આજે કારતક સુદ એકમ– ગુજરાતી નવા વર્ષનો આરંભ. વિક્રમસંવત 2082નો આજથી વિધિવત પ્રારંભ થશે. અંતિમ દિવસ દિવાળીની રંગેચંગે ઉજવણી કરીને જૂના વર્ષને વિદાય આપ્યા બાદ એ જ ઉત્સાહ, ઉમંગ અને નવા સંકલ્પો સાથે નવા વર્ષનાં મંડાણ કરવાની પરંપરાને જાળવી રાખતાં ગુજરાતીઓ આ નૂતન વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતીઓ માટે નૂતન વર્ષ માત્ર કૅલેન્ડર બદલવાનો દિવસ નથી, પણ એક એવો પ્રસંગ છે જે તહેવાર, આસ્થા અને વ્યાપાર-સામાજિક જીવનને એક સૂત્રમાં પરોવે છે.
વિક્રમ સંવતની શરૂઆત રાજા વિક્રમાદિત્યના સમયમાં થઈ હતી એ દંતકથા જાણીતી છે. નામમાં જ એ પ્રતિબિંબિત પણ થાય છે. ઈસવીસન પૂર્વે 56 વર્ષ પહેલાં રાજા વિક્રમના સમયમાં તેનો આરંભ થયો અને દેશભરમાં વિવિધ સ્વરૂપોમાં અનુસરવામાં આવ્યું. તેમાંથી ગુજરાત પણ બાકાત નથી. જેમ દેશના અન્ય ભાગોની અમુક પરંપરાઓ અને સંસ્કૃતિને ગુજરાતે ખુલ્લા હૃદયે અપનાવી લીધી હતી એમ આ કૅલેન્ડર પણ સ્વીકારી લેવામાં આવ્યું, અલબત્ત થોડી ભિન્નતા સાથે, થોડા વૈવિધ્ય સાથે.
વિક્રમ સંવતનાં મૂળ ઉજ્જૈન શહેરમાં હોવાનું જણાય છે. ઉજ્જૈન ભારતનું શિક્ષણ, જ્યોતિષશાસ્ત્ર, વ્યાપાર વગેરે જેવાં અનેક ક્ષેત્રોનાં પ્રાચીન કેન્દ્રો પૈકીનું એક રહ્યું છે. લગભગ બે હજાર વર્ષ પહેલાં જ્યારે વિદેશી આક્રમણ સામે નેતૃત્વ લેવાની વાત આવી ત્યારે પણ ઉજ્જૈન પ્રથમ પંક્તિમાં રહ્યું.
બે હજાર વર્ષ પહેલાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં શક પ્રજા આવીને વસી. આ મધ્ય એશિયનો સિંધુ નદી પાર કરીને આજના રાજસ્થાન અને માળવા જેવા પ્રદેશોમાં આવ્યા. તેઓ લડાઈમાં પાવરધા હતા અને આવતાંની સાથે જ પ્રાચીન ભારતનાં ઘણાં રજવાડાં સાથે સંઘર્ષ શરૂ કર્યો. આ સંઘર્ષના કારણે વ્યાપારી માર્ગોમાં પણ અડચણો આવવા માંડી, મંદિરો તૂટ્યાં અને રાજકીય-સામાજિક સ્થિરતાને પણ ઘણીખરી અસર થઈ. આ એ સમય હતો જ્યારે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યે મોરચો સંભાળ્યો અને વિદેશી આક્રમણ સામે લડત આપી.
રાજા વિક્રમાદિત્યે કરાવી હતી શરૂઆત
એક મહાન અને પરાક્રમી રાજા તરીકે ઇતિહાસમાં સ્થાન પામેલા રાજા વિક્રમાદિત્ય એક યોદ્ધા તો ખરા જ પણ ઉત્તમ શાસક તરીકે પણ ઓળખાયા. અનેક દંતકથાઓથી પણ આ નામ પરિચિત બન્યું છે. મોટાભાગની કથાઓમાં તેમને ધર્મની રક્ષા કરનાર અને પ્રતાપી રાજા તરીકે વર્ણવવામાં આવ્યા છે.
કથાઓ પ્રમાણે, રાજા વિક્રમાદિત્યે શકોને પરાજિત કર્યા અને શાંતિની પુનઃસ્થાપના કરી. આ ન માત્ર એક વિજય હતો પણ નવયુગારંભ હતો. આ જ બિંદુ પર, નવા યુગના શુભારંભ પર વિક્રમ સંવતની શરૂઆત થઈ. ઈસવીસનના સંદર્ભમાં લઈએ તો 57 વર્ષ પૂર્વે વિક્રમ સંવત શરૂ થયું હોવાનું જણાય છે. એટલે 2025માં 57નો ઉમેરો કરીએ તો 2082નો તાળો મળે.
સંવતનો ભગવદ્ગોમંડલમાં અર્થ કહેવાયો છે– વર્ષ કે સંવત્સર. સંવત શબ્દ સંવત્સર શબ્દનું સંક્ષિપ્ત સ્વરૂપ છે અને તેનો અર્થ થાય વર્ષ. જોકે સંવત એટલે માત્ર વિક્રમસંવત નહીં, આ શબ્દ દરેક પ્રકારના સંવત્સરો સૂચવે છે. ભારતીય સંવત કુલ 34 છે. જુદા-જુદા સમયે, જુદા-જુદા પ્રદેશોમાં જુદા-જુદા સંવત ચાલતા રહે છે.
રાજા વિક્રમાદિત્યનું સંવતની શરૂઆત કરાવવું અંગ્રેજીમાં જેને કહેવાય એ માત્ર એક ‘પોલિટિકલ જેસ્ચર’ ન હતું પણ તેને ધાર્મિક-સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ જોવું જોઈએ. પ્રાચીન કાળથી લઈને છેક અત્યાર સુધી તિથિઓનું પોતાનું આગવું મહત્ત્વ રહ્યું છે. અમુક ઐતિહાસિક બદલાવો, કશુંક સકારાત્મક શરૂઆતનો સીધો સંબંધ તિથિ સાથે છે. રાજાઓ ભૂતકાળમાં આવા વિજય કે ધાર્મિક સુધારા સૂચવવા માટે નવા સંવતની શરૂઆત કરાવતા, જેનો આશય માત્ર ઇતિહાસમાં સ્થાન અંકિત કરવાનો નહીં પણ એક સામૂહિક સ્મરણશક્તિ વિકસાવવાનો પણ રહ્યો. વિક્રમ સંવતની શરૂઆત પણ વિદેશી આક્રમણમાંથી મુક્તિ મેળવીને રાષ્ટ્રની ભાવના વિકસાવવાના પ્રતીક સ્વરૂપે કરવામાં આવી હતી.
કૅલેન્ડરો સૌર-ચંદ્ર પ્રણાલીઓ પર આધારિત રહે છે. એ રીતે વિક્રમ સંવત બંનેનું સંતુલન છે. એ જ કારણે આ પંચાગ કૃષિ કાર્યો અને ધાર્મિક અનુષ્ઠાનો બંને માટે શ્રેષ્ઠ સાબિત થયું અને આખરે સર્વસ્વીકૃતિ પામ્યું. ઉજ્જૈનના ખગોળશાસ્ત્રીઓએ આ સંવતની રચના અને ગાણિતિક નિર્ધારણમાં અગત્યની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.
સમય સાથે વિક્રમ સંવતે ઉજ્જૈનની સીમાઓ વટાવી અને જેમ-જેમ વિદ્વાનો, વ્યાપારીઓ અને સંન્યાસીઓ ભારતના અલગ-અલગ ભાગોમાં ભ્રમણ કરતા ગયા તેમ આ નવી સમયગણના પદ્ધતિ પણ ભારતભરમાં ફેલાતી ગઈ. ધીમે-ધીમે શિલાલેખો, તામ્રપત્રો, મંદિરના લેખો વગેરે તેમજ પ્રાચીન ગ્રંથોમાં વિક્રમ સંવતનાં વર્ષો અંકિત થવા માંડ્યાં અને અમુક સદીઓ જતાં આ સંવત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સમય માપવાની પ્રમુખ પદ્ધતિ બની ગયો.
ગુજરાતે કઈ રીતે અપનાવ્યું?
ગુજરાત અને ઉજ્જૈન વચ્ચે વ્યાપાર અને સંસ્કૃતિ બંને રીતે સંબંધો પ્રાચીન કાળથી રહ્યા છે. અણહિલવાડ પાટણ, સોમનાથ, દ્વારકા જેવાં નગરોના ઉજ્જૈન સાથે વ્યાપારી સંબંધો હતા. વિવિધ નગરોમાંથી વ્યાપાર માટે અવરજવર કરતા લોકો ન માત્ર માલસામાન પરત લાવતા પણ જે-તે પ્રદેશની સંસ્કૃતિ, પરંપરાઓ પણ પોતાની સાથે લઈ આવતા.
જૈન ધર્મના વ્યાપ સાથે, મંદિરોની પરંપરાઓ સાથે અને વ્યાપારી સમુદાયના વિકાસ સાથે વિક્રમ સંવતને ગુજરાતમાં ખાસ મહત્ત્વ મળવાનું શરૂ થયું અને ધીમે-ધીમે માત્ર એક કૅલેન્ડર ન રહેતાં આસ્થા, તહેવાર અને વ્યાપારી જીવનને જોડનારી ગુજરાતી પરંપરા બની ગયું.
10-12મી સદીમાં સોલંકી શાસકોનો સમય શરૂ થયો ત્યાં સુધીમાં વિક્રમ સંવતનો ઉલ્લેખ હોય તેવા અભિલેખો, લખાણો, તામ્રપત્રો શરૂ થઈ ગયાં હતાં. પછીથી જૈન સમુદાયે પણ તેમ ભૂમિકા ભજવી. જૈન સાધુઓ, નિષ્ણાતો તેમનાં લખાણો, ઐતિહાસિક દસ્તાવેજો અને મંદિરોના રેકોર્ડ સાચવવા માટે વિક્રમ સંવત તારીખોનો ઉપયોગ કરતા. ગુજરાત અને રાજસ્થાનમાં જૈન ધર્મના પ્રસાર સાથે વિક્રમ સંવત પણ ધાર્મિક-સામાજિક બાબતો માટે એક સંદર્ભબિંદુ બનવાનો શરૂ થયો.
ગુજરાતના વ્યાપારી સમુદાયોએ પણ વિક્રમ સંવતના પ્રસારમાં ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. તેમના માટે દિવાળી એ ધાર્મિક તહેવાર તો ખરો જ પણ તેનું આર્થિક મહત્ત્વ પણ છે. દિવાળીના દિવસને વર્ષનો અંતિમ દિવસ ગણીને બીજા દિવસથી નવા વર્ષનો આરંભ કરવામાં આવે છે. એક રીતે આ નવા નાણાકીય વર્ષની શરૂઆત કહેવાય. દિવાળીના દિવસે ચોપડા પૂજન બાદ બીજા દિવસથી નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. આ રીતે ધાર્મિક આસ્થા અને વ્યાવસાયિક પરંપરાના મેળના કારણે વિક્રમ સંવત ગુજરાતી સમુદાયમાં સ્થાન પામ્યું અને માત્ર એક ધાર્મિક કેલેન્ડર ન રહેતાં વ્યવહારિક આર્થિક ચક્રની પણ ભૂમિકા ભજવી.
ઉત્તર ભારતના કૅલેન્ડરથી ગુજરાતી કૅલેન્ડર કેટલું જુદું?
જોકે ગુજરાતમાં ઉત્તર ભારતથી ફેર એટલો છે કે આપણે ત્યાં નવ વર્ષની શરૂઆત કારતક સુદ એકમથી થાય છે. જે દિવાળી પછીનો દિવસ છે. (આ વખતે બંને વચ્ચે એક દિવસ આવ્યો, જેને પડતર દિવસ કહેવાય. એ કેમ આવે છે એ અહીંથી વાંચી અને સમજી શકાશે.) જ્યારે ઉત્તરમાં નવા વર્ષની શરૂઆત ચૈત્ર શુક્લ પ્રતિપદાથી થાય, જે માર્ચ-એપ્રિલમાં આવે છે.
ઉત્તર ભારતમાં કૅલેન્ડર ચૈત્રથી શરૂ થાય છે, ગુજરાતમાં કારતકથી. ઉત્તરમાં વિક્રમ સંવત નવવર્ષની ઉજવણી પૌરાણિક માન્યતાઓ પર આધારિત છે. જ્યારે ગુજરાતમાં બેસતું વર્ષ એ સામાજિક અને સામુદાયિક રીતે ઉજવવામાં આવે છે.
વ્યવહારિક જીવનમાં હવે ભલે ગ્રેગોરિયન કૅલેન્ડર (જાન્યુઆરી-ડિસેમ્બર) સર્વસ્વીકૃત બની ગયું હોય, પણ તેમ છતાં હિંદુઓની, ગુજરાતીઓની સ્મૃતિમાંથી વિક્રમ સંવત પણ ભૂંસાયું નથી અને તેનું સ્થાન પણ અકબંધ રહ્યું છે. હજુ તહેવારો આ કૅલેન્ડર પ્રમાણે જ ઉજવાય છે. મંદિરોના પ્રસંગો, હિંદુઓના શુભ પ્રસંગોમાં પણ આ કૅલેન્ડર ધ્યાને લેવામાં આવે છે. અગાઉ કહ્યું એમ, વિક્રમ સંવત માત્ર એક કૅલેન્ડર ન રહેતાં હિંદુઓ માટે, ગુજરાતીઓ માટે ધાર્મિક, સામાજિક જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે.


