Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજેની દિક્ષા માતા સીતાએ હનુમાનજીને આપી હતી, તે રામાનંદી પદ્ધતિ અનુસાર થશે...

    જેની દિક્ષા માતા સીતાએ હનુમાનજીને આપી હતી, તે રામાનંદી પદ્ધતિ અનુસાર થશે રામલલાની પૂજા-અર્ચના: તેના માહાત્મ્ય વિશે જાણો

    માન્યતા છે કે, રામાનંદી સંપ્રદાયની દીક્ષા સૌથી પહેલાં મા સીતાએ હનુમાનજીને આપી, પછી હનુમાનજીથી ક્રમશ બ્રહ્મા, વશિષ્ઠ, પરાશર, વેદ-વ્યાસ, શુકદેવ, બોધાયન, ગંગાધરાચાર્ય, શ્યામાનંદાચાર્ય, શ્રુતાનંદાચાર્ય, ચિદાનંદાચાર્ય, પુરાનંદાચાર્ય, શ્રીયાનંદાચાર્ય, હર્યાનંદાચાર્ય, રાઘવનંદાચાર્ય અને તે પછી રામાનંદાચાર્ય સુધી પહોચી.

    - Advertisement -

    અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ભગવાન રામલલાને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. જેમાં વિગ્રહનું સ્વરૂપ બાળ અવસ્થામાં હશે. જેથી પૂજાપાઠ દરમિયાન તેનું ધ્યાન પણ એક બાળકનું રાખવામાં આવે એ રીતે રાખવામાં આવશે. આ માટે એક અઠવાડિયા પહેલાં જ પ્રાણપ્રતિષ્ઠા માટેની પૂજન-વિધિ શરૂ કરી દેવામાં આવશે. ત્યારે કાર્યક્રમ અંગે જણાવતાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું છે કે, મંદિરમાં રામાનંદી સંપ્રદાયના રીતરીવાજ મુજબ પૂજા-અર્ચના કરવામાં આવશે. ત્યારે સહજ પ્રશ્ન થાય કે ‘રામાનંદી’ સંપ્રદાય શું હશે?

    રામાનંદી સંપ્રદાય હિંદુઓના સૌથી મોટા સંપ્રદાયોમાંથી એક છે., જે સમાનતવાદી વિચારધારાથી ચાલે છે. આ પંથની શરૂઆત સ્વયં ભગવાન રામ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ એક વૈષ્ણવ સંપ્રદાય છે. જે શ્રી હરિ વિષ્ણુના બીજા અવતારોની પૂજા કરવા પર પણ ભાર આપે છે. રામાનંદી સંપ્રદાયના લોકો શાકાહારનું પાલન કરે છે. આ સાથે જ તેઓ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત અનુસાર ચાલે છે. જેમાં ‘ત્યાગી’ અને ‘નાગા’ એમ બે સમુદાય છે. જેઓ ‘ત્યાગી’ છે તેઓ દીક્ષા લેવા માટે ભસ્મનો ઉપયોગ કરે છે. જ્યારે ‘નાગા’ સાધુ સામાન્ય રીતે દુનિયાથી દૂર વિરક્ત ભાવમાં રહે છે.

    નાગા સાધુઓનો પણ અદ્ભુત ઈતિહાસ છે. માનવામાં આવે છે કે અમુક સાધુઓએ જે તે સમયે સાધુ-સંતો અને સામાન્ય નાગરિકોની રક્ષા કરવા માટે હથિયાર ધારણ કરવા પડ્યાં. તેમની રક્ષા માટે સાધુઓ મુગલો અને અંગ્રેજો સામે પણ લડ્યા. જેથી આ નીડર અને લડાકુ સાધુઓના સમૂહને ‘નાગા’ના રૂપમાં સૌ ઓળખવા લાગ્યા. અંગ્રેજોએ નાગા સાધુઓને શસ્ત્રવિહીન કરવા મોટું અભિયાન પણ ચલાવ્યું હતું. વૈષ્ણવ સમાજ આમ તો અહિંસામાં માનનારો છે અને એ જ કારણે તેઓ શાકાહારનું પાલન કરે છે.

    - Advertisement -

    માન્યતા છે કે, રામાનંદી સંપ્રદાયની દીક્ષા સૌથી પહેલાં મા સીતાએ હનુમાનજીને આપી, પછી હનુમાનજીથી ક્રમશ બ્રહ્મા, વશિષ્ઠ, પરાશર, વેદ-વ્યાસ, શુકદેવ, બોધાયન, ગંગાધરાચાર્ય, શ્યામાનંદાચાર્ય, શ્રુતાનંદાચાર્ય, ચિદાનંદાચાર્ય, પુરાનંદાચાર્ય, શ્રીયાનંદાચાર્ય, હર્યાનંદાચાર્ય, રાઘવનંદાચાર્ય અને તે પછી રામાનંદાચાર્ય સુધી પહોચી. રામાનંદી સંપ્રદાય વિશે સમજતાં પહેલાં રામાનંદ અને વિશિષ્ટાદ્વૈત વિશે સમજવું પડશે.

    મધ્યકાળમાં રામભક્તિનું શંખ ફૂંકનાર રામાનંદજી

    રામાનંદ ભારતીય ઈતિહાસના મધ્યકાળના એક મહાન સંત થઇ ગયા. ઉત્તર ભારતની ગંગા ઘાટીમાં ભ્રમણ કરનારા રામાનંદ એક કવિ હતા જેમને લોકો એક ભક્તકવિ તરીકે ઓળખે છે. આધુનિક કાળમાં રામાનંદી સંપ્રદાયના સ્થાપકના રૂપમાં તેમને ઓળખવામાં આવે છે. 14મી-15મી શતાબ્દીમાં ભારતમાં જ્યારે ભક્તિકાળમાં અનેક સંતોનું આગમન થઇ રહ્યું હતું, તે જ અરસામાં તેઓ સક્રિય રહ્યા. તેઓ એક મહાન સમાજ સુધારક પણ હતા. તેમણે જાતિ અને લિંગ ભેદને દૂર કરતાં પોતાના શિષ્યોને દરેક વર્ગમાંથી સ્વીકાર્યા હતા.

    શીખોના સૌથી પવિત્ર પુસ્તક “ગુરુ ગ્રંથ સાહિબ’માં પણ રામાનંદની ‘બાણી’ને જગ્યા આપવામાં આવી છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા રામાનંદના સંપ્રદાયને ‘બૈરાગી’ સંપ્રદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના જીવન વિશે ઘણી ઓછી માહિતી ઉપલભ્ધ છે, પરંતુ કોઈ જગ્યાએ ઉલ્લેખ છે કે તેઓનો જન્મ પ્રયાગરાજમાં થયો હતો. તેમનું પરારંભિક શિક્ષણ તે વખતના વિશિષ્ટાદ્વૈતના મોટા વિદ્વાન રાઘવાનંદ પાસે થયું. તેઓ નાથ સંપ્રદાયથી પણ પ્રભાવિત હોવાનું કહેવાય છે.

    રામાનંદ તત્વવાદની જગ્યાએ ભક્તિવાદ પર વધુ ભાર આપતા. ભગવાનના શ્રણમાં કોઈ ભેદભાવ ના હોવો જોઈએ અને જીવ-ઈશ્વરમાં પણ કોઈ ભેદ નથી- આ તેમનું માનવું હતું. આદિગ્રંથમાં રામાનંદનું એક પદ છે, ‘કત જાઈએ રે ઘર લાગો રંગુ’ જેનો અર્થ થાય છે- ક્યા ભટકું, મને મારા હૃદયમાં જ આનંદ મળી રહ્યો છે. ‘તથ્યે નું કુછ સંસાર, હમારે રામ કો નામ આધાર’માં રામ નામની મહિમાં વર્ણવી છે. રામાનંદ પર ભક્તિકાળના જે એક મહાન કવિ રામાનુજનો પ્રભાવ હતો.  

    રામાનંદ સગુણ ઉપાસના અને રામ ભક્તિના પ્રવર્તકોમાંથી એક હતા. તેઓ લોકભાષામાં લખતા. જોકે તેમની ભાષામાં પણ ઘણું મિશ્રણ જોવા મળે છે. તેઓએ રામ અવતારનો પ્રચાર પ્રસાર કર્યો. એવું નથી કે તેઓ વર્ણાશ્રમના વિરોધી હતા, કર્મશાસ્ત્રોમાં તેઓ ગ્રંથોના મતને અનુસરતા હતા પરંતુ ભગવદ્ભક્તિમાં તેમને કોઈ પણ પ્રકારનો ભેદભાવ પસંદ ન હતો. તેઓ ‘હરિ કો ભજે સો હરિ કો હોઈ’ની ભાવનામાં માનનારા હતા.

    અમુક જગ્યાએ કબીરના ગુરુના રૂપમાં પણ રામાનંદને આલેખવામાં આવ્યા છે, પરંતુ તેના સમર્થનમાં કોઈ સ્વીકૃત મત નથી. ‘શ્રી રામાચર્ન પદ્ધતિ’ તેમના દ્વારા લખવામાં આવી છે, જેમાં તેમણે પોતાને રામાનુજની પરંપરના ગણાવ્યા છે. સ્વામી રામાનંદ વૈકુંઠલોકવાસી વિષ્ણુની જગ્યાએ લૌકિક અવતાર રામને પ્રાથમિકતા આપી અને સૌ માટે રામભક્તિના દ્વાર ખોલી નાખ્યા. ‘વૈષ્ણવમતાબ્જભાસ્કર’ પણ તેમના દ્વારા રચાયેલો ગ્રંથ છે. રામાનંદના શિષ્ય અનંતાનંદના શિષ્ય કૃષ્ણદાસ પયહારીએ જયપુરથી 10 કિલોમીટર દૂર ગલતામાં સંપ્રદાયની ગાદી સ્થાપી હતી.

    શું છે વિશિષ્ટતાદ્વૈત દર્શન ? હિંદુ ધર્મની શાખાઓમાંથી એક

    આ આચાર્ય રામાનુજ દ્વારા આપવામાં આવેલો મુખ્ય સિદ્ધાંત છે. જેમાં માનવામાં આવ્યું છે કે સંસાર અને જીવાત્મા, બંને જ બ્રાહ્મણથી ભિન્ન છે પરંતુ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલા છે. આમાં સમજાવવામાં આવ્યું છે કે બ્રહ્મથી સંસારનો એ જ સંબંધ છે, જે સૂર્યનો તેની કિરણો સાથે છે. આવી રીતે બ્રહ્મ એક થઈને પણ અનેક છે. જગદ્દગુરુ શંકરાચાર્યે જગતને માયા ગણાવી મિથ્યા ઘોષિત કર્યો, પણ રામાનુજનું કહેવું હતું કે, જગત પણ બ્રહ્મ જ છે. જેથી તે મિથ્યા ન હોય શકે.

    આ રીતે જોવા જઈએ તો રામાનુજાચાર્યને નિર્ગુણ બ્રહ્મવાદ અને સગુણ ઈશ્વરવાદની વચ્ચે સુમેળ કરાવવાનો પ્રયાસ કર્યો. હવે આ પરંપરામાં જ્યારે ઇષ્ટદેવનો ભેદ થયો ત્યારે શાક્ત, શૈવ અને વૈષ્ણવ સંપ્રદાય બન્યા. વૈષ્ણવોમાં 4 સંપ્રદાય મુખ્ય છે. રામાનુજાચાર્યનો શ્રીસંપ્રદાય (વિશિષ્ઠાદ્વૈત), મધ્વાચાર્ય/આનંદતીર્થનો બ્રહ્મ સંપ્રદાય (દ્વૈત), વિષ્ણુસ્વામી અને વલ્લભાચાર્યનો રુદ્ર સંપ્રદાય (શુદ્ધાદ્વૈત) અને નિમ્બાકચાર્યનો સનક સંપ્રદાય (દ્વૈતાદ્વૈત).આ જ પ્રકારે ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયને ‘મધ્યગૌન્ડીય’ અથવા અચિંત્યભેદાભેદ કહેવામાં આવ્યો છે.

    વિશિષ્ટાદ્વૈત મુજબ રામાનુજ ચિત્ત (ચેતન ભોક્તા જીવ), અચિત્ત (જળ ભોગ્ય જગત) અને ઈશ્વર (બંનેનો અંતર્યામી)- આ ત્રણ તત્વોમાં વિશ્વાસ રાખે છે. તેઓએ ચિત્ત અને અચિત્તને ના ફક્ત નિત્ય માન્યું. પરંતુ બંનેને પરસ્પર સ્વતંત્ર પણ ગણ્યા છે. જોકે, તેમના હિસાબે બંને ઈશ્વર પર જ નિર્ભર છે. મતલબ આ બંને શરીરની જેમ છે અને તેમનો આત્મા છે ઈશ્વર. રામાનુજ અનુસાર શરીર તે છે જે આત્મા દ્વારા ધારણ કરવામાં આવે અને અર્થસિદ્ધ માટે ઉપયોગમાં લેવાય. જ્યારે આત્મા એ છે જે શરીરને ધારણ કરે અને શરીરનો સાધ્ય થાય.

    શું છે રામાનંદી પદ્ધતિ, જે પ્રમાણે રામ મંદિરમાં થશે પૂજા

    સરળ શબ્દોમાં સમજીએ તો ‘વિશિષ્ટાદ્વૈત’નો સીધો અર્થ એ થાય છે કે આપણે ઈશ્વરનો જ એક અંશ છીએ, જીવ ઈશ્વરથી અલગ તો છે પરંતુ ઈશ્વરનો જ એક ભાગ છે. જીવે તો જગદીશ્વરને પામવાનું છે. આ માટે બે મહત્વની બાબતો છે અહંકારનો ત્યાગ અને સમર્પણ. વૈષ્ણવ સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત છે પોતાના અહંકારને છોડીને ભક્તિ કરો, ભજન કરો, તમારી જાતને ભગવાનને સમર્પિત કરો. રામાનંદી સંપ્રદાયની પૂજા ઉપાસના પદ્ધતિમાં પણ સમર્પણની ભાવના પ્રાથમિક છે.

    ‘ઓમ રામાય નમઃ’ આ મંત્ર દ્વારા ભગવાન શ્રીરામની પૂજા કરવામાં આવે છે. અયોધ્યા શ્રીરામની જન્મભૂમિ છે, તેથી ત્યાંના મોટાભાગના મંદિરો રામાનંદી સંપ્રદાયની પૂજા પદ્ધતિમાં માને છે. જેનો ઉદ્દેશ્ય એ છે કે દરેક વ્યક્તિ જાતપાતના ભેદભાવ વગર ભગવાનની ભક્તિમાં લીન રહે. વૈષ્ણવ સંપ્રદાયના પ્રાચીન મંદિરોમાં વૈરાગી ભક્તો દ્વારા જ પૂજા-અર્ચના કરવામાં આવે છે. અયોધ્યામાં રામાનંદી સંપ્રદાયના સાધુ-સંતોને બોલવવામાં આવ્યા છે. 13 અખાડાઓમાંથી ‘દિગંબર’ અને ‘નિર્વાણી’ અખાડા વૈષ્ણવોના છે.

    આ પરંપરા અનુસાર ગુરુ પોતાના શિષ્યને કાનમાં દીક્ષા આપે છે, અને સાથે ‘ઉર્ધ્વ પુંડ્ર’ તિલક લગાવે છે. કાશીમાં આવેલ પંચગંગા મઠ પણ રામાનંદી સંપ્રદાયના પ્રાચીન મઠોમાંથી એક છે. ભક્ત પીપાને પણ રામાનંદના શિષ્ય ગણવામાં આવે છે. રામચરિતમાનસની રચના કરનાર ગોસ્વામી તુલસીદાસ પણ આ જ પરંપરામાં થઈ ગયા. રામ મંદિરમાં પણ રામ ભક્તો દ્વારા પ્રસાદ ચઢાવવામાં આવશે નહીં, પરંતુ તેઓ ફક્ત ‘ભાવ’ સાથે રામલલાના દર્શન કરશે, પ્રસાદ તેમને ટ્રસ્ટ દ્વારા જ આપવામાં આવશે.

    32 વર્ષથી રામલલાની પૂજા કરી રહેલા મહંત સત્યેન્દ્ર દાસ કહે છે કે, બાળ સ્વરૂપમાં રામલલાનો ઉછેર, ખાનપાન અને પસંદ-નાપસંદનું પણ ધ્યાન રાખવામાં આવે છે. તેમને સવારે ઉઠાડવામાં આવે છે, ચંદન અને મધથી સ્નાન કરાવવામાં આવે છે, બપોરે વિશ્રામ કરવામાં આવે છે અને સાંજે ભોગ ધરી આરતી કરવામાં આવે છે. ભગવાન બાળરૂપમાં હોવાથી આ બધું તેમના સંરક્ષક બનીને કરવામાં આવે છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી પણ પૂજા આ જ પદ્ધતિથી કરવામાં આવશે પરંતુ તેનું રૂપ ભવ્ય થઈ જશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં