શ્રાવણ મહિનો ચાલુ થાય અને સનાતનના પવિત્ર તહેવારો પણ એક પછી એક શરૂ થઇ જાય. તેમાં પણ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન પણ આ શ્રાવણ મહિનામાં જ આવે છે. દર શ્રાવણની પુનમના દિવસે આપણે બધા બહેનો પાસે રાખડી બંધાવીને પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ. પરંતુ દુખ સાથે સ્વીકારવું પડે કે દેવેન્દ્ર-શચી અને બલી રાજા સાથે જોડાયેલા પૌરાણિક આ હિંદુ તહેવારને લઈને કેટલાક લોકો પોતેતો ભ્રમમાં રહે છે અને અન્યોને પણ ભરમાવે છે. આવું જ એક ઉદાહરણ છે રાજ્યસભા સાંસદ સભ્ય સુધામૂર્તિ. તેમણે તાજેતરમાં જ એક X પોસ્ટ કરીને રક્ષાબંધનના ઈતિહાસ વિશે કહ્યું છે કે અક્રાંતા હુમાયુને રાણી કર્ણાવતી દ્વારા રાખડી મોકલવામાં આવી હતી. તેવામાં રક્ષાબંધનનો સાચો ઈતિહાસ ઉજાગર થવી અનિવાર્ય થઈ પડે છે.
તે ઈતિહાસને ઉજાગર કરતી એક ચર્ચા, ‘બૃહત’ નામની YouTube ચેનલ પર કરવામાં આવી હતી. કવિતા કૃષ્ણ મીગામાએ હિંદુ સાહિત્યના જાણકાર એવા ડૉ. શ્રીનિવાસ જમ્માલમદકા સાથે કરેલી આ ચર્ચામાં રક્ષાબંધનની પવિત્રતા, તેના ઈતિહાસ અને પૌરાણિક મહત્વતા વિશે અનેક માહિતીઓ આપવામાં આવી છે. તેમણે રક્ષાબંધન વિશે એવી અઢળક વાતો જણાવી હતી કે જેના વિષે મોટાભાગના લોકોને નહીં ખબર હોય. આપણે પણ એ જ ચર્ચા પરથી સમજવાનો પ્રયત્ન કરીશું કે રક્ષાબંધનનો સાચો ઈતિહાસ શું છે અને શા માટે તે હિંદુ ધર્મમાં પવિત્ર તહેવાર પૈકીનો એક તહેવાર છે.
ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધનને જુદા-જુદા પ્રદેશોમાં અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. ‘શ્રી કામેશ્વરી ફાઉન્ડેશન’ના સહસ્થાપક અને ‘સિદ્ધાંત નોલેજ ફાઉન્ડેશન’ સાથે સંકળાયેલા ડૉ.શ્રીનિવાસે જણાવ્યું છે કે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ અને તામિલનાડુ જેવા કેટલાક ભાગોમાં આ તહેવાર અગાઉ આટલો લોકપ્રિય નહોતો. તેમણે કહ્યું કે રક્ષાબંધન એ માત્ર એક સાંસ્કૃતિક પ્રથા જ નહીં પરંતુ એક ધાર્મિક તહેવાર પણ છે જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ‘ભવિષ્ય પુરાણ’ના ઉત્તર-પર્વમાં પણ તેનો ઉલ્લેખ છે.
ચર્ચામાં તેમણે જણાવ્યું છે કે, મહર્ષિ વેદ વ્યાસે કુરુક્ષેત્ર યુદ્ધ પછી શ્રીકૃષ્ણને યુધિષ્ઠિરને વ્રત માટે માર્ગદર્શન આપવા કહ્યું હતું, જેથી તેમનાથી જે પણ પાપ થયા હોય તેનો નાશ થાય. આ કથામાં રક્ષાબંધનનો પણ ઉલ્લેખ છે. એ જ રીતે ચક્રવ્રતી મહારાજ બલીનો પણ ઉલ્લેખ છે, જેમને ઇન્દ્રએ હરાવ્યા પછી તે કારણ જાણવા ગુરુ શુક્રાચાર્ય પાસે પહોંચ્યા હતા. શુક્રાચાર્યને જાણ થઇ કે ઇન્દ્રની પત્ની શચી તેના પતિને રાખડી બાંધે છે, તેથી ઇન્દ્ર અજેય છે. શુક્રાચાર્યએ બલી રાજાને 1 વર્ષ સુધી આક્રમણ ન કરવા કહ્યું અને શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને સમજાવ્યું કે શ્રાવણ પૂર્ણિમાના પર્વ પર ઉપવાસ કરવો જોઈએ.
ચર્ચામાં તેમણે કહ્યું કે રક્ષાબંધન એ માત્ર ભાઈ-બહેનનું જ નહીં પરંતુ અન્ય મહત્વપૂર્ણ સંબંધોમાં પણ મહત્વ ધરાવતો તહેવાર છે. તેમણે કહ્યું કે આ દિવસે મધ્યાહ્ન કાળ પછી રાજાએ પોતાના મંત્રીઓ સાથે બેસવું જોઈએ અને પુરોહિતોએ તે તમામની રક્ષા માટે ઉપવાસ કરવા જોઈએ. તેમણે કહ્યું કે રામટેકના ગઢમંદિરના પૂજારીઓ તે દિવસે આવતા દરેક ભક્તોની રક્ષા માટે ઉપવાસ કરે છે. આ પ્રથા તેમના પૂર્વજોના સમયથી ચાલી આવી છે, શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ છે. ચર્ચામાં તેમણે સમજાવ્યું હતું કે, રક્ષાબંધન એ માત્ર શારીરિક રક્ષા જ નહીં, માનસિક સાથ આપવાનો તહેવાર છે.
ડો.શ્રીનિવાસે આ વિડીયોમાં સમજાવ્યું છે કે, જો કોઇ અવસાદ કે આઘાતમાં હોય અને કોઇ તેને માનસિક સહયોગ કરતું હોય તો આ પણ રક્ષાબંધનનો સંદેશ છે. તેનો અર્થ એ નથી કે સ્ત્રીઓ પુરુષોથી રક્ષણ માંગે છે. આ સમગ્ર વાતચીત દરમિયાન તેમણે મેવાડની રાણી કર્ણાવતીએ મુઘલ બાદશાહ હુમાયુને રાખડી મોકલવાની ઘટનાને પણ કાલ્પનિક ગણાવી હતી. આ સમય દરમિયાન, તેમણે ‘येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबल:। तेन त्वाम् प्रतिबद्धनामि रक्षे माचल माचल’ મંત્રનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે રાખડી બાંધતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ.
દક્ષિણ ભારતમાં રક્ષાબંધન બહુ લોકપ્રિય ન હોવાનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે રક્ષાને લગતા બીજા ઘણા તહેવારો ત્યાં પ્રચલિત રહ્યા છે. દીક્ષા લેતી વખતે પણ, રક્ષણનું વચન છે. યજમાન ઉપવાસ કરે છે, પછી બ્રહ્મણો રક્ષાસૂત્ર બાંધે છે. તેમણે કહ્યું કે રક્ષાસૂત્ર એ યજમાન સમસ્યાઓમાંથી બહાર નીકળવાની ક્ષમતા વિકસાવે છે એટલે તેને બાંધવામાં આવે છે. તેમણે એમ પણ સમજાવ્યું કે શાસ્ત્રો કહે છે કે દરેક વ્યક્તિએ એકબીજાની રક્ષા કરવી જોઈએ. તેમણે રાખડી સાથે કુમકુમ-હળદરનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી હતી. તેમણે સુતરના બદલે કેળા રેસા, રેશમ અથવા ઊનનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.