પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics) આમતો શરૂ થયું ત્યારથી જ વિવાદોમાં છે. ઓપનિંગ સેરેમનીમાં ‘વોક’ કલ્ચરને પ્રમોટ કરવાના ચક્કર બાદ આખા વિશ્વમાં તેનો વિરોધ થયો હતો. પરંતુ વર્તમાન સમયમાં થયેલી એક બોક્સિંગ મેચે (Boxing Match) પેરિસ ઓલિમ્પિક 2024 પર સવાલો ઉભા કરી દીધા છે. વિવાદ ત્યારે થયો જયારે એક મહિલા બોક્સર માત્ર 46 સેકંડમાં મેચ છોડીને રડતા-રડતા રિંગ છોડી દે છે. આ આખી ઘટના અલ્જેરિયાની બોક્સર ઈમાન ખેલીફ સાથે જોડાયેલો છે, આ એ જ ખેલાડી છે જે ગયા વર્ષે મેડીકલ તપાસમાં ફેલ થઇ હતી.
ગુરુવારે (1 જુલાઈ 2024) પેરિસ ઓલિમ્પિક બોક્સિંગ ફાઈટમાં અલ્જેરિયાની બોક્સર ઈમાન ખેલીફ (Algerian boxer Imane Khelif) અને ઈટલીની એન્જેલા કારિની (Italian boxer Angela Carini) વચ્ચે મેચ હતી. 66 કિલોની કેટેગરીની આ મેચમાં ઈટાલીયન બોક્સર 1 મિનીટ પણ ન ટકી શકી. માત્ર 46 સેકન્ડમાં જ તેમણે રડતા-રડતા રિંગ છોડી દીધી. ઈમાનને વિજેતા ઘોષિત કરી દેવામાં આવી અને તે આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ. બીજી તરફ ઈટાલીયન બોકસરે તેની સાથે હાથ પણ ન મિલાવ્યો અને રિંગમાં બેસીને જ રડવા લાગી. બસ આ મેચ બાદ જ પેરિસ ઓલિમ્પિક વિવાદોમાં છે.
આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ઈમાન ખેલીફ એક ટ્રાન્સજેન્ડર (Transgender) છે. ઇટાલિયન બોકસરે પણ મીડિયા સામે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ પ્રકારના પંચ ક્યારેય નથી પડ્યા. એન્જેલાએ મેચ બાદ કહ્યું હતું કે, “મારા જીવનમાં મેં ક્યારેય આવો પંચ નથી ખાધો.હું એક વોરિયર છું, હું મારા પિતાના સન્માન માટે રિંગમાં ઉતરી હતી. પણ મારી સેફટીને ધ્યાનમાં રાખીને મેં પાછળ હટવું યોગ્ય સમજ્યું. આ મેચ વાજબી કે ગેર વાજબી છે તે નક્કી કરવાનું કામ મારું નથી. મેં માત્ર મારું કામ કર્યું. મારા નાકમાં ખૂબ જ દુખાવો છે. આટલા બહોળા અનુભવો છતાં પણ હું એમ કહીશ કે આ પ્રકારનો પંચ મેં ક્યારેય નથી ખાધો.”
મેડિકલ તપાસમાં થયો હતો ખુલાસો
બીજી તરફ અનેક લોકો દાવો કરી રહ્યા છે કે ખેલીફ ટ્રાન્સજેન્ડર (પુરુષમાંથી મહિલા બનવું, કે મહિલામાંથી પુરુષ) છે અને તે પુરુષમાંથી મહિલા બની છે. આ દાવો કરવા પાછળનું કારણ છે તેના ગત વર્ષની મેચમાં ડિસ્ક્વોલિફાય થવું. ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેને ગોલ્ડ મેડલ મેચથી પહેલા-પહેલા જ અયોગ્ય ઘોષિત કરવામાં આવી હતી.
મેડિકલ તપાસમાં સામે આવ્યું હતું કે, તેનામાં ટેસ્ટોસ્ટેરોનનું (Testosterone) સ્તર ખૂબ જ વધારે હતું. સામાન્ય રીતે પુરુષોમાં આ લેવલે ટેસ્ટોસ્ટેરોન જોવા મળે છે. આટલું જ નહીં, તેમના DNAમાં પણ XY ક્રોમોઝોમ્સ (Chromosomes) મળી આવ્યા હતા. અહીં નોંધવું જોઈએ કે XX ક્રોમોઝોમ્સ સ્ત્રીઓમાં હોય છે અને XY પુરુષોમાં. આ કારણે જ તેને દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપ મેચમાં ડિસ્ક્વોલિફાય કરાઈ હતી. દુનિયાભરના લોકો ઓલમ્પિક કમિટીને સવાલ પૂછી રહ્યા છે કે આખરે શા માટે એક મહિલા બની બેઠેલા પુરુષને મહિલા સામે લડાવવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં લોકો ઈટલીની એન્જેલાના સપોર્ટમાં
બીજી તરફ આ મેચ બાદ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)એ પણ ઓલમ્પિક કમિટી (IOC) પર સવાલ ઉભા કર્યા છે. IBAએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે IOC નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ મામલે ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે, “મને લાગે છે કે જે ખેલાડીઓમાં પુરુષ આનુવંશિક વિશેષતાઓ છે, તેમને મહિલાઓની પ્રતિયોગીતાઓમાં પ્રવેશ ન આપવો જોઈએ. તેનું કારણ ભેદભાવ નહીં, પરંતુ ખેલાડીઓને સમાન રીતે પ્રતિસ્પર્ધા કરવામાં સક્ષમ હોવાના અધિકારોનું રક્ષણ કરવું છે.” બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ લોકો આ મેચની નિંદા કરીને અલ્જેરિયાની ઈમાન ખેલીફ અને ઓલમ્પિક કમિટીનો વિરોધ કરી રહ્યા છે.