Friday, November 22, 2024
More

    લાખો ખેડૂતોનું સમર્થન હોવાનો દાવો કરનાર ‘ખેડૂત નેતા’ને મળ્યા માત્ર 1170 મત: કૃષિ આંદોલન કરનાર ગુરનામ સિંહ ચઢૂનીની જમાનત પણ જપ્ત

    વર્ષ 2020-2021 દરમિયાન કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનમાં હરિયાણાના ખેડૂત નેતા તરીકે ઉભરી આવેલા ગુરનામ સિંહ ચઢૂનીની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ છે. તેઓએ માત્ર 1170 મત મળ્યા હતા અને તેમની જમાનત પણ જપ્ત થઈ હતી.

    નોંધનીય છે કે ગુરનામ સિંહ ચઢૂની આમ તો ખૂબ બણગાં ફૂંકતા હતા કે તેઓ એક મોટા ખેડૂત નેતા છે અને દેશના-હરિયાણાના લાખો ખેડૂતો તેમની પાછળ ઊભા છે. જેના સહારે તેમણે ચૂંટણીમાં ફોરમ તો ભરી દીધું. પરંતુ પરિણામ આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેમની પાછળ લાખો તો ઠીક, એક હજાર મત મેળવવા અઘરા થઈ પડ્યા હતા.

    ચઢૂની હરિયાણાના પેહોવા મતવિસ્તારમાંથી ચૂંટણી લડીને માત્ર 1,170 મત મેળવી શક્યા અને પાંચમા સ્થાને રહ્યા. ખેડૂતોના વિરોધને પગલે ભારે ખ્યાતિ મેળવવા છતાં, ચઢૂની તેમની લોકપ્રિયતાને ચૂંટણીમાં સફળતામાં ફેરવવામાં નિષ્ફળ ગયા.