અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલાં પ્રભુ શ્રીરામના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી છે ત્યારે જાણવા મળી રહ્યું છે, કે પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ અમેરિકાના સૌથી મોટા શહેર ન્યુયોર્કમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેર પર દેખાડવામાં આવશે. આ ઉપરાંત અમેરિકાના બધા શહેરોમાં રામજન્મભૂમિ પર થવા જઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને ટેલીકાસ્ટ પણ કરવામાં આવશે.
મીડિયા રીપોર્ટસ મુજબ, ન્યુયોર્કનો મૈનહટ્ટન સૌથી વ્યસ્ત વિસ્તાર છે. જ્યાં મોટી મોટી ડીજીટલ સ્ક્રીન લાગેલ હોય છે. આ જગ્યા પર કરવામાં આવતું કોઈપણ વસ્તુનું પ્રદર્શન સમગ્ર દુનિયાનું ધ્યાન આકર્ષે છે. માટે અહિયાં આવેલા ટાઈમ્સ સ્કેવર પર (Times Square) 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લાઈવ દેખાડવામાં આવશે. એટલું જ નહિ પરંતુ સમગ્ર અમેરિકાના વિવિધ શહેરોમાં પણ તેનું લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવશે. જેનાથી અયોધ્યામાં થતા રામલલાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને ત્યાં પણ લોકો નિહાળી શકે. આ પહેલાં વર્ષ 2020માં 5 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે થયેલા રામ મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમને ટાઈમ્સ સ્ક્વેરના બિલબોર્ડ પર દેખાડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ખૂબ મોટી સંખ્યામાં હિંદુ સમુદાય રહે છે. અહેવાલો પ્રમાણે અંદાજે 33 લાખ હિંદુઓ અમેરીકામાં નિવાસ કરે છે. જે અમેરિકાની કુલ સંખ્યાના 1% જેટલા છે. અમેરિકા સ્થિત હિંદુ મંદિરોમાં પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંગે કાર્યક્રમનું આયોજન કરવાની સૂચના આપી દેવાઈ છે.
અહિયાં ભારતમાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવા ભારતીય જનતા પાર્ટીએ પણ પૂર્વ તૈયારી કરી લીધી છે. ભાજપનું કહેવું છે કે અયોધ્યામાં થવા જઈ રહેલા ભવ્ય કાર્યક્રમને તેઓ છેક બુથ લેવલ સુધી લઇ જશે. જ્યાં ભાજપના કાર્યકર્તાઓ દરેક બુથ પર મોટી સ્ક્રીન પર કાર્યક્રમને પ્રદર્શિત કરશે. આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ પણ પ્રાણપ્રતિષ્ઠાના દિવસે દેશના અંદાજે 5થી 6 લાખ મંદિરોમાં લોકો સાથે જઈને મંદિરોની સાફ સફાઈ અને પૂજા અર્ચના કરશે.
માનવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પછી દેશને સંબોધન કરશે. નોંધનીય છે કે તેઓ આ સમગ્ર કાર્યક્રમમાં યજમાનની ભૂમિકામાં હશે અને કાર્યક્રમમાં પધારેલાં મોટા સંતો અને ધર્મગુરુઓના આદેશ મુજબ તેઓ રામલલાની પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ લેશે.
જાણવા મળી રહ્યુ છે કે મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભારતીય જનતા પાર્ટી દેશભરના રામભક્તોને અયોધ્યા લઇ જવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે અયોધ્યામાં 60 દિવસ સુધી ભંડારાનું આયોજન કરાશે અને બહારથી આવતા તમામ રામભક્તો માટે રહેવાની વ્યવસ્થા પણ કરશે.