કર્ણાટકમાં હિંદુ કાર્યકર્તાની હત્યા મામલે મુખ્ય આરોપી સહિત 8ની ધરપકડ: સરાજાહેર કટ્ટરપંથી ટોળાંએ ઝીંક્યા હતા હથિયારોના ઘા

કર્ણાટકના મેંગલુરુમાં હિંદુ કાર્યકર્તાની હત્યાને લઈને તપાસ ચાલી રહી છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 8ની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. 8 આરોપીઓની ધરપકડ બાદ હવે તપાસ પણ તેજ કરવામાં આવી છે. ગુરુવારે (1 મે) મેંગલુરુમાં સરજાહેરમાં હિંદુ કાર્યકર્તા સુહાસ શેટ્ટીની હત્યા કરવામાં આવી હતી.

હિંદુ કાર્યકર્તાની હત્યાને લઈને ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. જેના કારણે પોલીસે વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશો પણ જારી કર્યા છે. આ સાથે જ જાહેર પરિવહન પણ અટકાવી દેવામાં આવ્યું છે અને વિસ્તારોમાં ભારે સુરક્ષાદળો પણ તહેનાત કરવામાં આવ્યા છે. હાલ આ કેસને લઈને તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે, ગુરુવારે 1 મેની રાત્રે,કર્ણાટકના મેંગલુરુ શહેરના બાજપે વિસ્તારમાં એક કટ્ટરવાદી ટોળાએ એક હિંદુ એક્ટિવિસ્ટની હત્યા કરી હતી. મેંગલુરુ પોલીસના જણાવ્યા અનુસાર, આ હિંદુ યુવાન 5 મિત્રો સાથે કારમાં મુસાફરી કરી રહ્યો હતો. તે દરમિયાન તેને પિકઅપ વાહન અને કારમાં આવેલા હુમલાખોરોના ટોળાંએ અટકાવીને હુમલો કરી દીધો હતો.