Friday, November 22, 2024
More
    હોમપેજદેશપેરિસ પેરાલમ્પિક્સમાં સુમિત અંતિલે ફેંકેલો ભાલો ગોલ્ડને આંબ્યો, તીરંદાજોની મિક્સ ટીમે પણ...

    પેરિસ પેરાલમ્પિક્સમાં સુમિત અંતિલે ફેંકેલો ભાલો ગોલ્ડને આંબ્યો, તીરંદાજોની મિક્સ ટીમે પણ મેળવ્યો બ્રોન્ઝ: ભારતના ખાતે કૂલ 14 પદક

    પેરિસ પેરાલમ્પિક્સમાં ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ મેળવીને સુમિત અંતિલે નવો વિક્રમ સ્થાપ્યો છે. તેમણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ફરી એક વાર સુવર્ણ પદક પોતાના નામે કરીને તેમણે દેશનું ગૌરવ વધાર્યું છે.

    - Advertisement -

    પેરિસ પેરાલમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓ દેશનું માન વધારી રહ્યા છે. તાજેતરમાં જ સુમિત અંતિલે F64 કેટેગરીની મેન્સ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ દેશના નામે કર્યો છે. તેમણે બીજા પ્રયાસમાં 70.59 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિત અંતિલનો આ થ્રો પેરાલિમ્પિક ગેમ્સ (F64 શ્રેણી)ના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ થ્રો હતો. સુમિતને ગોલ્ડ મળતા જ ભારતે તેનો 14મો મેડલ પોતાના નામે કર્યો છે. પેરિસ પેરાલમ્પિક્સમાં ખેલાડીઓએ અત્યાર સુધીમાં દેશને 3 Gold, 5 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ્સ અપાવી દીધા છે.

    ઉલ્લેખનીય છે કે, પેરિસ પેરાલમ્પિક્સમાં ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવીને સુમિત અંતિલે નવો વિક્રમ સ્થાપ્યો છે. તેમણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ફરી એકવાર સુવર્ણ પદક પોતાના નામે કરીને તેમણે દેશનું ગૌરવ વધાર્યું છે. ફાઈનલ મેચમાં આખા વિશ્વએ સુમિતના દબદબાને જોયો છે. વડાપ્રધાન મોદીએ પણ તેમની આ ઉપલબ્ધી પર શુભકામનાઓ પાઠવી હતી.

    વડાપ્રધાને સુમિત અંતિલને અભિનંદન પાઠવ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાલા ફેંકમાં સુવર્ણ પદક મેળવવા પર સુમિતને શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરીને સુમિતના પ્રદર્શનને અસાધારણ ગણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, તેમણે અસાધારણ નિરંતરતરતા અને ઉત્કૃષ્ટતા દર્શાવી છે. વડાપ્રધાન મોદીએ તેમને આગામી પ્રયાસો માટે પણ શુભકામનાઓ પાઠવી હતી.

    - Advertisement -

    મિકસ્ડ ટીમ કમ્પાઉન્ડ ઓપન આર્ચેરીમાં શિતલદેવી અને રાકેશ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો

    ઉલ્લેખનીય છે કે, પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં તમામ ખેલોમાં ભારતીય ખેલાડીઓ ખૂબ જ ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે. ભાલા ફેંકમાં ગોલ્ડ મેળવવા સાથે-સાથે તીરંદાજીમાં પણ ખેલાડીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે. ખેલાડી શીતલ દેવી અને રાકેશ કુમારની મિક્સ ટીમે જોરદાર પ્રદર્શન કરીને ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. તેમની ટીમે 156નો સ્કોર બનાવ્યો હતો, જ્યારે ઈટાલીની ટીમ 155નો સ્કોર બનાવી શકી હતી.

    શરૂઆતમાં ચિંતાજનક પ્રદર્શન બાદ તેમણે તેમના પ્રદર્શનથી તમામને ચોંકાવી દીધા હતા. શીતલ દેવી અને રાકેશ કુમારે ગેમમાં 10-10નો સ્કોર કર્યો હતો. અંતે તેમને ઈટાલિયન ટીમ કરતા એક પોઈન્ટથી લીડ લેવામાં સફળતા મળી હતી.

    વડાપ્રધાને બંનેને પણ અભિનંદન પાઠવ્યા

    શીતલ અને રાકેશ કુમારની ટીમનું પ્રદર્શન જોઇને વડાપ્રધાન મોદીએ તેમને પણ શુભેચ્છા પાઠવી હતી. પોતાના આધિકારિક X હેન્ડલ પર તેમણે લખ્યું કે, “ટીમ વર્કની જીત, શીતલ દેવી અને રાકેશ કુમારને મિક્સ્ડ કમ્પાઉન્ડ તીરંદાજીમાં કાંસ્ય પદક મેળવવા બદલ અભિનંદન. તેમણે નિપુણતા અને દૃઢ સંકલ્પનું ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ભારત આ ઉપલબ્ધીથી પ્રસન્ન છે.”

    પેરિસ પેરાલમ્પિક્સમાં ભારતનો દબદબો

    માત્ર આ બે રમતો જ નહીં, ભારતીય ખેલાડીઓ પેરાલમ્પિક્સમાં તમામ રમતોમાં પોતાનું કાંડાબળ દેખાડી રહ્યા છે. ભારતીય બેડમિંટન ખેલાડી તુલસીમતિ મુરુગેસન અને મનીષા રામદાસે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તુલસીમતિએ સિલ્વર અને મનીષાએ કાંસ્ય મેડલ મેળવ્યો હતો. મહત્વનું છે કે મનીષા માત્ર 19 વર્ષના છે. તેઓ પેરાલમ્પિક્સમાં મેડલ જીતનારા પ્રથમ ભારતીય મહિલા બેડમિંટન ખેલાડી બન્યા છે. તેમણે ડેનમાર્કનના કેથરીન રોસેનગ્રેનને 21-12, 21-8થી હરાવી કાંસ્ય મેડલ હાંસલ કર્યો. વડાપ્રધાને તુલસીમતિ મુરુગેસન અને મનીષા રામદાસને અભિનંદન પાઠવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં