જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ તાજેતરમાં પદ છોડવાની જાહેરાત કરી. બુધવારે (14 ઑગસ્ટ) તેમણે એલાન કરતાં કહ્યું કે, તેઓ જાપાનની સત્તાધારી પાર્ટી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના નેતાની ચૂંટણીમાં ભાગ નહીં લે અને સાથે એમ પણ જણાવ્યું કે પાર્ટીના નેતૃત્વમાં હવે બદલાવની જરૂર છે. જેથી સપ્ટેમ્બરમાં નવા નેતાની ચૂંટણી બાદ તેઓ વડાપ્રધાન પદ છોડશે. આ સમાચાર વિદેશી મીડિયામાં ચર્ચાય રહ્યા છે. ગુજરાત સ્થિત મીડિયામાં પણ, પણ થોડી જુદી રીતે. આ સમાચારને આધાર બનાવીને ભારતના નેતાઓને ‘બોધપાઠ’ શીખવવામાં આવી રહ્યા છે.
અખબાર ગુજરાત સમાચારના X અકાઉન્ટ પરથી આ સમાચાર આપતી એક પોસ્ટ કરવામાં આવી. જે કંઈક આવી છે- ‘ભારતના નેતાઓ એક વાર સત્તા પર આવે પછી સામ, દામ, દંડ, ભેદ ગમે તે રીતે ખુરશી બચાવવા પ્રયાસ કરતા રહે છે. પણ જાપાનના વડાપ્રધાને જનતાની પરેશાની જોઈને રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જાપાનના વડાપ્રધાન ફુમિઓ કિશિદાએ કહ્યું છે, કે ‘દેશમાં મોંઘવારી વધી ગઈ છે, લોકો પરેશાન છે અને આક્રોશ વધી રહ્યો છે. હું આ બધું નથી જોઈ શકતો. તેથી હું આવતા મહિને પદ છોડી દઇશ. હું ઈચ્છું છું કે દેશના રાજકારણમાં સુધાર આવે.’ નોંધનીય છે કે કિશિદાએ એમ પણ કહ્યું છે કે તેઓ હવે ક્યારેય ચૂંટણી નહીં લડે.’ (ગુજરાત સમાચારના લખાણમાં અમુક જોડણીની ભૂલો રહી ગઈ છે, જે અહીં પ્રકાશિત કરતી વખતે સુધારી લેવામાં આવી છે.)
ભારતના નેતાઓ એક વાર સત્તા પર આવે પછી સામ, દામ, દંડ, ભેદ ગમે તે રીતે ખુરશી બચાવવા પ્રયાસ કરતાં રહે છે. પણ જાપાનના વડાપ્રધાને જનતાની પરેશાની જોઈને રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જાપાનના વડાપ્રધાન ફુમિઓ કિશિદાએ કહ્યું છે, કે 'દેશમાં મોંઘવારી વધી ગઈ છે, લોકો પરેશાન છે અને આક્રોશ… pic.twitter.com/Yrr3zpJeaY
— Gujarat Samachar (@gujratsamachar) August 15, 2024
સમાચારે જે ફોટો પોસ્ટ કર્યો છે, તેમાં લખવામાં આવ્યું છે- ‘ભારતીય નેતાઓ માટે બોધપાઠ લેવા જેવી વાત. મોંઘવારી કાબૂમાં ન રાખી શકતા જાપાનના PMની રાજીનામાની જાહેરાત.’
આટલું વાંચીએ તો એવું લાગ્યા વગર રહે નહીં કે જાપાનમાં મોંઘવારી વધી રહી છે અને તે કાબૂમાં ન રાખી શક્યા તો ત્યાંના વડાપ્રધાન રાજીનામું આપી રહ્યા છે, એ પણ રાજીખુશીથી. તેમણે પોતાનાં વ્યક્તિગત હિતો કરતાં દેશના લોકોને વધુ મહત્વ આપ્યું. સાથે બિનજરૂરી રીતે ભારતની પરિસ્થિતિ સરખાવવામાં આવી છે, તેમાં આડકતરો ઈશારો મોદી સરકાર તરફ છે. કારણ કે સત્તામાં મોદી સરકાર જ છે. મોદી સરકાર પર વિપક્ષો મોંઘવારીથી માંડીને બેરોજગારીના આરોપો રોજ લગાવતા રહે છે. જોકે, ગુજરાત સમાચારે ભારતના નેતાઓ શબ્દ વાપરીને બને તેટલા ‘તટસ્થ’ રહેવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાય છે. પરંતુ જનતા હૈ, સબ જાનતી હૈ. અને ઇશારે પણ સમજ જાતી હૈ એ નફામાં.
શું છે હકીકત?
અહીં માત્ર મોંઘવારી કારણ નથી, હકીકત એ છે કે જાપાન PM ફુમિયો કિશિદાની સરકાર સામે ભ્રષ્ટાચારથી લઈને બીજાં અનેક કૌભાંડોના આરોપો લાગી રહ્યા છે. બીજું, તેમની લોકપ્રિયતાનું સ્તર એટલું નીચે પહોંચી ગયું છે કે એવી સ્થિતિ ભૂતકાળમાં કોઇ જાપાનીઝ પીએમની નથી થઈ. લિબરલોના માનીતા BBCનું જ માનીએ તો કિશિદાનું એપ્રુવલ રેટિંગ 15.5% પર પહોંચી ગયું, જે અત્યંત નીચું છે. જ્યારે સરકારના રેટિંગની વાત કરીએ તો તે છેલ્લા આઠ મહિનાથી માત્ર 20% પર છે. 2021માં જ્યારે કિશિદાએ પદ સંભાળ્યું ત્યારે સરકારનું રેટિંગ 60% પર હતું.
આ જ રિપોર્ટ અનુસાર, ભ્રષ્ટાચારના જ આરોપમાં ગત ડિસેમ્બરમાં માત્ર પંદર દિવસના ગાળામાં જાપાન સરકારના ચાર મંત્રીઓએ રાજીનામાં ધરી દીધાં હતાં. જ્યારે પાંચ વરિષ્ઠ ઉપમંત્રીઓ અને સંસદીય ઉપમંત્રીએ પણ પદ છોડી દીધાં હતાં. ઉપરાંત, LDP સાંસદો પર ફંડરેઇઝિંગ ઇવેન્ટમાંથી કમાણી કરેલા કરોડો ડૉલરની ઉચાપત કરવાનો પણ આરોપ છે, જે રકમનો પાર્ટીના અધિકારિક દસ્તાવેજમાં ક્યાંય ઉલ્લેખ જ નથી. કહેવાય છે કે આ કૌભાંડને લઈને પણ વડાપ્રધાન વિરુદ્ધ બહુ નારાજગી છે. ઉપરાંત દેશમાં ખાદ્યપદાર્થોના ભાવ પણ વધી રહ્યા છે.
આ સિવાય જાપાનમાં એક ચર્ચ સ્કેન્ડલ પણ ચર્ચામાં છે. કહેવાય છે કે, પાર્ટીના એક વિવાદિત ચર્ચ સાથે પણ સંબંધો સામે આવ્યા છે, જેનું જોડાણ પૂર્વ વડાપ્રધાન શિન્જો આબેની હત્યા સાથે હોવાના આરોપ લાગતા રહ્યા છે. આરોપ છે કે ચર્ચ સરકારની નીતિઓ પર ભારે મોટો પ્રભાવ ધરાવે છે અને તેના ફન્ડિંગથી પાર્ટીના નેતાઓને પણ ફાયદો પહોંચે છે.
આ સિવાય પણ નાનાં-મોટાં ઘણાં કારણો છે, જેના કારણે જાપાનના વડાપ્રધાન પદ છોડી રહ્યા છે. આર્થિક અવ્યવસ્થાના કારણે જાપાનનું ચલણ યેન પણ સતત ગગડી રહ્યું છે. બીજી તરફ, આર્થિક સ્થિતિ સુધારવા માટે કિશિદાએ નવેમ્બરમાં 17 ટ્રિલિયન યેનનું એક ખાસ પેકેજ પણ જાહેર કર્યું હતું, પણ તેનો પણ કોઇ ફેર દેખાયો નહીં. ન આર્થિક સ્થિતિ પર કે ન તેમની પાર્ટી અને દેશના લોકોમાં તેમના રેટિંગ પર.
ઘણા સમયથી ચાલતી હતી પદત્યાગની ચર્ચા
ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જાપાનમાં આ બધી પરિસ્થિતિના કારણે ઘણા સમયથી ફુમિયો કિશિદાના પદત્યાગની ચર્ચા ચાલી રહી હતી. ડિસેમ્બર, 2023નો જાપાન ટાઈમ્સનો એક રિપોર્ટ જણાવે છે કે કૌભાંડોમાં ઘેરાયેલા કિશિદા પાર્ટી પરની પકડ ગુમાવી રહ્યા છે અને જો સ્થિતિ યથાવત્ રહી તો તેમની પાસે પદ છોડી દેવા સિવાય કોઇ વિકલ્પ બાકી નહીં રહે.
ટૂંકમાં જોઈએ તો કારણો ઘણાં છે. આમ પણ તેઓ ચૂંટણી લડે તો આ પરિસ્થિતિમાં જીતે તેની શક્યતાઓ નહિવત છે, કારણ કે દેશના લોકો તો ઠીક પણ તેમની પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સ્વર ઊઠી રહ્યો છે. માત્ર મોંઘવારી કાબૂમાં ન રાખી શકવાના કારણે કિશિદા રાજીનામું આપી રહ્યા છે તેમ માનવાનું કોઇ કારણ નથી. અન્ય અનેક ઘણાં મહત્વનાં કારણો છે.
ભારતમાં સ્થિતિ અનેકગણી સારી, નેતાઓ શું કામ બોધપાઠ લે?
બીજી તરફ, ગુજરાત સમાચાર જેમને સલાહ આપે છે એ ભારતના નેતાઓની વાત કરીએ તો દેશમાં આર્થિક સ્થિતિ પણ પાછલાં વર્ષો કરતાં ઘણી સારી છે અને આજે ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી આગળ વધતો દેશ છે. દરેક ક્ષેત્રમાં પૂરતો વિકાસ થઈ રહ્યો છે. સૌથી મહત્વની વાત, છેલ્લાં 10 વર્ષમાં સરકાર પર એક પણ કૌભાંડનો આરોપ લાગ્યો નથી, જેમણે લગાવવાના પ્રયાસ કર્યા તેઓ સિદ્ધ કરી શક્યા નથી અને કોર્ટમાં માફી માંગી ચૂક્યા છે. એટલે હાલના તબક્કે તો ભારતના નેતાઓએ જાપાનના પીએમમાંથી ‘બોધપાઠ’ લેવાની કોઇ જરૂર જણાતી નથી.