‘આરોપીઓ એક ઓર્ગેનાઈઝ્ડ ગેંગ તરીકે કામ કરતા, ટાર્ગેટ પર હતી હિંદુ મહિલાઓ’: નાશિક TCS કેસમાં વધુ ઘટસ્ફોટ, કેન્દ્રીય એજન્સીઓ તપાસ હાથ પર લઈ શકે

નાશિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના (TCS) BPO યુનિટમાંથી ઉજાગર થયેલા હિંદુ મહિલાઓના ઉત્પીડન અને ધર્માંતરણના રેકેટના કેસમાં જેમ-જેમ પોલીસ આગળ તપાસ ચલાવી રહી છે તેમ વધુ ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જાણવા મળ્યું છે કે આરોપીઓ એક ઓર્ગેનાઈઝ્ડ ગેંગ તરીકે કામ કરતા હતા અને તેમનો ટાર્ગેટ હિંદુ મહિલાઓ હતી. તેઓ મુખ્યત્વે 18થી 25 વર્ષની મહિલાઓને નિશાન બનાવતા હતા. આ મામલે પોલીસે 9 FIR દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી છે, અમુક હજુ ફરાર છે તેમની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ કેન્દ્રીય એજન્સીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને તપાસનો દાયરો વધારવામાં આવી રહ્યો છે, જેથી ફોરેન ફન્ડિંગથી માંડીને અન્ય પાસાંની પણ વિગતવાર તપાસ કરી શકાય.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આખી ગેંગમાં દાનિશ શેખ, તૌસિફ અત્તાર, રઝા મેમણ, શાહરૂખ કુરેશી, શફી શેખ, આસિફ અફતાબ અન્સારી અને શાહરૂખ શેખ સહિત 7 પુરુષો અને 2 મહિલાઓ કાર્યરત હતી. આ લોકો નવા જોડાતા કર્મચારીઓની પર્સનલ પ્રોફાઇલ પર નજર રાખતા હતા. તેઓ ‘સોફ્ટ ટાર્ગેટ’ તરીકે એવી યુવતીઓને પસંદ કરતા જેમને પૈસાની સખત જરૂર હોય. એકવાર શિકાર નક્કી થયા પછી તેનું શારીરિક શોષણ, માનસિક ત્રાસ અને મજહબી પરિવર્તન માટે દબાણ કરવાની પ્રક્રિયા શરૂ થતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ આરોપીઓ એક ગેંગની જેમ કામ કરતા અને ‘ટાર્ગેટ’ પૂરા કરતા હતા.

HR નિદા ખાન સહિતના લોકો આ ગેંગમાં હતા સામેલ

પોલીસે આ કેસમાં ઑફિસમાં સક્રિય એક સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ નેટવર્ક માત્ર ટ્રેનિંગ ટીમ પૂરતું સીમિત નહોતું, પરંતુ તેમાં સિનિયર સ્ટાફ અને HR (હ્યુમન રિસોર્સ) મેનેજરની મિલીભગત હોવાના પણ ગંભીર આરોપો છે. HR મેનેજર નિદા ખાન પર આરોપ છે કે તેણે પીડિત યુવતીઓની ફરિયાદો સાંભળવાને બદલે તેને દબાવી દીધી હતી અને આરોપીઓનો બચાવ કર્યો હતો, જેના કારણે આ ગુનાહિત પ્રવૃત્તિ 2022થી ચાલતી રહી. નિદા ખાનને ધરપકડ બાદ 28 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. બીજી મહિલા આરોપી હજુ ફરાર છે.

ઘટનાની ગંભીરતા જોતાં નાશિક પોલીસે અત્યાર સુધીમાં નવ FIR નોંધી છે, જેમાં 8 મહિલા અને એક પુરુષ કર્મચારીની ફરિયાદનો સમાવેશ થાય છે. પીડિતાઓએ જણાવ્યું કે તેમને ઓફિસના ટેરેસ પર એકલા કામ કરવા મજબૂર કરવામાં આવતી અને સુરક્ષાના બહાને તેમનો પર્સનલ સામાન જપ્ત કરી લેવાતો હતો. આ ઉપરાંત તેમને નમાજ અદા કરવા, નોન-વેજ ખાવા અને હિંદુ દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ સહન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું.

ફોરેન ફન્ડિંગની આશંકાઓ

આ કેસમાં હવે આતંકવાદી કનેક્શન અને વિદેશી ફન્ડિંગની આશંકાઓ બાદ આ દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ કમિશનર સંદીપ કાર્નિકે સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર ઉઠેલા સવાલો અને ગંભીર આરોપોને પગલે રાજ્યના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ (SID), એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને (NIA) પત્રો લખવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી આ બાબતના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, પરંતુ તમામ પાસાંની ઊંડી તપાસ ચાલુ છે.

પોલીસે આ સમગ્ર નેટવર્કને તોડવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની (SIT) રચના કરી છે. તપાસ દરમિયાન આરોપીઓનાં ઈમેઈલ, ચેટ રેકોર્ડ્સ અને બેન્ક ટ્રાન્ઝેક્શનની ચકાસણી કરવામાં આવી રહી છે. શરૂઆતમાં યુવતીઓ ડરના કારણે સામે આવતી નહોતી, પરંતુ મહિલા પોલીસ અધિકારીઓના કાઉન્સેલિંગ બાદ અનેક પીડિતાઓએ પોતાની આપવીતી જણાવી છે, જેનાથી આરોપીઓ વિરુદ્ધ કેસ મજબૂત બન્યો છે.