Friday, January 31, 2025
More

    પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બનશે ‘નવી બાબરી મસ્જિદ’, TMC નેતા હુમાયુ કબીરનું એલાન: ₹1 કરોડનું દાન આપવાની પણ જાહેરાત

    TMC ધારાસભ્ય હુમાયુ કબીરે (Humayun Kabir) પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ (Murshidabad) જિલ્લાના બેલડાંગામાં નવી બાબરી મસ્જિદ (New Babri Masjid) બનાવવાની જાહેરાત કરી છે. કબીરે કહ્યું કે, મસ્જિદ બનાવવાનું કામ 6 ડિસેમ્બર 2025 સુધીમાં શરૂ થઈ જશે. હુમાયુંએ દાવો કર્યો કે, આ માટે બે એકર જમીન પર એક ટ્રસ્ટ બનાવવામાં આવશે, જેમાં મદરેસાઓના પ્રમુખ અને સચિવો સામેલ હશે. કબીરે એમ પણ કહ્યું કે, મસ્જિદના નિર્માણ માટે ભંડોળની કોઈ કમી નહીં હોય અને તે પોતે એક કરોડ રૂપિયા આપશે.

    હુમાયુએ બંગાળના મુસ્લિમ સમુદાયની ભાવના અને તેમની ‘માથું ઊંચું કરીને જીવવાની’ ઈચ્છાને આ પાછળનું કારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, નવી મસ્જિદ દેશને એ સંદેશ આપશે કે, બાબરી ઢાંચાને ધ્વસ્ત કર્યા પછી પણ તેની સંસ્કૃતિ અને ઓળખ કાયમ છે.

    હુમાયુ કબીર અગાઉ પણ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ભાજપના સમર્થકો વિરુદ્ધ હિંસક ટિપ્પણી કરી હતી. તેમના નિવેદન પર બીજેપી નેતા મિથુન ચક્રવર્તીએ તીખી પ્રતિક્રિયા પણ આપી હતી.