રાજસ્થાનના મેવાડ સ્થિત શક્તિપીઠ ઇડાણા માતાએ ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અગ્નિસ્નાન કર્યા બાદ ભક્તોને દર્શન આપ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, સવારે 10:20 વાગ્યે માતાની પ્રતિમાની આસપાસ જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી, ત્યારબાદ અડધા કલાક સુધી માતાના દર્શન થઈ શક્યા હતા. આ દરમિયાન અનેક માઈભક્તોએ આદ્યશક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હિંદુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે.
મેવાડ સ્થિત ઇડાણા શક્તિપીઠમાં ઇડાણા માતાએ ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અગ્નિસ્નાન કર્યું છે. આગની જ્વાળાઓ લગભગ અઢી કલાક સુધી પ્રતિમા પાસે સળગતી રહી હતી. આ સમયગાળા દરમિયાન, ધીમે ધીમે માતાને અર્પણ કરાયેલ તમામ ચુંદડીઓ અને દોરાઓ બળીને રાખ થઈ ગયા, પરંતુ માતાની પ્રતિમા જેમની તેમ જ રહી હતી. લગભગ 12:30 વાગે અગ્નિ શાંત પડી હતી. જે બાદ માતાજીને ફરીથી શણગારવામાં આવ્યા હતા.
माता ईडाणा ने अग्निस्नान किया। भक्तों को दिए अलौकिक स्वरूप के दर्शन। दर्शन के लिए भक्तों की भीड़ उमड़ी। नवरात्रि के पहले दिन आधे घंटे तक तेज लपटों के साथ हुए माता के दर्शन। मान्यता है कि ईडाणा मां अग्नि स्नान करती है, इस दौरान प्रतिमा के पास रखे चढ़ावा और अन्य चीजें जल जाती है और… pic.twitter.com/mo2Le1OrIY
— Shubham Shukla (@ShubhamShuklaMP) April 9, 2024
દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, ઇડાણા માતા સ્થિત ગાયત્રી ધામના આચાર્ય શૈલેષ ત્રિવેદીએ માતાના અગ્નિસ્નાન વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અગ્નિસ્નાન માટે કોઈ નિશ્ચિત દિવસ અને સમય નથી હોતો. યોગાનુયોગ છે કે, આ વખતે હિંદુ નવવર્ષના દિવસે અભિજીત મુહૂર્તમાં માતાનું અગ્નિસ્નાન શરૂ થયું હતું. તેમણે જણાવ્યું કે, જ્યારે આસપાસના લોકોને આ દિવસે માતાના સ્નાન વિશે જાણ થઈ ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ગયા વર્ષે પણ ચૈત્ર નવરાત્રિ દરમિયાન જ અગ્નિસ્નાન બાદ માતાના દર્શન થઈ શક્યા હતા. 2022માં માતાએ 28મી માર્ચે અગ્નિસ્નાન કર્યું હતું. 2021માં માતાએ બે વાર સ્નાન કર્યું હતું. એક 9મી માર્ચ 2021ના રોજ અને ફરીથી 14મી માર્ચ 2021ના રોજ.
નોંધનીય છે કે, ઉદયપુરથી લગભગ 60 કિલોમીટર દૂર કુરાબડ-બંબોરા રોડ પર અરવલ્લી પહાડીઓની વચ્ચે આવેલું ઇડાણા માતાનું આ મંદિર હજારો વર્ષ પ્રાચીન છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિરની સ્થાપના મહાભારત કાળમાં થઈ હતી. અગ્નિસ્નાન જોવા માટે લોકો વિદેશથી પણ અહીં આવે છે. પરંતુ કોઈ તારીખ નક્કી ન હોવાના કારણે મોટાભાગના પ્રસંગોએ લોકોને નિરાશ થઈને પરત ફરવું પડે છે. સ્થાનિક રજવાડાઓ તેમના કુળદેવી તરીકે આ મંદિરના દેવી ઇડાણા માતાની પૂજા કરતા આવ્યા છે.
અહીં માતાનું કોઈ ભવ્ય મંદિર નથી. ઈડાણા માતા વડના ઝાડ નીચે બિરાજમાન છે. માતાના મસ્તક ઉપર કોઈ શિખર નથી. માતા ખુલ્લા આકાશ નીચે નિવાસ કરે છે. દેવી માતાની મૂર્તિની પાછળ માત્ર ચુંદડીઓ અને ત્રિશૂળનું રક્ષણાત્મક કવચ હોય છે, જે ભક્તો દ્વારા તેમની મનોકામના પૂર્ણ થયા બાદ ચઢાવવામાં આવે છે.
આ ઘટના કોઈ આશ્ચર્યથી ઓછી નથી કે, અગ્નિસ્નાન બાદ પણ માતાની મૂર્તિ વર્ષો પહેલાં જેવી હતી, આજે પણ તેવી જ છે, જ્યારે ઈડાણા માતાના અગ્નિસ્નાન વખતે ઉછળતી જ્વાળાઓએ અનેક વખત વડના ઝાડને પણ નુકસાન પહોંચાડ્યું છે, જેની નીચે સદીઓથી માતારાણી બિરાજમાન છે. આ શક્તિપીઠની ખાસ વાત એ છે કે, દેવી માતાના દ્વાર અને દર્શન 24 કલાક ખુલ્લા રહે છે અને એવું માનવામાં આવે છે કે, અહીં આવવાથી લકવાગ્રસ્ત દર્દીઓ પણ સાજા થઈ જાય છે. ઇડાણા માતા પરિસરમાં દર્શન માટે માતાનો દરબાર, અખંડ જ્યોતિ દર્શન, ધૂણી દર્શન, રામદેવ મંદિર અને મોટી ભોજનશાળા છે.