આગામી 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં મંગળવારથી અનુષ્ઠાન શરૂ થઇ ચુક્યા છે. આજથી (16 જાન્યુઆરી 2024) શરૂ થયેલા આ અનુષ્ઠાનો 21 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં વિધિ વિધાનો અનુસાર અલગ-અલગ પૂજાઓ કરવામાં આવશે. આ માટે તમામ દેવી દેવતાઓનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે.
અહેવાલો અનુસાર અયોધ્યાના રામ મંદિરમાં અનુષ્ઠાન પહેલા રામ મંદિરને સરયુ નદીના પવિત્ર જળથી ધોવામાં આવ્યું છે. અનુષ્ઠાનના મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, “સૌપ્રથમ દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવશે. પૂજામાં કૂલ સાત અધિવાસ રહેશે. સહુથી પહેલા યજમાન પ્રાયશ્ચિત પૂજા થશે ત્યાર બાદ કર્મ કુટી પૂજા કરવામાં આવશે. કૂલ 121 આચાર્યોની દેખરેખ હેઠળ તમામ પૂજાઓ સંપન થશે.”
21 જાન્યુઆરી સુધી ચાલનાર આ અનુષ્ઠાનની રૂપરેખા પર નજર કરીએ તો, સૌપ્રથમ 16 તારીખે બપોરે 1 વાગ્યે કુટી પૂજા શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ 17 જાન્યુઆરીના રોજ ભગવાનના શ્રીવિગ્રહને મંદિર પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવશે અને પવિત્ર જળથી ગર્ભગૃહને સાફ કરવામાં આવશે. ત્યાર બાદ 18 જાન્યુઆરીના રોજ ભગવાનના વિગ્રહને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવશે. ત્યાર બાદ તે જ દિવસે અધિવાસ પણ શરૂ થશે.
18 તારીખે 2 અધિવાસ થશે- જલાધિવાસ અને સુગંધાધિવાસ. ત્યાર પછી 19 જાન્યુઆરીના રોજ ફળાધિવાસ અને ધાન્યાધિવાસ થશે. 20 જાન્યુઆરીના દિવસે સવારે પુષ્પ અને રતન તેમજ સાંજે ધૃતાધિવાસ થશે. 21 જાન્યુઆરીના રોજ શર્કરા, મિષ્ઠાન અને મધુ અધિવાસ થશે અને સાંજે ઔષધી તેમજ શૈયા અધિવાસ થશે. ત્યાર બાદ 22 જાન્યુઆરીના રોજ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાશે.
ગુજરાતથી પહોંચેલી 108 ફૂટ લાંબી અગરબત્તી પ્રગટાવવામાં આવી
ઉલ્લેખનીય છે કે 20 અને 21 જાન્યુઆરીના રોજ સામાન્ય દર્શનાર્થીઓ માટે પ્રભુના દર્શન બંધ રહેશે. આગામી દિવસના સમારોહની પૂર્વ તૈયારીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ આજથી શરૂ થયેલા અનુષ્ઠાનો વચ્ચે ગુજરાતના વડોદરાથી અયોધ્યા મોકલવામાં આવેલી ભવ્ય 108 ફૂટ લાંબી અગરબત્તી પણ પ્રગટાવવામાં આવી હતી.
#WATCH | The 108-feet incense stick, that reached from Gujarat, was lit in the presence of Shri Ram Janmabhoomi Teerth Kshetra President Mahant Nrityagopal Das ji Maharaj pic.twitter.com/ftQZBgjaXt
— ANI (@ANI) January 16, 2024
આ અગરબત્તી વડોદરાના રામભક્ત દ્વારા બનાવવામાં આવી છે. પર્યાવરણને અનુકુળ એવી આ અગરબત્તી દોઢ મહિના સુધી ભગવાનની સેવામાં સુવાસ ફેલાવતી રહેશે. આ અગરબત્તીનું વજન 3,610 કિલો છે. વડોદરાના રામભક્ત વિહાભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર આ અગરબત્તી બનાવવામાં 376 કિલો ગુગળ, 376 કિલો નારિયેળ, 190 કિલો ઘી, 1470 કિલો ગૌછાણ, 420 કિલો વિવિધ જડીબુટ્ટી ભેળવવામાં આવી છે.