ઇસ્લામી ધર્માંતરણ પર આધારિત ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. નાના બજેટમાં બનેલી આ ફિલ્મે 18 દિવસમાં જ 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. એક તરફ જ્યાં સિનેમાઘરોમાં ફિલ્મ જોવા માટે દર્શકોની લાંબી લાઈનો લાગી છે, તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મની રિલીઝને મંજૂરી આપી તેમ છતાં વામપંથીઓ તેના પર બૅન લગાવવા મચી પડ્યા છે. હવે અભિનેતા નવાઝુદ્દીને ‘ધ કેરાલા સ્ટોરી’ પરના બૅનને સપોર્ટ કર્યો છે.
નવાઝુદ્દીન સિદ્દીકીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન હાલ ચાલી રહેલા ‘ધ કેરાલા સ્ટોરી’ના વિવાદ પર પ્રતિક્રિયા આપી હતી. જેના પરથી એ ખ્યાલ આવે છે કે નવાઝુદ્દીને ‘ધ કેરાલા સ્ટોરી’ પરના પ્રતિબંધનું સમર્થન કર્યું છે.
Nawazuddin Siddiqui Supports #TheKeralaStory Ban: Humein isse duniya ko jodna hai.https://t.co/IgsWX00hDC pic.twitter.com/quFAJOPqDo
— TIMES NOW (@TimesNow) May 25, 2023
રિપોર્ટ અનુસાર, ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની એક ટ્વીટ પર નવાઝે ટિપ્પણી કરી હતી. ટ્વીટમાં અનુરાગ કશ્યપે લખ્યું હતું કે, “તમે કોઈ ફિલ્મથી સંમત હો કે નહીં, તે પ્રોપગેંડા હોય કે નહીં, વાંધાજનક હોય કે નહીં, એના પર પ્રતિબંધ મૂકવો એ ખોટું છે.” આ અંગે નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે, “હું સંમત છું. પરંતુ, જો ફિલ્મ કોઈની ભાવનાને ઠેસ પહોંચાડે તો આ ખોટું છે. આપણે દર્શકોની લાગણી દુભાવવા માટે ફિલ્મ નથી બનાવતા.”
નવાઝુદ્દીન સિદ્દીકીએ આગળ કહ્યું કે, “આપણે લોકો વચ્ચે સામાજિક સદ્ભાવના વધારવા માટે ફિલ્મો બનાવીએ છીએ. એટલે જ આપણી એ જવાબદારી છે કે એવી ફિલ્મો બનાવીએ જે લોકોને જોડવાનું કામ કરે, તોડવાનું નહીં. હા, આ દુનિયામાં કોઇપણ વસ્તુ પર પ્રતિબંધ ન લગાવવો જોઈએ. પરંતુ, જો કોઈ ફિલ્મ લોકોને કે સમાજને તોડવાની વાત કરે અથવા તેમને અલગ કરવાની ક્ષમતા ધરાવે તો આ ખોટું છે.”
નવાઝુદ્દીન પર પત્ની લગાવી ચૂકી છે ગંભીર આરોપ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી નવાઝુદ્દીન સિદ્દીકી અને પત્ની આલિયા વચ્ચેનો ખટરાગ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. નવાઝુદ્દીનની પત્નીએ તેના પર રેપ, દુર્વ્યવહાર અને મૂળભૂત સુવિધા પણ પૂરી ન પાડવાનો આરોપ મૂક્યો હતો. આલિયાએ એવો દાવો પણ કર્યો હતો કે તેને અને બે બાળકોને નવાઝે ઘરની બહાર કાઢી મૂક્યા હતા. એટલું જ નહીં, અભિનેતા પર તેના સગા ભાઈ શમ્સુદ્દીન પણ ગંભીર આરોપો મૂકી ચૂક્યા છે.
200 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ ‘ધ કેરાલા સ્ટોરી’
‘ધ કેરાલા સ્ટોરી’માં એવી યુવતીની વાત છે જેનું બ્રેઈનવોશ કરીને ઈસ્લામમાં ધર્માંતરણ કરાવવામાં આવે છે અને ISIS પાસે મોકલી દેવામાં આવે છે. આ ફિલ્મે રિલીઝ થયાના 18 દિવસમાં જ 210.17 કરોડની કમાણી કરી લીધી છે.
પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને એક સપ્તાહ પહેલાં જ હટાવવામાં આવ્યો છે. જોકે, વિરોધીઓના દબાણની સામે એક થિએટરમાં જ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.