Tuesday, March 4, 2025
More

    બાગેશ્વર ધામ બનાવી રહ્યું છે કેન્સર હૉસ્પિટલ, આધારશિલા મૂકશે પીએમ મોદી: પ્રથમ વખત એક મંચ પર જોવા મળશે વડાપ્રધાન અને પંડિત ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવાર, 23 ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશ પ્રવાસે છે. જ્યાં છતરપુરમાં તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. દરમ્યાન બાગેશ્વર ધામના પીઠાધીશ અને મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને પીએમ મોદી એક મંચ પર જોવા મળશે. બંને એક મંચ પર પ્રથમ વખત ભેગા થઈ રહ્યા છે. 

    અત્યાધુનિક સુવિધાઓ અને વિશ્વકક્ષાની વ્યવસ્થાઓ સાથે નિર્માણ પામનારી આ હોસ્પિટલ પાછળ ₹200 કરોડનો ખર્ચ થનાર છે, જ્યાં જરૂરિયાતમંદ કેન્સર દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે અને નિષ્ણાત ડૉક્ટરો તેમની સારવાર કરશે. છતરપુરમાં આ હૉસ્પિટલનું નિર્માણ થનાર છે, જેનું ખાતમુહૂર્ત સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે. 

    પીએમ મોદીની મુલાકાત માટે બાગેશ્વર ધામ દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. લગભગ 80 હજાર લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે તેવી ગણતરી છે. તમામ માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ કાર્યક્રમ વિશે જણાવતાં કહ્યું કે, આજે એક નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. હવે બાગેશ્વર બાલાજીના આશીર્વાદ જ નહીં પણ દવા પણ મળશે. વડાપ્રધાનની 60 દિવસમાં આ બુંદેલખંડની બીજી યાત્રા છે. આનાથી સમગ્ર વિશ્વમાં એક સંદેશ જશે કે મંદિરોમાં હવે હૉસ્પિટલો પણ હશે. 

    પીએમ મોદી ત્યારબાદ ભોપાલ જવા માટે રવાના થશે, જ્યાં અમુક બેઠકો બાદ આવતીકાલે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્યાંથી બિહાર અને આસામમાં પણ તેમની યાત્રાઓ યોજાનાર છે.