રવિવારે (7 જુલાઈ, 2024) અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અષાઢી બીજના પાવન પર્વ પર અમદાવાદમાં 147મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળ્યા છે. રથયાત્રાના પ્રારંભ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાનની મંગળા આરતી કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રાને નિહાળવા માટે લોકો અમદાવાદ સુધી આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ પૂર્ણ કર્યા બાદ ભગવાનને નગરચર્યા માટે રવાના કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા પર નીકળી ચૂક્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાઈ છે. ત્યારે સુરક્ષાની બાબતોને ધ્યાને રાખીને સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે. નોંધવા જેવું છે કે, અમદાવાદની આ રથયાત્રા ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે પુરી સહિત દેશભરમાં જગન્નાથ ભગવાન નગરચર્યા પર નીકળ્યા છે. રથયાત્રાનો પ્રારંભ થયા પહેલાં પહિંદ વિધિ કરવી પણ અનિવાર્ય ગણવામાં આવે છે.
#WATCH | Gujarat: Jagannath Rath Yatra begins in Ahmedabad with much fanfare. Devotees gather in large numbers. pic.twitter.com/b8L3osn9Mq
— ANI (@ANI) July 7, 2024
જગન્નાથ મંદિરમાં પારંપરિક પૂજા-અર્ચના બાદ ભગવાન જગન્નાથને બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાની પહિંદ વિધિ પૂર્ણ કરી હતી, જેમાં તેમણે સોનાની સાવરણીથી ભગવાનની યાત્રાના માર્ગને સ્વચ્છ કર્યો હતો. ત્યારબાદ તેમણે ભગવાનના દર્શન કર્યા હતા. તે જ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભગવાનના દર્શન કર્યા હતા. તે સિવાય ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, પોલીસ કમિશનર જીએસ મલિક, સેક્ટર 1 JCP નીરજ બડગુજરે પણ ભગવાનની રથયાત્રાના દર્શન કર્યા હતા. પોલીસ કમિશનર જીએસ મલિકે સૌપ્રથમ રથનું નિરીક્ષણ કર્યું હતું અને ભગવાનના દર્શન કરીને મંગલકામના કરી હતી.
Ahmedabad: Amit Shah performs 'Mangla Aarti' at Jagannath Temple ahead of 'Rath Yatra'
— ANI Digital (@ani_digital) July 6, 2024
Read @ANI Story | https://t.co/jGYy5CFsem#JagannathRathYatra #Ahmedabad #AmitShah pic.twitter.com/N9OlpZb36H
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા પર નીકળે છે. દર વખતની જેમ આ વખતે પણ લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનની રથયાત્રામાં જોડાયા છે. ગુજરાતની સૌથી મોટી રથયાત્રાના ઘણા દિવસો પહેલાં જ સુરક્ષાની તમામ તૈયારીઓ આદરી દેવામાં આવે છે. રાજ્ય મંત્રીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરતા રહે છે. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે છે.