સનાતનની સૌથી પ્રાચીન નગરીઓ પૈકીની એક અયોધ્યા નગરીમાં એક એવી બેંક છે, જેની શાખાઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છે. ખાસ વાત એ છે કે, અહિયાં લોકો કરોડોની જમાપૂંજી પણ જમા કરાવે છે. એ અલગ વાત છે કે, આ બેંકમાં ‘ધન’ રામનું નામ હોય છે, ‘મુદ્રા’ (ચલણ)નું નહીં. જી હા, અયોધ્યામાં સ્થિત આંતરરાષ્ટ્રીય શ્રીસીતારામ બેંકમાં કરોડો ‘રામ નામ’નો ખજાનો છે.
‘રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્યગોપાલ દાસજી મહારાજે આ અનોખી બેંકની શરૂઆત 1970માં અયોધ્યા ખાતે કરી હતી. ત્યારથી આ બેંક અયોધ્યામાં ‘મણિરામ દાસ છાવણી’માં કાર્યરત છે. લોકો આ બેંકમાં ‘સીતારામ’નું નામ લખીને જમા કરાવે છે. આજે આ બેંકની દેશ અને વિદેશમાં 136 શાખાઓ છે. શ્રીસીતારામ બેંકની હેડ ઓફિસ અયોધ્યાના વાલ્મિકી રામાયણ ભવન ખાતે છે.
#REPORT | A unique bank in Ayodhya !
— DD News (@DDNewslive) January 7, 2024
An account is opened in the name of 'Sita Ram' in the bank.
Watch to know more#AyodhyaRamMandir #AyodhyaJanmBhoomi @ramaatyaagi123 pic.twitter.com/icEPE2fctP
આંતરરાષ્ટ્રીય શ્રીસીતારામ નામ બેંકના મેનેજર નૃત્યગોપાલ દાસજી મહારાજે જણાવ્યું કે, અહીં 28 હજારથી વધુ ખાતાધારકો છે. જેમણે ‘સીતારામ’ નામની કરોડો મુદ્રાઓ જમા કરાવી છે. જો તમે પણ અહીં ખાતું ખોલાવવા માંગો છો, તો પહેલાં અઢી લાખ ‘સીતારામ’ નામ લખીને જમા કરો અને પછી તમારે તમારી સદસ્યતા માટે રાહ જોવી પડશે. હાલમાં આ બેંકમાં ખાતું ખોલાવવા માટે 10 હજારથી વધુ લોકો લાઈનમાં છે.
આ બેંકમાંથી નિયમિત પાસબુક પણ આપવામાં આવે છે. ગોપાલ દાસજી મહારાજ કહે છે કે, આ બેંકમાં દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આવે છે. તે કરોડો મુદ્રાઓને આદરપૂર્વક સરયૂજીમાં કાયમ માટે જમા કરી દેવામાં આવે છે. આ બેંકમાં લોકો પોતાની ઈચ્છા મુજબ કંઈક દાન પણ કરે છે, તો રામનું નામ લખવા માટે ખાસ કોપીઓ પણ છાપવામાં આવે છે. તેમનું કહેવું છે કે પહેલા પાંચ લાખ વાર સીતારામનું નામ લખીને ખાતું ખોલવામાં આવતું હતું, પરંતુ હવે અઢી લાખ વાર સીતારામ નામથી શરૂ થઈ શકે છે. કોઈ ખાસ આંકડા પર પહોંચવા પર મંદિર દ્વારા રસીદ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.
ખાસ વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય શ્રીસીતારામ નામ બેંકનું મુખ્યાલય અયોધ્યામાં હોવા છતાં, તેની ભારત અને વિશ્વભરના વિવિધ ભાગોમાં 136 શાખાઓ છે. બેંકની શાખાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી બહુવિધ ભાષાઓમાં સેવાઓ પ્રદાન કરે છે. બેંક માને છે કે, રામના નામનો જાપ કરવાથી લોકોને શાંતિ, સુખ અને મોક્ષ મળે છે.