Tuesday, April 15, 2025
More

    નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા-રાહુલ ગાંધી વિરુદ્ધ EDએ દાખલ કરી ચાર્જશીટ, સેમ પિત્રોડાનું પણ નામ

    નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ (National Herald Money Laundering Case) કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ ચીફ સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.

    15 એપ્રિલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસના મુખપત્ર ‘નેશનલ હેરાલ્ડ’ સંબંધિત કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. નોંધનીય છે કે એક દિવસ પહેલાં જ તપાસ એજન્સીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે જોડાયેલી કંપની AJLની (એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ) ₹700 કરોડની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

    જેમાં રાષ્ટ્રીય રાજધાનીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પર સ્થિત પ્રતિષ્ઠિત હેરાલ્ડ હાઉસનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ છે. કોર્ટે 25 એપ્રિલના રોજ દલીલોની સુનાવણી નક્કી કરી છે.

    નેશનલ હેરાલ્ડ ‘યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ’ની માલિકીનું છે. જેમાં સોનિયા અને રાહુલનો હિસ્સો 38-38% છે. એટલે કે, તે બંને આ કંપનીમાં બહુમતી શેરધારકો છે. આ કંપની સામે મની લોન્ડરિંગના કેસમાં તપાસ ચાલી રહી છે.

    હરિયાણાના સિકોપુરમાં જમીન સોદા સાથે સંબંધિત કેસમાં સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની પણ પૂછપરછ કરવામાં આવી છે. રોબર્ટ વાડ્રા તેમના સમર્થકો સાથે ઓફિસ પહોંચ્યા, જ્યાં મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.