નવરાત્રિ પૂર્ણ થયા બાદ દસમા દિવસે દેશભરમાં દશેરાની ઉજવણી થાય છે. ભગવાન રામે આ જ દિવસે રાવણનો વધ કરીને સત્ય અને ધર્મનો પ્રકાશ ચોતરફ પાથર્યો હતો. ત્યારથી લઈને હમણાં સુધી દેશભરમાં રાવણ દહનની પરંપરા પણ ઉજવામાં આવે છે. પરંતુ તે સાથે ભારતના કેટલાક વિસ્તારોમાં ‘જેલેબી-ફાફડા’ આરોગવાનો રસપ્રદ રિવાજ પણ પ્રચલિત છે. ખાસ કરીને ગુજરાત અને તેની આસપાસ જોડાયેલા વિસ્તારોમાં આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. નવ દિવસ ગરબાની રમઝટ બોલાવ્યા બાદ દસમા દિવસે જલેબી-ફાફડા ખાઈને દશેરા ઉજવામાં આવે છે અને તે માટે રાજ્યભરમાં પડાપડી પણ જોવા મળે છે.
માતાજીના નવલા નોરતા પત્યા બાદ માઈભક્તોના નવ દિવસના વ્રત-ઉપવાસ પણ જલેબી-ફાફડા સાથે જ પૂર્ણ થાય છે અને આ પરંપરા ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ જોવા મળે છે. દશેરાના દિવસે વહેલી સવારથી જલેબી-ફાફડાની દુકાનો પર પડાપડી જોવા મળે છે, તેમ છતાં લોકો કલાકો સુધી કતારમાં ઊભા રહ્યા બાદ પણ જલેબી-ફાફડા લાવીને આરોગે છે અને નવ દિવસના વ્રતની પૂર્ણાહુતિ કરે છે. સામાન્ય રીતે આવા ‘રસપ્રદ વ્યંજનો’ મળતા હોય એટલે કોઈ તેની પરંપરા વિશે ઊંડાણપૂર્વક સંશોધન કરવામાં રસ ન ધરાવે. પરંતુ આજે તે દિશામાં જવાનો એક પ્રયાસ તો કરીએ.
એવું તો શું કારણ છે કે, ગુજરાતમાં જલેબી-ફાફડા વગર દશેરા અધૂરા ગણાય? ક્યારથી આ પરંપરા ચાલી આવી છે? તેનું કોઈ વૈજ્ઞાનિક કારણ છે કે માત્ર સાંસ્કૃતિક અને ધાર્મિક કારણોસર જ જલેબી-ફાફડા ખવાય છે? વિજયાદશમી સાથે તેનો શું સંબંધ છે? શા માટે દશેરાના દિવસે જ જલેબી-ફાફડા ખાનારાઓની સંખ્યા વધી જાય છે? જલેબી-ફાફડાનો આનંદ માણ્યા બાદ એક વખત તો સામાન્ય રીતે આ પ્રશ્નો મગજમાં તરી જ આવે. તો આજે એ જ પ્રશ્નોના આપણે જવાબ મેળવવા પ્રયાસ કરીશું.
શા માટે દશેરા પર ખવાય છે જલેબી-ફાફડા?
દશેરા પર જલેબી-ફાફડા ખાવાનું માહાત્મ્ય શું છે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે ઑપઇન્ડિયાએ વિવિધ ત્રણ જ્યોતિષાચાર્યોનો સંપર્ક કર્યો હતો. ત્રણેય આચાર્યોએ આ પરંપરા વિશે વિગતે માહિતી આપી હતી. આચાર્ય મૈત્રી શુક્લાએ જણાવ્યું કે, આ પરંપરા એક લોકકથા અથવા તો એક લોક ઇતિહાસ સાથે સંબંધ ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે, ભગવાન શ્રીરામને શાશકૌલી નામની એક મીઠાઇ ખૂબ પ્રિય હતી. તે મીઠાઇને આજે આપણે જલેબી તરીકે ઓળખીએ છીએ. સાકર અથવા તો ગોળની ચાસણીમાંથી વર્તુળાકાર બનતી આ મીઠાઇ આધુનિક ભાષામાં જલેબી તરીકે ઓળખાય છે. કહેવાય છે કે, નવ દિવસના અનુષ્ઠાન બાદ આખરે પ્રભુ શ્રીરામે રાવણ રૂપી અંધકાર અને અસત્યનો નાશ કર્યો હતો.
આચાર્ય મૈત્રીએ વધુમાં કહ્યું કે, રાવણને માર્યા બાદ ભગવાન રામે શાશકૌલી આરોગીને અનુષ્ઠાન પૂર્ણ કર્યું હતું અને બીજી તરફ અયોધ્યામાં પણ ભગવાન રામના વિજયની ગાથા વાયુવેગે પ્રસરી ગઈ હતી, તેથી અયોધ્યાવાસીઓએ પણ ઘરમાં શાશકૌલીના આંધણ મૂકીને મોં મીઠા કર્યા હતા. ત્યારથી લઈને આજ સુધી આ પરંપરા ચાલી આવે છે. આજે કદાચ શાશકૌલી વિશે કોઈને ખ્યાલ નહીં હોય, પરંતુ જલેબી ખાઈને લોકો અસત્ય પર સત્યના વિજયની મંગળ ઉજવણી કરે છે. તેથી દશેરાના પર્વ પર જલેબી-ફાફડા ખાવાની આ પરંપરા અસ્તિત્વમાં આવી છે.
જલેબીનું ઐતિહાસિક મહત્વ
અન્ય એક આચાર્ય હિતેષ રાજ્યગુરુએ પણ આ વિશે ચર્ચા કરતાં ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, પ્રાચીન સંસ્કૃત પ્રશિષ્ઠ અને ભદ્ર સાહિત્યમાં જલેબીને શાશકૌલી તરીકે ઉલ્લેખવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, તે સિવાય જલેબીને કર્ણશશકૂલિકા પણ કહેવામાં આવતી હતી. વધુમાં કહ્યું કે, 17મી સદીમાં મરાઠા બ્રાહ્મણ રઘુનાથે તેનો ઉલ્લેખ ‘સુધા કુંડલિની’ તરીકે કર્યો હતો અને ભોજનકુટુહાલ નામના એક સંસ્કૃત પુસ્તકમાં જલેબીનું નામ શાશકૌલી તરીકે વર્ણવાયું છે. હિતેષ રાજ્યગુરુએ દશેરા પર્વ પર જલેબી-ફાફડા ખાવાની પરંપરાને ભગવાન રામ સાથે જોડાયેલી હોવાનું કહ્યું હતું અને હિંદુ ધર્મની માન્યતા અનુસાર, તે પરંપરા ઉજવાતી હોવાનું જણાવ્યું હતું.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો ત્યારે સમગ્ર રાજ્યમાં જલેબીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ રીતે જલેબી અને ફાફડાનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ દશેરા દરમિયાન તેને હોંશે-હોંશે આરોગવાની પરંપરાને વધુ મજબૂત બનાવે છે.
જેલબીની સાથે ફાફડા જ શા માટે?
હવે એ પ્રશ્ન થશે કે, જલેબી ખાવાની પરંપરા તો સમજી શકાય કે, તેના મૂળ કોઈ રીતે ભગવાન રામ સાથે જોડાયેલા છે. પરંતુ, તેની સાથે ખવાતા ગુજરાતી ફાફડા પાછળનો શું ઇતિહાસ છે. તો તેનો જવાબ પણ આચાર્ય હિતેષે આપ્યો હતો. તેમણે કહ્યું કે, હિંદુ ધર્મની માન્યતા અનુસાર, કોઈપણ વ્રત કે ઉપવાસને ચણાના ભોજન સાથે પૂર્ણ કરવી ખૂબ ઉત્તમ ગણાય છે. ખાસ કરીને 9 દિવસ જેટલો લાંબો ઉપવાસ પૂર્ણ કરીને દસમા દિવસે હળવું ભોજન કરવું જોઈએ, જેથી શરીર પર તેની વિપરીત અસર ન થાય. આ કારણોને ધ્યાને રાખીને ફાફડાને ભોજન તરીકે સ્વીકારવામાં આવ્યું હતું અને જલેબીને પણ જાણે તેનો ખોવાયેલો મિત્ર મળી ગયો હોય, તેમ બંનેની જોડી પ્રસિદ્ધ થઈ હતી અને આ કારણે જલેબી અને ફાફડાનો ખોરાક એક પરંપરા બની ગઈ હતી.
અન્ય એક આચાર્ય વિશાલ રાજ્યગુરુએ જલેબી-ફાફડા આરોગવાનું વૈજ્ઞાનિક મહત્વ પણ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દશેરા પર જલેબી-ફાફડા આરોગવાનું એક વૈજ્ઞાનિક તથ્ય પણ છે, સામાન્ય રીતે દશેરા એવી ઋતુમાં આવે છે, જ્યારે વાતાવરણ બદલાતું હોય છે અને દિવસ ગરમ તથા રાત્રિ થોડી ઠંડી હોય છે. વિજ્ઞાન અનુસાર, આવી ઋતુમાં જલેબીનું સેવન કરવું શરીર માટે અમુક અંશે સારું ગણવામાં આવે છે. ગરમ જલેબીમાં ટિરામાઇન નામનું તત્વ હોય છે, જે શરીરમાં સેરોટોનિમ તત્વને કંટ્રોલ કરે છે. ખાસ તો નવ દિવસના ઉપવાસ બાદ શરીરમાં બ્લડ શુગર લેવલ ડાઉન થઈ જાય છે, તેથી જલેબી ખાવાથી આ તમામ પ્રશ્નોનું સમાધાન પણ થઈ શકે છે. બીજું કે, જલેબી માઈગ્રેનની સારવારમાં અસરકારક છે અને તે માનવ શરીરને ખરાબ કાર્બોહાઇડ્રેટ્સથી પણ બચાવી શકે છે.