBU રશિયન સંઘના પાછલા ભાગમાં દુશ્મનોના બૉમ્બર્સ વિમાનોને નષ્ટ કરવા માટે મોટાપાયે અભિયાન ચલાવી રહી છે. હાલમાં 40થી વધુ બૉમ્બર્સ વિમાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ પહેલાં પણ બંને દેશો વચ્ચે અનેક વખત બૉમ્બમારો અને ડ્રોન એટેક થયા હોવાનું સામે આવ્યું હતું.