ચીનના હાંગઝોઉમાં યોજાયેલી 19મી એશિયન ગેમ્સનો રવિવારે (24 સપ્ટેમ્બરે) પ્રથમ દિવસ છે. ભારતીય ખેલાડીઓ આજે બોક્સિંગ, ક્રિકેટ, શૂટિંગ, સેલિંગ (નૌકાયન), ફેન્સિંગ (તલવારબાજી), અને રોઇંગ જેવી ઇવેન્ટ્સમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરવાના છે. સાથે જ ભારતે 19મી એશિયન ગેમ્સમાં મેડલો જીતવાની શુભ શરૂઆત પણ કરી દીધી છે. પ્રથમ દિવસે જ ભારતે 5 મેડલ મેળવી પણ લીધા છે. જેમાં પ્રથમ મેડલ શૂટિંગમાં મળ્યું હતું. મેહુલી ઘોષ, આશી ચૌકસે અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. આ દરમિયાન તેમનો કુલ સ્કોર 1886.0 રહ્યો હતો. એ સિવાય ભારતને બીજો સિલ્વર મેડલ પુરુષોની રોઇંગમાં પણ મળ્યો છે.
રોઇંગમાં પુરુષોની લાઇટવેટ ડબલ્સ સ્કલ્સમાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે સિલ્વર મેડલ જીત્યો છે. આ જોડી 6:28.18 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી છે. આ સિવાય ત્રીજો મેડલ પણ રોઇંગમાં જ મળ્યો છે. બાબુ લાલ યાદવ અને રામ લેખે મેન્સ ડબલ્સની ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ સિવાય એક મેડલ શૂટિંગમાં મળ્યો છે. રમિતાએ વિમેન્સ 10 મીટર એર રાઇફલ્સમાં બ્રોન્ઝ જીત્યો છે. જ્યારે અન્ય એક બ્રોન્ઝ મેડલ રોઇંગમાં મળ્યો છે.
#BREAKING | India's medal tally at Asian Games reaches 5.
— Republic (@republic) September 24, 2023
Shooter Ramita Jindal wins bronze in women's 10m air rifle individual event.#AsianGames #India
Tune in – https://t.co/6CjsNJ9CEq pic.twitter.com/6MeQwPHgs0
આમ ભારતે આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કુલ પાંચ મેડલ નામે કરી દીધા છે. બીજી તરફ ક્રિકેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે.
એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ દિવસે ખૂબ સારી શરૂઆત કરી એ ઉપરાંત મહિલા ક્રિકેટ ટીમે પણ રંગ રાખ્યો છે. ભારત-બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમની ટક્કરમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ભારતની ટીમે કુશળ બોલિંગ કરીને બાંગ્લાદેશની ટીમને 51 રન પર ઓલઆઉટ કરી હતી. ભારતની ટીમે 52 રનનો ટાર્ગેટ પૂર્ણ કરીને તેમાં પણ જીત મેળવી લીધી છે. આ મેચ લો સ્કોરિંગ હતી, જેમાં ભારતે 8 વિકેટથી બાંગ્લાદેશને હરાવ્યું છે. આ સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સિલ્વર મેડલ તો પોતાના નામે હમણાંથી જ કરી દીધો છે. ફાઇનલ મેચમાં ભારતનો સામનો કોની સાથે થશે એ હજુ સુધી નક્કી થયું નથી.
હવે પછીની બોક્સિંગની રમતમાં પણ ભારત તરફથી ખેલાડીઓ રમવાના છે. બોક્સિંગ રમત ભારતીય સમય અનુસાર 11.45 AM કલાકે યોજાશે. જેમાં મહિલાઓના 54 કિલોગ્રામ વર્ગના રાઉન્ડ ઑફ 16માં ભારત તરફથી પ્રીતિ રાવત પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. જ્યારે 50 કિલોગ્રામના રાઉન્ડ ઑફ 32માં સાંજે 4.30 કલાકે નિખત જરીન રિંગમાં ઉતરશે.