
બિહારના મુઝફ્ફરપુરમાં એક હોસ્પિટલના ICUમાં આગ લાગતાં ત્રણ દર્દીઓનાં મોત થયાં છે, જ્યારે અન્ય અમુક ઈજાગ્રસ્ત થયા છે, જેમને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટના ગુરુવારે (4 જૂન) વહેલી સવારે બની હતી. હોસ્પિટલના બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો બહાર આવતો દેખાયો જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગની ટીમે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય રહ્યું છે. જોકે આ બાબતે વિગતવાર તપાસ થશે અને ચોક્કસ કારણ ત્યારપછી જ જાણી શકાશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હોસ્પિટલના ICUમાં ઑક્સિજન યુનિટ અને મોનિટર સિસ્ટમમાં શોર્ટ સર્કિટ થઈ હોય શકે.
Muzaffarpur, Bihar: At least three people lost their lives, and several others sustained injuries after a massive fire at a private hospital located under the jurisdiction of the Brahampura police station area in Muzaffarpur.
— IANS (@ians_india) June 4, 2026
(Visuals from the hospital) pic.twitter.com/VeR7xsZOB0
જિલ્લા કલેક્ટર સુબ્રત કુમાર સેને જણાવ્યું કે આગ લાગી ત્યારે હોસ્પિટલમાં કેટલા દર્દીઓ દાખલ હતા અને તેમની સ્થિતિ શું છે તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. મૃતકોના સ્વજનોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ અમુક પરિવારોએ હોસ્પિટલ પર આરોપ લગાવ્યો છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર એક પરિવારે કહ્યું કે તેમના એક સભ્યનું મૃત્યુ થયું છે પરંતુ હોસ્પિટલ સ્ટાફ મૃતદેહ આપી રહ્યો નથી તો અમુકે આરોપ લગાવ્યો કે આગ લાગ્યા બાદ હોસ્પિટલનો સ્ટાફ ભાગી ગયો હતો. ઉપરાંત ફાયર વિભાગની ટીમ પહોંચી ત્યારે પણ હોસ્પિટલમાંથી ત્યાં કોઈ ન હતું.
લગભગ 24 કલાક પહેલાં જ દિલ્હીના માલવીય નગરમાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગી ગઈ હતી, જેમાં 21 લોકોનાં મોત થયાં હતાં. હવે બિહારમાં હોસ્પિટલમાં આવી ઘટના સામે આવી છે.

