ભૂતકાળમાં પણ અનેક વખત પોતાના કામો અને એજન્ડા ચલાવવાના કારણે લાઈવ ટીવી પર ટ્રોલ થયેલા ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈએ ફરી એકવાર લાઈવ ડિબેટ દરમિયાન ફજેતીનો સામનો કરવો પડ્યો હતો. રાજદીપ સરદેસાઈ મહારાષ્ટ્રના રાજકારણ અંગે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસને ઉપમુખ્યમંત્રી બનાવવા અંગે ટિપ્પણી કરવા ગયા પરંતુ ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલા તેમને એવું ઉદાહરણ આપીને સમજાવવા માંડ્યા કે રાજદીપ જોતા જ રહી ગયા હતા.
ઇન્ડિયા ટૂડે પર ડિબેટ કરતા રાજદીપ સરદેસાઈએ કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસે સાંજે ચાર વાગ્યે મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની ઘોષણા કરી અને કહ્યું કે તેઓ પોતે સરકારમાંથી બહાર રહેશે. પરંતુ સાંજે સાત વાગ્યે ભાજપ પ્રદેશ અધ્યક્ષનું નિવેદન આવ્યું કે તેમણે ફડણવીસને ઉપ-મુખ્યમંત્રી બનવા અપીલ કરી છે. ભાજપે ફડણવીસને હાંસિયામાં ધકેલી દીધા છે? તેવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો.
જેના જવાબમાં ભાજપ તરફથી શેહઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “દેવેન્દ્ર ફડણવીસે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ભાજપ માટે સત્તા કરતા સિદ્ધાંત, પાર્ટી અને પ્રદેશ સર્વપ્રથમ રહે છે. તેમણે દરેક કાર્યકર્તાને ઉદાહરણ પૂરું પાડ્યું કે કેવી રીતે ભાજપના કાર્યકર્તા માટે પ્રદેશ અને પાર્ટી પહેલાં આવે છે, બાકી બધું પછી.”
ऐसे कौन समझाता है ?🤣@Shehzad_Ind pic.twitter.com/dfcqPYTDoC
— Chaudhary Yaduveer Singh (@YaduveerSinghIN) June 30, 2022
જોકે, શહેજાદના આ જવાબથી રાજદીપને સંતોષ ન થયો હોય તેમ તેમણે તેમને વચ્ચેથી અટકાવીને ફરીથી પૂછ્યું હતું કે, તેઓ એ જાણવા માંગે છે કે ચાર વાગ્યાથી સાત વાગ્યા વચ્ચે એવું તે શું થયું કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે દેવેન્દ્ર ફડણવીસને આવીને સમજાવવા પડ્યા. જે મામલ પણ શહેજાદ પૂનાવાલાએ થોડીવાર સુધી રાજદીપને રાજકીય મુદ્દાઓ સમજાવવાના પ્રયત્નો કર્યા પરંતુ રાજદીપ ન જ માન્યા તો પછી એવું કહ્યું, જેની ચર્ચા કાલથી થઇ રહી છે.
શહેજાદ પૂનાવાલાએ તેમનું જ ઉદાહરણ આપીને રાજદીપ સરદેસાઈને સમજાવતા કહ્યું કે, “તમે પહેલાં CNN-IBNના એડિટર-ઈન-ચીફ હતા. આજે તમે કન્સલ્ટિંગ એડિટર (સલાહકાર સંપાદક) છો. તમારા પદ કે સન્માનમાં કોઈ ઘટાડો થયો?” જે બાદ રાજદીપ સરદેસાઈ મૂંછમાં હસવા માંડ્યા હતા. જે બાદ શહેજાદ પૂનાવાલા આગળ કહે છે કે, “મને લાગે છે કે એડિટર-ઈન-ચીફ ન હોવા છતાં પણ તમે કન્સલ્ટિંગ એડિટર તરીકે આ ચેનલ માટે અને નેટવર્ક માટે બહુ સારું કામ કરી રહ્યા છો. એ જ રીતે અમારા મનમાં પણ પદ નહીં પરંતુ પ્રદર્શનની લાલસા હોય છે.”
જોકે, આ સાંભળીને રાજદીપ સરદેસાઈ એમ કહેવા લાગ્યા કે આ રીતે રાજનીતિ અને પત્રકારત્વને એકસાથે જોવું ઠીક રહેશે નહીં. પરંતુ શહેજાદે કહ્યું કે, બંને વ્યવસાય જનસેવા સાથે જોડાયેલા છે. જોકે, તોપણ રાજદીપ ન માનતા તેમણે બિહારનું ઉદાહરણ આપીને સમજાવ્યા હતા કે ત્યાં ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં તેમણે મુખ્યમંત્રી પદ નીતીશ કુમારને આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 29 જૂને ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જે બાદ પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે ચોંકાવનારી જાહેરાત કરીને શિંદેને મુખ્યમંત્રી બનાવવાનું એલાન કર્યું હતું. જે બાદ સાંજે શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં શિંદેએ સીએમ તરીકે અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.