Saturday, April 12, 2025
More

    પૂર્વોત્તરના ભારતીય રાજ્યો પરના બાંગ્લાદેશી યુનુસના નિવેદનની આસામ CM સરમાએ કરી આકરી ટીકા: કહ્યું- ચિકન નેક વિસ્તારમાં મજબૂત કનેક્ટિવિટીની જરૂર

    આસામના (Assam) મુખ્યમંત્રી (CM) હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) બાંગ્લાદેશની (Bangladesh) નવી સરકારના વડા મોહમ્મદ યુનુસના (Md Yunus) પૂર્વોત્તર ભારતીય રાજ્યોની (Northest Indian States) ભૌગોલિક નબળાઈઓ અંગેના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. આ પહેલાં ચીન જઈને યુનુસે દાવો કર્યો હતો કે, બાંગ્લાદેશ આ સેવન સિસ્ટર રાજ્યો માટે સમુદ્રી પહોંચનું રક્ષક છે. તેણે વધુમાં કહ્યું હતું કે, આ રાજ્યો ચારે તરફથી જમીનથી ઘેરાયેલા છે અને તેની કનેક્ટિવિટી પણ મર્યાદિત છે. તેનો ઉપયોગ ચીનની અર્થવ્યવસ્થાના વિસ્તાર તરીકે કરવામાં આવવો જોઈએ.

    મોહમ્મદ યુનુસના આ નિવેદન પર CM હિમંતા સરમાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, “બાંગ્લાદેશની કથિત વચગાળાની સરકારના મોહમ્મદ યુનુસ દ્વારા આપવામાં આવેલું નિવેદન, જેમાં પૂર્વોત્તર ભારતના સેવન સિસ્ટર રાજ્યોને જમીનથી ઘેરાયેલા ગણાવ્યા છે અને બાંગ્લાદેશને તેના સમુદ્રી પહોંચના સંરક્ષક તરીકે રજૂ કરવામાં આવ્યું છે, તે ખૂબ અપમાનજનક અને સખત ટીકાપાત્ર છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “આ ટિપ્પણી ભારતના વ્યૂહાત્મક ‘ચિકન નેક’ કોરિડોર સાથે સતત સંકળાયેલી નબળાઈને રેખાંકિત કરે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “ઐતિહાસિક રીતે, ભારતના આંતરિક તત્વોએ પણ ખતરનાક રીતે આ મહત્વપૂર્ણ માર્ગને કાપીને પૂર્વોત્તરને મુખ્ય ભૂમિથી ભૌતિક રીતે યાલઃ કરવાનું સૂચન આપ્યું છે.”

    આસામના મુખ્યમંત્રીએ વધુમાં ભાર મૂક્યો કે, ચિકન નેક કોરિડોરની નીચે અને આસપાસ એક મજબૂત રેલવે અને રોડ નેટવર્ક સિવાય આ સાંકડી પટ્ટીને બાયપાસ કરતા વૈકલ્પિક માર્ગો વિકસાવવા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે અને નોંધપાત્ર એન્જિનિયરિંગ પડકારો હોવા છતાં તેને પ્રાથમિકતા આપવી જોઈએ. સરમાએ કહ્યું કે, યુનુસના નિવેદનને ભારતે હળવાશથી લેવું જોઈએ નહીં.