Friday, September 27, 2024
More
    હોમપેજમંતવ્યહાસ્યાસ્પદ ઠરવાના રસ્તા ઘણા હતા, ગુજરાત સમાચારે મોદી સાથે સરખામણી કરીને કેજરીવાલને...

    હાસ્યાસ્પદ ઠરવાના રસ્તા ઘણા હતા, ગુજરાત સમાચારે મોદી સાથે સરખામણી કરીને કેજરીવાલને ‘ફકીર’ ગણાવવાનું પસંદ કર્યું!

    ગુજરાત સમાચારે એટલી હાસ્યાસ્પદ વાત લખી છે કે, કેજરીવાલને કોઈ ભાષાંતર કરીને કોઈ વાંચી સંભળાવે તો તેઓ પણ એક વખત કહી દે કે, -‘યે થોડા જ્યાદા હો ગયા!’

    - Advertisement -

    2014માં તમામ અવરોધોને પાર કરીને એક ઇકોસિસ્ટમના ભરપૂર પ્રયત્નો છતાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ગયા ને 2002થી તેમને હારતા જોવા માટે આકાશ-પાતાળ એક કરીને મથતી એક ટોળકીની આશાઓ પર ફરી એક વખત પાણી ફરી વળ્યું. ત્યારપછી વર્ષો વીતતાં ગયાં તેમ મોદીની લોકપ્રિયતા પણ વધતી ગઈ અને સાથોસાથ આ ઇકોસિસ્ટમનો મોદીદ્વેષ પણ. મોદી નાનકડું એક ડગલું પણ ભરે તો આ જમાત આવીને કહી દે છે કે તેમણે જમણો પગ આગળ કર્યો તેમાં દેશનું નુકસાન છે, મનમોહન સિંઘ તો કાયમ ડાબો પગ ભરતા! આમાં મીડિયા કાયમ મોટો ભાગ ભજવતું રહ્યું.

    હશે એ તો, પણ આપણે ત્યાં એક અખબાર છે- ‘ગુજરાત સમાચાર’. સમાચાર અને મોદીના ‘સંબંધો’ કેવા હતા ને કેવા રહ્યા તે હવે જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ખબર છે. મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ અખબારે ‘પત્રકારત્વ ધર્મ’ નિભાવવાના નામે તેમને બહુ ભાંડ્યા. જોકે, આ એક-બે છાપાંની વાત નથી, આ તો હમણાં પવન જોઈને અમુક સઢ ફેરવી લીધો છે, બાકી પહેલાં મેઈનસ્ટ્રીમ મીડિયા આખું મોદીનું નામ સાંભળે એટલે ભડકી ઉઠતું. ગુજરાતમાં વરસો સુધી ચાલ્યા બાદ એ કામ પછીથી નેશનલ લેવલે અમુકે ઉપાડી લીધું. આજે એ બધા બેરોજગાર બનીને યુ-ટ્યુબ પર કોગળા કરતા રહે છે, ને નરેન્દ્રભાઈ હજુ ત્યાં જ બિરાજમાન છે, જ્યાં 2014માં જનતાએ તેમને બેસાડ્યા હતા.

    ગુજરાત સમાચારે વરસો સુધી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિરુદ્ધ લખ્યું છે. અમુક બાબતો સાચી હતી, અમુક ફાલતુ, માત્ર વિરોધ કરવા ખાતર મુદ્દા શોધી કાઢ્યા હોય તેવું તમને વાંચીને લાગે. વરસો સુધી આવું કર્યા બાદ ‘બોર’ થઈ ગયા તો તેમને થયું કે કશુંક નવું લાવીએ. તો હવે તેમણે મોદી સાથે કેજરીવાલની સરખામણી કરીને કેજરીવાલને મોટા ચીતરવાનું ચાલુ કર્યું છે. 

    - Advertisement -

    કેજરીવાલ હમણાં લગભગ પાંચેક મહિના તિહાડ જેલમાં રહી આવ્યા. ફરવા નહતા ગયા, એજન્સીએ ધરપકડ કર્યા બાદ કોર્ટે મોકલ્યા હતા. એ જ કોર્ટે પછીથી તેમને જામીન આપ્યા અને બહાર આવ્યા. પાંચ મહિના પછી બહાર આવીને કેજરીવાલને પણ થયું કે હવે કશુંક નવું કરવું જોઈએ તો રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. બે દિવસ પછી તેવું કર્યું પણ ખરું અને તેમના સ્થાને આતિશીને સીએમ બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો. 

    દિલ્હીનું રાજકારણ જાણનારાઓ સુપેરે જાણે છે કે આતિશી હોય કે સૌરભ ભારદ્વાજ કે મનીષ સિસોદિયા, તેઓ કોઈ કેજરીવાલને પૂછ્યા વગર પાણી પણ પીતા નથી. એટલે કેજરીવાલ ગાદી પર હોય કે ન હોય, તેનાથી બહુ મોટો કોઈ ફેર પડવાનો નથી. ભાજપ કહે છે કે આ તો સોનિયા ગાંધીએ મનમોહન સિંઘને સત્તા સોંપી હતી એવું થયું! બરાબર છે, એવું જ થયું છે. 

    અહીં કેજરીવાલના અમુક ચેલા-ચપાટાઓ અને યુ-ટ્યુબ પર ચેનલ બનાવીને 24 કલાક તેમની આરતી ઉતારનારા કથિત ‘પત્રકારો’ જ્યારે ભાજપ કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી બદલે ત્યારે કાયમ દલીલો લઈને દોડી આવે છે કે મોદી તો રિમોટ કન્ટ્રોલથી સરકાર ચલાવે છે. પણ અહીં કેજરીવાલે પોતાના સ્થાને આતિશીને ખુરશી સોંપી તો આ લોકો સરજીના ચરણોમાં લોટપોટ થઈ ગયા! પણ ગુજરાત સમાચારે એવું ન કર્યું. તેમણે શું કર્યું? જુઓ. 

    અખબારના X હેન્ડલ પરથી એક પોસ્ટ મૂકવામાં આવી. જેમાં લખ્યું છે, “દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે, થોડાં વર્ષ પહેલાં એક નેતા ગામેગામ સભાઓ ગજવતા હતા કે, હું તો સેવા કરવા આવ્યો છું, મને તો સત્તાનો મોહ નથી. હું તો સેવક છું. હું તો ફકીર માણસ છું, હું તો ઝોલો લઈને નીકળી પડીશ વગેરે. જોકે, આવી વાતો કરનારાઓ આજે સત્તાની ડાળને વળગી પડ્યા છે.”

    અહીં લખ્યું છે કે દિલ્હીથી લઈને ગાંધીનગર સુધીના રાજકીય ગલિયારામાં ચર્ચા છે, પણ મજાની વાત એ છે કે આવી ચર્ચા પણ ચાલે છે તે ગલિયારાઓને પણ આ વાંચીને ખબર પડી હશે! આગળ જે વાત લખવામાં આવી છે એ મોદીને અનુલક્ષીને છે એ વાંચનાર કોઈને પણ સમજાય. તેમનું એક બહુ પ્રખ્યાત વાક્ય છે- ‘હમ તો ફકીર આદમી હૈ, ઝોલા લેકર ચલ પડેંગે.’ બીજા કોઈ નેતાએ આવું કહ્યું હોય તેવું ધ્યાનમાં નથી. મોદીનું નામ લખવાની હિંમત કેમ ન ચાલી એ તો આ લખનારાઓ જાણે. કદાચ કાલે ઉઠીને મોદીની ગાડીમાં છાપું દેખાય જાય તો પહેલા પાને ફોટો છાપીને ‘ગર્વ’ લેવામાં અડચણ ન આવવી જોઈએ!

    આગળ લખ્યું છે, “બીજી તરફ, અરવિંદ કેજરીવાલે પોતાની સામે લાગેલા આરોપોનો જવાબ આપતાં ક્ષણનોય વિચાર કર્યા વિના સત્તા છોડી દીધી, દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું.  નેતાઓ સામે હત્યા અને દુષ્કર્મના ગુના હોય તો પણ સત્તા છોડતા નથી અને કેજરીવાલે ગોટાળાના આરોપમાં જ સત્તા છોડી દીધી. કેજરીવાલે સાર્થક કરી બતાવ્યું કે, તે રાજકારણના ફકીર છે, જે ગમે ત્યારે ઝોળી લઈને ચાલી નીકળી શકે છે અને સત્તા છોડી શકે છે. બાકી તો નેતાઓ માત્ર વાતો જ કરતા હોય છે.” 

    આ વાત એટલી હાસ્યાસ્પદ છે કે કેજરીવાલને કોઈ ભાષાંતર કરીને કોઈ વાંચી સંભળાવે તો તેઓ પણ એક વખત કહી દે કે, -‘યે થોડા જ્યાદા હો ગયા!’ બીજું, અહીં ગુજરાત સમાચારના લખાણમાં અમુક વ્યાકરણની ભૂલ હતી, જે અહીં સુધારી લેવામાં આવી છે!

    ‘ક્ષણનોય વિચાર કર્યા વગર સત્તા છોડી દીધી?’- આનું ફેક્ટચેક કરીએ.

    કેજરીવાલની ધરપકડ થઈ ફેબ્રુઆરી, 2024માં. તેમને લિકર પોલિસી કેસમાં પહેલું સમન્સ મળ્યું હતું નવેમ્બર, 2023માં. ત્યારબાદ થોડા-થોડા દિવસે તેમને સમન્સ મળતાં રહ્યાં અને કેજરીવાલ બહાનાં કાઢતા રહ્યા. વારંવાર સમન્સ પછી હાજર ન થયા ને કોર્ટે પણ રાહત ન આપી તો ED એક દિવસે જેણે કેજરીવાલને લઈ આવી. આ ઘટના બની ફેબ્રુઆરીમાં. ત્યારપછી આજે સપ્ટેમ્બર આવ્યો. સાત મહિના બરાબર એક ક્ષણ થાય? 

    ક્ષણનો વિચાર કર્યા વગર સત્તા છોડવી ત્યારે કહેવાય જ્યારે કેજરીવાલે પોતાને લિકર પોલિસી કેસમાં પહેલું સમન્સ મળ્યું ત્યારે રાજીનામું આપી દીધું હોત કે ધરપકડ થઈ ત્યારે પણ આપ્યું હોત! સામી ચૂંટણીએ સાત મહિને આવાં ગતકડાં કરવાં તે વળી કેવો ‘ત્યાગ’? સાત મહિને કેજરીવાલને ખબર પડી કે તેમની સામે આરોપો લાગ્યા છે અને રાજીનામું આપી દેવું જોઈએ? 

    બીજું, કેજરીવાલે રાજીનામું ક્યારે આપ્યું? જ્યારે સુપ્રીમ કોર્ટે જામીન આપતી વખતે તેમની ઉપર કડકમાં કડક શરતો લાદી. તેમને કહેવાયું કે CMOમાં જવાનું નથી કે ફાઈલો પર હસ્તાક્ષર કરવાના નથી. એક તો પહેલેથી તેમની પાસે ખાતાના નામે કશું નથી, ઉપરથી આવી શરતો, તો પછી માણસ મુખ્યમંત્રી કઈ રીતે રહી શકે? ઉપરથી ભાજપ અને અન્ય પાર્ટીઓનું પ્રેશર પણ વધતું જતું હતું. સામે ચૂંટણી આવતી હતી. કેજરીવાલને લાગ્યું કે આ પરિસ્થિતિમાં ચૂંટણી લડી શકાય નહીં, તેના કરતાં સરળ રસ્તો એ છે કે થોડા સમય માટે ખુરશી છોડી દેવામાં આવે. આમાં ગોટાળાનો આરોપ લાગતાં જ રાજીનામું આપવાની વાત ક્યાંથી આવી? 

    45 કરોડના શીશમહેલમાં રહે છે આ ‘ફકીર’

    આગળ ગુજરાત સમાચાર કેજરીવાલને ‘રાજકારણના ફકીર’ ગણાવે છે. આ દેશનો પહેલો ફકીર છે, જેની ઉપર પોતાના સત્તાવાર નિવાસસ્થાનમાં ₹45 કરોડના ખર્ચે રિનોવેશન કરાવવાના આરોપસર હાલ તપાસ ચાલી રહી છે. આ ઘર પછીથી ‘શીશમહેલ’ના નામે જાણીતું બન્યું. આ ભાઈએ રાજકારણમાં આવ્યા પહેલાં ઘર-ગાડી, બંગલા લેવાની ના પાડી દીધી હતી. પછીથી શું થયું તે સુજ્ઞ વાચક જાણે છે. આજે તેમની પાસે એ બધું જ છે, જે લેવાની તેઓ અને તેમના ચેલાઓ એક સમયે ના પાડતા હતા. 

    કેજરીવાલે દેશની સેવાના નામે રાજકારણમાં ઝંપલાવ્યું હતું, આજે તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ ચાલે છે. તેમણે દિલ્હીની જનતાને જે મોટા-મોટા વાયદાઓ કર્યા હતા તેમાંથી ઘણા હજુ ઠેરના ઠેર છે. વર્ષના છ મહિના તેમને પાડોશી ભાજપશાસિત રાજ્યો અને કેન્દ્ર સરકાર પર પોતાની નિષ્ફળતાઓનો દોષ નાખવામાં વીતી જાય છે. હમણાં દિવાળી આવશે અને દિલ્હીમાં પ્રદૂષણ વધશે. કેજરીવાલ એક દિવસ સામે આવીને કહી દેશે કે હરિયાણાવાળાઓ બરાબર કામ કરતા નથી કે UPવાળાઓ સરખું જોતા નથી. ન કરે નારાયણને હરિયાણામાં કોંગ્રેસની સરકાર આવી ગઈ તો હિમાચલમાં કર્યું હતું તેમ કેજરીવાલ હરિયાણાને પણ ગાળો દેવાનું બંધ કરી દેશે અને ફોકસ માત્ર ‘UP’ પર રહેશે. 

    આવું બધું કરવા છતાં પણ જો કેજરીવાલને કોઈ ‘ફકીર’ કહેતું હોય તો તેમની રાજકીય સમજ પર દયા ખાવી જોઈએ. 

    બીજી તરફ, મોદીની જ્યાં સુધી વાત છે, તો સરળ પ્રશ્ન એ છે કે મોદી સત્તા શું કામ છોડે? 10 વર્ષ નિષ્કલંક રહીને મોદીએ સરકાર ચલાવી છે. આજ સુધી તેમની ઉપર ભ્રષ્ટાચારનો એક આરોપ પણ લાગ્યો નથી. જેઓ મોદી પર આરોપ લગાવતા રહે છે તેઓ ક્યાંય સાબિત કરી શક્યા નથી. લોકોએ તેમને સતત ત્રીજી વખત બહુમતી આપીને સત્તા પર બેસાડ્યા છે તો મોદી સત્તા કેમ છોડે? 

    ફકીરી 45 કરોડના શીશમહેલમાં રહેવાને ન કહેવાય. ફકીરી એને કહેવાય જ્યારે તમારી પાસે હાથમાં ચલાવવા માટે આખો દેશ હોય છતાં ‘રાષ્ટ્ર સર્વપ્રથમ’નો ભાવ રાખીને તમે દેશસેવા માટે વળગેલા રહો.  ન પરિવારને પ્રાથમિકતા, ન ઓળખીતા-પાળખીતાને લાભ પહોંચાડવાનો પ્રયાસ. કાયમ ‘રાષ્ટ્રહિત સર્વોપરિ’ના ભાવ સાથે મોદીએ સેવા કરી અને લોકપ્રિયતાના આ સ્તર સુધી પહોંચ્યા છે. આ યશ, કીર્તિ અને પ્રચંડ લોકપ્રિયતા મોદી મહેનતથી કમાયા છે, ચોપાનિયાંમાં ભાટાઈ કરતા લેખો છપાવીને મોદી બનાતું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં