ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને સતત ત્રીજીવાર એશિયલ ક્રિકેટ કાઉન્સિલના (ACC) અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તેમણે આ પદ પર જ બે ટર્મ પૂરી કરી છે અને ACCના ચેરમેન તરીકે આ તેમની ત્રીજી ટર્મ હશે. બુધવારે (32 જાન્યુઆરી) મળેલી એન્યુઅલ જનરલ મિટિંગમાં જય શાહનો કાર્યકાળ સર્વાનુમતે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. જય શાહ સતત ત્રીજીવાર ACCના અધ્યક્ષ તરીકે ચૂંટાયા તે વિશેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.
ઈન્ડોનેશિયાના બાલીમાં મંગળવારથી (30 જાન્યુઆરી) ACCની સામાન્ય સભા શરૂ થઈ હતી. જે બુધવારે (31 જાન્યુઆરી) સમાપ્ત થઈ છે. આ બેઠક 2 દિવસ ચાલી હતી. જેમાં ACCના અધ્યક્ષ પદ પર કોને બેસાડવા એ અંગેની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. જે બાદ સર્વાનુમતે ACC અધ્યક્ષ તરીકે જય શાહને ત્રીજીવાર દોર સોંપવામાં આવી છે. શ્રીલંકા ક્રિકેટના (SLC) પ્રમુખ શમ્મી સિલ્વા દ્વારા જય શાહના કાર્યકાળના વિસ્તરણની દરખાસ્ત કરવામાં આવી હતી અને આ દરખાસ્તને ACCના તમામ સભ્યોએ સર્વસંમતિથી સમર્થન આપ્યું હતું.
જય શાહે જાન્યુઆરી, 2021માં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાસેથી ACCની કમાન સંભાળી હતી. જે બાદ હવે જય શાહ ACCના અધ્યક્ષ પદે ફરીથી નિયુકત થનારા સૌથી નાની વયના પ્રશાસક બન્યા છે. શાહના નેતૃત્વમાં ACCએ સમગ્ર એશિયાઈ વિસ્તારમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા અને વિકસિત કરવામાં મહત્વપૂર્ણ પ્રગતિ હાંસલ કરી છે. ACCએ 2022માં T20 ફોર્મેટમાં અને 2023માં ODI ફોર્મેટમાં એશિયા કપનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં મુખ્ય ક્રિકેટ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં એશિયાની સંભવિતતા દર્શાવવામાં આવી હતી.
શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વાએ જય શાહની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, જય શાહે સમગ્ર એશિયાઈ ક્ષેત્રમાં ક્રિકેટના પ્રચાર અને વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ માટે ACCને અગ્રેસર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના માર્ગદર્શન હેઠળ, ACCએ બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ક્રિકેટ મહાસત્તાઓમાં નવી પ્રતિભાઓને ઉજાગર કરવામાં અને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.