AI રિસર્ચર અને અમેરિકાના જાણીતા પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટમાં PM મોદીએ અનેક વિષયો પર વાત કરી. તેમણે ભારતની સાંસ્કૃતિક, ભાષાકીય અને ક્ષેત્રીય વિવિધતા વિશે પણ ઊંડાણપૂર્વક વાત કરી અને જણાવ્યું હતું કે, ભારતીયો માત્ર એક નામ સાથે જોડાયેલા છે અને તે નામ છે ‘રામ’. વડાપ્રધાન મોદીએ ભગવાન રામને એક ‘સૂત્ર’ ગણાવ્યા છે, જે ભારતની ભાતીગળ વિવિધતાને પણ એક તાંતણે બાંધે છે અને સૌને એક હોવાનો અનુભવ કરાવે છે.
લેક્સ ફ્રિડમેને પોડકાસ્ટમાં પૂછ્યું હતું કે, ભારતને એક તાંતણે બાંધનારો વિચાર કે બાબત કઈ છે અને રાષ્ટ્ર તરીકે ભારત શું છે? જવાબમાં PM મોદી કહે છે કે, “ભારત એક સાંસ્કૃતિક ઓળખ છે. તે એક સભ્યતા છે, જે હજારો વર્ષ પ્રાચીન છે. 100થી વધારે ભાષાઓ અને હજારો બોલીઓ સાથે ભારતની વિશાળતાની કલ્પના કરો.” વધુમાં તેમણે ‘બાર ગાઉએ બોલી બદલે’ની કહેવત પર ભાર આપતા કહ્યું હતું કે, અપાર વિવિધતા હોવા છતાં, એક સામાન્ય સૂત્ર (દોરી) છે, જે દેશને એક કરે છે, તે છે – ભગવાન રામ.
આખા દેશમાં ગુંજતી ભગવાન રામની ગાથાઓ પર પણ વડાપ્રધાન મોદીએ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભગવાન રામથી પ્રેરાયેલું નામ દેશના દરેક ખૂણે મળી આવે છે. ગુજરાતમાં રામભાઈથી લઈને તમિલનાડુમાં રામચંદ્રન અને મહારાષ્ટ્રમાં રામ ભાઉ સુધી. તેમણે કહ્યું હતું કે, આ અનોખુ સાંસ્કૃતિક બંધન ભારતને એક સભ્યતા તરીકે એક સાથે જોડે છે.
દેશની લગભગ તમામ ભાષાઓમાં રચાયું છે મહાકાવ્ય રામાયણ
વડાપ્રધાન મોદીએ ખૂબ જ સુંદર રીતે વર્ણન કર્યું છે કે, કઈ રીતે હિંદુ ધર્મ, ખાસ કરીને ભગવાન રામ એક અવિભાજ્ય સૂત્ર છે, જેણે ભાષા, પ્રાંત અને સાંસ્કૃતિક સીમાઓથી પરે જઈને ભારતની વિશાળ અને વૈવિધ્યસભર સભ્યતાઓને એક તાંતણે જોડી છે. આ વિશેષ લેખમાં આપણે પણ આધ્યાત્મિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી ભારત અને વિશ્વના પ્રત્યેક કણમાં રામના અસ્તિત્વ વિશેની ચર્ચા કરીશું. ભારતીય સંસ્કૃતિમાં રામ માત્ર એક ભગવાન કે રાજા નથી, પરંતુ રામ એક લાગણી છે અને ભારતનું ગૌરવ પણ છે.
ભગવાન રામ અને તેમની વીરતાની પવિત્ર ગાથા- રામાયણ પણ દેશની લગભગ બધી જ ભાષાઓમાં રચાઇ છે અને બધી જ પૂજનીય પણ છે. જે-તે વિસ્તારની લોકસંસ્કૃતિ, લોકપરંપરા, લોકનૃત્ય અને સાહિત્ય તથા તહેવારોમાં પણ આ રામાયણ જીવંતતા સાથે પ્રગટ થાય છે અને લોકોને એક તાંતણે જોડે છે. રામ માત્ર હિંદુઓના ભગવાન કે મહાપુરુષ નથી. રામ ભારતના ભૂતકાળનું સત્ય છે અને ભવિષ્યનું સ્વપ્ન પણ છે.
ઋષિ વાલ્મીકિ રચિત રામાયણ માત્ર પ્રાચીન હિંદુ ગ્રંથો સુધી સીમિત એક સ્થિર મહાકાવ્ય નથી, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક સારમાં સમાયેલું અમૃત છે, જે લગભગ ભારતની અને વિદેશની મોટાભાગની ભાષાઓમાં અનુવાદિત થયું છે. ભારતીય ભાષાઓએ રામાયણ ગ્રંથને ક્યારેય પ્રાચીન થવા જ નથી દીધો, સમયાંતરે અનેક ભાષાઓમાં તેનો ભાવાનુવાદ થયો છે.
પછી તે તુલસીદાસ રચિત રામચરિતમાનસ હોય, ગીતાવલી હોય, મરાઠીમાં રચાયેલ ગીત રામાયણ હોય, તમિલ રામાયણ હોય, તેલુગુ રામાયણ હોય, ઉર્દૂ હોય, કન્નડ હોય, ગુજરાતી હોય, અવધિ હોય, જૈન રામાયણ હોય, બૌદ્ધ રામાયણ હોય કે શીખોની રામાયણ હોય. બધી જ ભાષાઓ અને સંસ્કૃતિએ રામને પોતાના આરાધ્ય માન્યા છે અને એક કારણ આ પણ છે કે, રામ સૌ કોઈને જોડનારું એક સૂત્ર છે. ભારતીય ભાષાઓની સાથ-સાથે હવે રામાયણ મહાકાવ્ય વૈશ્વિક ભાષાઓમાં પણ અનુવાદિત થયું છે.
ભારતની સંસ્કૃતિમાં ભગવાન રામ સર્વસ્વ છે. રામાયણ એ ભારતનું પ્રથમ મહાકાવ્ય છે, જે દેશની ભાષાઓ, કળાઓ, પરંપરાઓ અને લોકોના જીવનમાં સમાયેલું છે. ગુજરાત, રાજસ્થાનમાં રામદેવપીરની પરંપરા હોય કે દક્ષિણ ભારતમાં કંબનનું ‘કંબ રામાયણ’, રામની કથા દરેક પ્રદેશમાં અલગ-અલગ રૂપે ભજવાય છે, ઉત્તર ભારતમાં ખાસ કરીને રામલીલા ભગવાન રામના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવામાં ઉમદા ફાળો આપે છે. ભગવાન શ્રીરામના અયોધ્યા પરત ફરવાના આંદનમાં ઉજવાતી દિવાળી, ભારતનો સૌથી મોટો તહેવાર છે. આ તહેવાર માત્ર ધાર્મિક નથી, પણ સામાજિક સંવાદિતા અને એકતાનું પ્રતીક પણ છે.
ભૌગોલિક રીતે પણ સમગ્ર ભારતને એક કરે છે પ્રભુ રામ
ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રીરામનું જીવન એક વિશાળ ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલું છે. માતા સીતાના જન્મસ્થાન નેપાળના જનકપુરથી લઈને રાવણના સામ્રાજ્ય શ્રીલંકા સુધી રામનું જીવન પ્રસરેલું છે. જેમાં વચ્ચે આવે છે, મધ્ય પ્રદેશનું ચિત્રકૂટ, મહારાષ્ટ્રના નાસિકમાં પંચવટી, કર્ણાટકમાં કિષ્કિંધા, તમિલનાડુમાં રામેશ્વરમ અને ગુજરાત. ભગવાન રામનો જન્મ ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર અયોધ્યામાં થયો હતો. અવધ ક્ષેત્રમાં ભગવાન રામને રાજા તરીકે આજે પણ પૂજવામાં આવે છે. હિંદુ આસ્થાનું પ્રતિક અયોધ્યા, તે સ્થાન છે, જેણે ભગવાન રામના દેદીપ્યમાન રાજ્યથી લઈને ઇસ્લામી આક્રાંતા બાબરના વિધ્વંસક હુમલા સુધીનું બધુ નરી આંખે જોયું છે. ભૂંસાઈ ગયા એ ઇસ્લામી આક્રાંતાઓ જે આ દેશમાંથી રામનું પ્રતિક ભૂંસવા માંગતા હતા.
ભગવાન રામે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર યાત્રા કરી છે. તેમણે નેપાળથી લઈને છેક શ્રીલંકા સુધી પોતાના સામર્થ્ય અને પવિત્રતાનો સંદેશ આપ્યો છે. ગુજરાતમાં માતા શબરીના બોર ખાવાથી લઈને તમિલનાડુમાં ભગવાન રામેશ્વરમની શિવલિંગ સ્થાપવા સુધી. રામ આજે પણ આ સમગ્ર ભૌગોલિક સ્થાનની લોકસંસ્કૃતિમાં વણાયેલા છે. રામ આજે પણ લોકકથાઓ અને પરંપરાઓમાં જીવિત છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના રાજા રામથી લઈને ઉત્તર ભારતના ‘રામ રામ’ના આવકાર સુધી રામ જીવિત છે. ઉત્તર ભારતમાં આજે પણ દરેક ઘરમાં રામચરિતમાનસ મળી આવે છે, દક્ષિણ ભારતમાં પણ આજે ‘કંબ રામાયણ’ મળી આવે છે.
હજારો વૈવિધ્યા હશે, પ્રાંતવાદ હશે, ભાષાવાદ હશે, સામાજિક ભિન્નતા હશે, પરંપરા અલગ હશે. પરંતુ તમામમાં ‘રામ’ હશે. આ માત્ર બે અક્ષરનું નામ ભારતને અડીખમ ઐક્યતા આપી રહ્યું છે. હજારો અનેકતા હોવા છતાં રામ એકતાનું સૂત્ર બનીને બધી સંસ્કૃતિઓ, પરંપરાઓ, લોકકથાઓને એકબીજા સાથે જોડે છે અને ભારતની મહાન સભ્યતાને ઊભી કરે છે. એટલે જ તો કહેવાય છે કે, ભારતના મૂળમાં રામ છે.
વૈશ્વિક સ્તરે પણ ‘સત્ય અને પરાક્રમ’નું પ્રતીક છે ભગવાન રામ
રામ એ માત્ર એક નામ નથી, એક પાત્ર નથી, પણ એક એવું જીવનમૂલ્ય છે જે સદીઓથી ભારતની સંસ્કૃતિ, ધર્મ અને આધ્યાત્મિકતાને આકાર આપે છે. રામ એટલે મર્યાદા પુરુષોત્તમ, જેમણે પોતાના જીવન દ્વારા ન્યાય, ધર્મ, કર્તવ્ય અને પ્રેમનું ઉદાહરણ રજૂ કર્યું. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન રામનું સ્થાન એટલું ઊંડું છે કે તેમનું નામ લેતાં જ લોકોના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનો સંચાર થાય છે. પરંતુ રામનું મહત્ત્વ માત્ર ભારત પૂરતું સીમિત નથી. તેમની વિચારધારા અને જીવનશૈલી વિશ્વના ખૂણે ખૂણે પ્રસરી છે, જે એક સાર્વત્રિક સંદેશ આપે છે – સત્ય અને ધર્મના માર્ગે ચાલવું એ જ જીવનનો સાચો હેતુ છે.
ભગવાન રામની મહાન કથા ભારતની સીમાઓને પાર કરીને વિશ્વભરમાં પ્રસરી છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં, ખાસ કરીને થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, કંબોડિયા અને મલેશિયામાં, રામાયણના સ્થાનિક સંસ્કરણો જોવા મળે છે. થાઈલેન્ડનું રાષ્ટ્રીય કાવ્ય છે ‘રામકિયેન’, કંબોડિયામાં પણ ‘રિયમકેર’ (રામની મહિમા) રાષ્ટ્રીય કાવ્ય છે અને ઈન્ડોનેશિયાનું ‘કાકવિન રામાયણ’ તથા મલેશિયાનું ‘હિકાયત સેરી રામ’ એ ભગવાન રામની વૈશ્વિક આસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. તે સિવાય લાઓસ અને મ્યાનમારમાં પણ ક્રમશઃ ‘ફ્રા લાક ફ્રા લામ’ અને ‘યામા જાટડાવ’ જેવા રામાયણ સંસ્કરણો મળી રહે છે. આ દેશોમાં રામને એક નાયક તરીકે માનવામાં આવે છે, જે ન્યાય અને સત્યની લડતનું પ્રતીક છે.
આધુનિક સમયમાં, ભગવાન રામનો દિવ્ય સંદેશ પશ્ચિમી વિશ્વમાં પણ પહોંચી ગયો છે. અયોધ્યાના દિવ્ય આદર્શોને ‘રામરાજ્ય’ના રૂપમાં વિશ્વએ સ્વીકાર્યા, જે એક એવી વ્યવસ્થા છે જ્યાં ન્યાય, સમાનતા અને શાંતિ પ્રવર્તે છે. રામરાજ્યના આ દિવ્ય વિચારે વિશ્વના અન્ય નેતાઓ, જેમ કે માર્ટિન લ્યુથર, કિંગ જુનિયરને પ્રેરણા પણ આપી છે. રામ પરોક્ષ રીતે વિશ્વનું એક આભૂષણ બન્યા છે અને સમાનતા, એકતા, પ્રામાણિકતા અને વચનબદ્ધતા માટે સમગ્ર વિશ્વ આજે નતમસ્તક છે.
બ્રહ્માંડના કણ-કણમાં રમે છે તે છે રામ….
ભારત એક એવી ભૂમિ છે જ્યાં આધ્યાત્મિકતા દરેક શ્વાસમાં સમાયેલી છે. આ દેશની માટીમાંથી ઉદ્ભવેલી અનેક સંસ્કૃતિઓ, ધર્મો અને પરંપરાઓ હોવા છતાં એક દિવ્ય શક્તિ છે જે આ બધાને એક સૂત્રમાં પરોવે છે, તે છે ભગવાન રામ. દંડકારણ્યના બૃહદ જંગલોથી લઈને જીવંત કિષ્કિંધા સુધી, ભગવાન રામની ગાથા, તેમની યાત્રા અને તેમનું તેજ ભારતીય સભ્યતાને એક સાથે જોડે છે. રામ ફક્ત એક ઐતિહાસિક પાત્ર કે રાજકુમાર નથી, તે એક આધ્યાત્મિક ચેતના છે, જે ભારતના આત્માને જાગૃત કરે છે અને તેને એકતાના પવિત્ર બંધનમાં બાંધે છે. તેમનું નામ, તેમનું જીવન અને તેમના આદર્શો એ ભારતની આધ્યાત્મિક ધરોહરનો પાયો છે, જે સદીઓથી આ દેશના લોકોને દિવ્ય માર્ગે લઈ જાય છે.
ભગવાન રામ ન માત્ર એક ઐતિહાસિક મહાપુરુષ છે, પરંતુ તેઓ અતીતને વર્તમાન, વિસ્તારને વિસ્તાર, હ્રદયને હ્રદય અને આત્માને આત્મા સાથે જોડતા એક સેતુ છે. તેઓ વાસ્તવિક ‘રામસેતુ’ છે. ગૌસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે કે,
हरि अनंत हरि कथा अनंता।
कहहिं सुनहिं बहुबिधि सब संता॥
रामचन्द्र के चरित सुहाए।
कल्प कोति लगि जाहिं न गाए॥
તેનો અર્થ છે, “હરિ (ભગવાન વિષ્ણુ) અનંત છે અને તેમની કથા પણ અંત છે. બધા જ સંતો તેમને અનેક પ્રકારે કહે અને સાંભળે છે. રામચંદ્રના સુંદર ચરિત્રને કરોડો કલ્પોમાં પણ વ્યક્ત કરી શકાય તેમ નથી.” વડાપ્રધાન મોદીએ જ્યારે ફ્રિડમેનને કહ્યું કે, રામ એક સૂત્ર છે, ત્યારે તેઓ સહેજ પણ ખોટા નહોતા. તેમણે આધ્યાત્મિક, સાંસ્કૃતિક, ભૌતિક અને ભૌગોલિક બાબતોને ધ્યાને રાખીને ખૂબ જ ઉમદા ઉત્તર આપ્યો હતો અને ગહન ચિંતન રજૂ કર્યું હતું.
આજના યુગમાં, જ્યાં મનુષ્ય ભૌતિક સુખોની પાછળ દોડી રહ્યો છે, ત્યારે રામનું જીવન અને તેમના આદર્શો એક પ્રકાશસ્તંભની જેમ ઉભા છે. આધુનિક ભારતમાં રામ મંદિરનું નિર્માણ એ ફક્ત એક ભૌતિક ઘટના નથી, પરંતુ રામની આધ્યાત્મિક ચેતનાનું પુનર્જાગરણ છે. આ મંદિર દર્શાવે છે કે રામ આજે પણ ભારતીયોના હૃદયમાં જીવંત છે. ભારતની આધ્યાત્મિક યાત્રામાં રામ એક એવું સૂત્ર છે જે દરેક આત્માને એક કરે છે. તેમનું નામ એક ધ્યાન છે, તેમનું જીવન એક સાધના છે અને તેમની કથા એક મોક્ષમાર્ગ છે. ભારત અને શ્રીલંકાને ભૌતિક રીતે જોડતા રામસેતુની જેમ, રામની ચેતના આધ્યાત્મિક રીતે ભારતના દરેક હૃદયને જોડે છે.
જ્યારે સ્પષ્ટ શબ્દોમાં પૂછવામાં આવે કે શું છે રામ? ત્યારે તેનો એકમાત્ર ઉત્તર હોય છે ‘रमंति इति रामः’- બ્રહ્માંડ જેનામાં રત છે તે રામ છે, જે પ્રત્યેક હ્રદયમાં પરોક્ષ રીતે રત છે તે રામ છે. ભારતની આધ્યાત્મિક શક્તિઓનો સમૂહ છે તે રામ છે. બ્રહ્માંડના કણ-કણમાં જે રમે છે, તે રામ છે. આ જ કારણ છે કે, રામ વિશ્વ અને ભારતને એક તાંતણે જોડનારું એક મહત્વપૂર્ણ સૂત્ર પણ છે. રામ છે તો વિશ્વ છે અને બ્રહ્માંડ છે. કારણ કે, આખું બ્રહ્માંડ રામમાં ખીલી રહ્યું છે. રામ જ તેમને ઉછેરે છે અને રામ જ તેમને સહે છે.
વડાપ્રધાન મોદીએ પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ભારતને એક તાંતણે બાંધતું સૂત્ર ‘રામ’ છે. જો ખરેખર ગહન ચિંતન કરવામાં આવે તો તેમણે બ્રહ્માંડનું સૌથી મોટું સત્ય આખી દુનિયા સામે રાખી દીધું છે.