Friday, September 20, 2024
More
    હોમપેજદુનિયાપેરાલમ્પિક્સમાં આજ સુધીના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ભારતને નામ નવો વિક્રમ, 20 મેડલ...

    પેરાલમ્પિક્સમાં આજ સુધીના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ભારતને નામ નવો વિક્રમ, 20 મેડલ જીતતાં જ તોડ્યો ટોક્યો પેરાલમ્પિક્સનો પોતાનો રેકોર્ડ: પેરા એથ્લેટિક્સમાં ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન 

    પેરાલમ્પિક્સ ગેમ્સ 2024માં ભારત મેડલના પોઈન્ટ ટેબલમાં 19મા સ્થાન પર છે. જેમાં 3 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    હાલ પેરિસમાં ચાલી રહેલી પેરાલમ્પિક્સ રમત સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. મંગળવારે (3 સપ્ટેમ્બર) સાંજ સુધીમાં ભારતના કુલ મેડલનો આંકડો 20 પર પહોંચ્યો હતો, જેની સાથે એક રેકોર્ડ પણ સર્જાયો છે. ભારતે પેરાલમ્પિક્સમાં કુલ મેડલ મામલે ટોક્યો ઓલમ્પિક્સ, 2020નો પોતાનો રેકોર્ડ તોડી દીધો છે. ટોક્યોમાં 19 મેડલ જીત્યા હતા, જે આજ સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું, પરંતુ આ રેકૉર્ડ હવે 2024માં તૂટી ચૂક્યો છે. 

    પેરાલમ્પિક્સ ગેમ્સ 2024માં ભારત મેડલના પોઈન્ટ ટેબલમાં 19મા સ્થાન પર છે. જેમાં 3 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પહેલા સ્થાને ચીન 53 ગોલ્ડ અને કુલ 115 મેડલ સાથે છે. બીજા પર બ્રિટન કુલ 61 મેડલ સાથે અને ત્રીજા સ્થાને US 53 મેડલ સાથે છે. 

    ભારતીય ખેલાડીઓએ સોમ અને મંગળવારે કુલ 13 મેડલ જીત્યા હતા, જેની સાથે આંકડો 20 પર પહોંચી ગયો. કુલ મેડલમાંથી અડધા મેડલ ભારતે પેરાએથ્લેટિક્સમાં જીત્યા છે. પેરા બેડમિન્ટનમાં પણ 5 મેડલ મળ્યા. જ્યારે શૂટિંગમાં 4 અને એક તીરંદાજીમાં મળ્યો છે. 

    - Advertisement -

    મંગળવારે ભારતે કુલ પાંચ પદક જીત્યાં હતાં. દીપ્તિ જીવનજીએ વિમેન્સ 40૦ મીટર ટી20 કેટેગરીમાં કાંસ્ય પદક જીતીને ભારત માટે દિવસનું ખાતું ખોલાવ્યું હતું. ત્યારબાદ મેન્સ જેવલિન થ્રો એફ46 ફાઇનલમાં ભારતને બે પદક મળ્યાં. જેમાં અજીત સિંહે 65.62 મીટરનો થ્રો ફેંકીને સિલ્વર મેડલ મેળવ્યો અને સુંદર સિંહ ગુર્જરે 64.96 મીટર થ્રો સાથે કાંસ્ય પદક મેળવ્યું. 

    ભારતીય ખેલાડીઓએ અમુક જ રમતોમાં ભાગ લીધો છે, પરંતુ જેમાં ભાગ લીધો તેમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પેરાએથ્લેટિક્સમાં પહેલી વખત એક જ સ્પર્ધામાં ભારતે બે મેડલ જીત્યા. મેન્સ હાઇ જમ્પ ટી63 ફાઇનલમાં 2 પદક મળ્યાં. શરદ કુમારે 1.88 મીટર જંપ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે ટોક્યોમાં બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે મરિયપ્પન તંગાવેલુને 1.85 મીટરના જંપ સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો. આમ દિવસના કુલ 5 મેડલ ભારતે જીત્યા હતા. 

    અહીં ઉલ્લેખનીય છે કે દર વખતે ઓલમ્પિક્સના સમાપન બાદ તરત પેરાલમ્પિક્સનું આયોજન કરવામાં આવે છે.  જેમાં દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લે છે. પેરિસ ઓલમ્પિક્સ 26  જુલાઈથી 11 ઑગસ્ટ સુધી રમાયો હતો. જેમાં ભારતીય ખેલાડીઓએ 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ સાથે કુલ 6 મેડલ મેળવ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં