Friday, June 28, 2024
More
    હોમપેજસ્પેશ્યલકોણ હતા ચાપેકર બંધુઓ, જેમના બલિદાને અંગ્રેજો વિરુદ્ધની ક્રાંતિનો નવો અધ્યાય લખ્યો:...

    કોણ હતા ચાપેકર બંધુઓ, જેમના બલિદાને અંગ્રેજો વિરુદ્ધની ક્રાંતિનો નવો અધ્યાય લખ્યો: ભારતના ઇતિહાસની અવિસ્મરણીય તારીખોમાં એક 22 જૂન પણ

    ચાપેકર બંધુઓની વાત કરીએ તો તેઓ મહારાષ્ટ્રના પુને પાસેના એક ગામમાં હરી વિનાયક ચાપેકરના ઘરે ત્રણ સંતાનોનો જન્મ થયો. નામ રાખ્યા દામોદર હરી ચાપેકર, બાલકૃષ્ણ હરી ચાપેકર અને વાસુદેવ હરી ચાપેકર. ચાપેકર પરિવારના ત્રણેય દીકરાઓના લોહીમાં દેશભક્તિ અને રાષ્ટ્રવાદ વહેતો હતો.

    - Advertisement -

    પરાધીન ભારતના ઈતિહાસના ગર્ભમાં અનેક નામી-અનામી રણબંકા શુરવીર સ્વતંત્ર સેનાનીઓના લોહીએ તે સમયે આજની સ્વતંત્રતાને સીંચી હતી. સંપૂર્ણ સ્વતંત્રતાનો સંગ્રામ શરૂ થયો તે સમયે એવા અઢળક સ્વતંત્રતા સેનાનીઓ હતા, જેમનાં નામ આજે સાવ વિસરાઈ ગયાં છે. ચાપેકર બંધુઓને આ યાદીમાં મૂકવા પડે, જેમની વીરતાએ ક્રાંતિની એવી જ્વાળા જગાવી જેણે અંગ્રેજોની ગુલામીની બેડીઓને ઓગાળી નાખી. 1857ના વિદ્રોહનાં 40 વર્ષ બાદ 22 જૂન, 1897ના રોજ ચાપેકર બંધુઓની વીરતાએ સ્વતંત્ર સંગ્રામનો દ્વિતીય અધ્યાય શરૂ કર્યો.

    આવા સ્વતંત્ર સેનાનીઓનો પરિચય આપવો, તે નિરાશાજનક બાબત છે. કારણ કે મોટાભાગના લોકો તેમને નહીં જ ઓળખતા હોય. ચાપેકર બંધુઓની વાત કરીએ તો મહારાષ્ટ્રના પુણે પાસેના એક ગામમાં હરિ વિનાયક ચાપેકરના ઘરે ત્રણ સંતાનોનો જન્મ થયો. નામ રાખ્યાં દામોદર હરિ ચાપેકર, બાલકૃષ્ણ હરિ ચાપેકર અને વાસુદેવ હરિ ચાપેકર. ચાપેકર પરિવારના ત્રણેય દીકરાઓના લોહીમાં દેશભક્તિ અને રાષ્ટ્રવાદ વહેતો હતો. એક જ લક્ષ્ય હતું કે ભારતની ભૂમિ પરથી અંગ્રેજોના શાસનને ઉખાડી ફેંકવું.

    મહારાષ્ટ્રમાં પ્લેગની બીમારી અને અંગ્રેજોના અત્યાચાર બંનેએ ભરડો લીધો

    વિશ્વમાં ભરડો લીધા બાદ તે સમયની જીવલેણ બીમારી પ્લેગે ભારતમાં દેખા દીધી. કેટલીક જગ્યાએ ટાંકવામાં આવ્યું છે કે 1855માં યુનાન ચીનથી ફેલાવવાનો શરૂ થયેલો પ્લેગ હોંગકોંગ થઈને મુંબઈ પહોંચ્યો. કહેવામાં આવે છે કે ચીનથી એક માલવાહક જહાજ હોંગકોંગ થઈને મુંબઈ આવ્યું. જહાજમાં સવાર લોકો પ્લેગથી ચેપગ્રસ્ત હતા. આ જહાજ મુંબઈમાં લાંગર્યું અને પ્લેગ ભારતમાં પ્રવેશ્યો. ખાસ કરીને મહારાષ્ટ્રના શહેરોમાં પ્લેગે ભરડો લીધો. અંગ્રેજોએ પહેલાં તો આંખ આડા કાન કર્યા, પરંતુ જેવા તેમના વેપાર પર ફટકા પડવાના શરૂ થયા કે તેમને ચિંતા થવા માંડી. વેપાર ન અટકે અને ખોટ ન જાય તેના લોભમાં અંગ્રેજોએ પહેલાં તો સ્વીકાર્યું જ નહીં કે પ્લેગ ફાટી નીકળ્યો છે.

    - Advertisement -

    મુબઈમાં પ્લેગે ભરડો લીધા બાદ પુનામાં ચેપ ન ફેલાય તે માટે અંગ્રેજોએ તૈયારી શરૂ કરી દીધી. પુણે રેલવે સ્ટેશન પર એક મેડિકલ ઓફિસર ખડકી દેવામાં આવ્યો. ચેપના શંકાસ્પદ દર્દીઓને બારોબાર ઉઠાવી લેવામાં આવતા. લોકો ટપોટપ મરવા લાગ્યા. સાવિત્રિબાઈ ફુલે અને તેમના દીકરા યશવંત તે પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની સેવા કરવામાં લાગી પડ્યા અને અંતે જનસેવામાં પોતાના પંડને ખપાવી દીધા. પુનામાં પ્લેગના પ્રથમ દર્દી 2 ઓકટોબર 1896માં સામે આવ્યા, ડિસેમ્બર મહિના સુધીમાં તો ચેપ ફેલાવવા લાગ્યો. ફેબ્રુઆરી 1897 સુધીમાં સેંકડો લોકોને પ્લેગ ભરખી ગયો.

    કાયદાના ઓથા હેઠળ ભારતની પ્રજા પર દમન

    પ્લેગના કારણે અંગ્રેજોના વિદેશી વેપાર પર માઠી અસર પડી. ચેપની બીકથી અનેક દેશોએ વેપાર બંધ કરી દીધો. અંગ્રેસ સરકાર ઘાંઘી થઇ ગઈ અને કોઈ પણ સંજોગોમાં પ્લેગને ડામવા માટે નતનવા પેંતરા કરવા લાગી. વાસ્તવમાં અંગ્રેજોને પણ તેના ઈલાજ કે પ્રસાર રોકવા માટે શું કરવું તેની કોઇ જાણ ન હતી. તેવામાં 1897માં બ્રિટીશ સરકારે એપેડેમીક ડિસીઝ એક્ટ પસાર કર્યો. આ કાયદા દ્વારા અંગ્રેજ અમલદારોને અત્યાચારનો છૂટ્ટો દોર મળી ગયો. કારણ કે આ નવા કાયદા મુજબ તેઓ મનફાવે તેવા આદેશો આપી શકતા હતા અને તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ ન થતી. કાયદો બનતાંની સાથે શરૂ થયો અંગ્રેજોનો અત્યાચારી ખેલ. બ્રિટીશ સરકારે પુણેમાં પ્લેગ સ્પેશ્યલ કમિટીનું ગઠન કર્યું અને વોલ્ટર રેન્ડ નામના ICS ઓફિસરની ચેરમેન તરીકે નિમણૂક કરી.

    સેનાની ટુકડીઓ બેલાવી લેવામાં અવી, સર્જન કેપ્ટન WW બેવરિજને પણ પુણે મોકલવામાં આવ્યા. વોલ્ટર રેન્ડે પહેલાં 20 અને બાદમાં 60 ટુકડીઓને છુટ્ટો દોર આપી દીધો. પ્લેગના દર્દીઓની તપાસના નામે ભારતીયો પર અત્યાચાર શરૂ કરી દેવામાં આવ્યો. અંગ્રેજ સરકારના સૈનિકો ગમે ત્યારે ગમે તેના ઘરમાં ઘૂસી જતા અને ઘરની જડતી લેતા. પૂજાઘરમાં કે રસોડામાં જોડા પહેરીને ઘૂસી જતા. પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે વૃદ્ધ, બંદુકની અણીએ લોકોને નિર્વસ્ત્ર કરવામાં આવતાં. પ્લેગના ચેપની તપાસના નામે અંગ્રેજ સેનાની ટુકડીઓ અત્યાચાર, લૂંટ અને છેલ્લે બળાત્કાર સુધી પહોંચી ગઈ. લોકોના ઘરમાં તોડફોડ કરવામાં આવતી. હિંદુઓના પૂજાસ્થળોને અપવિત્ર કરવામાં આવ્યાં. તપાસના નામે જાહેર રસ્તાઓ પર પુરુષો અને સ્ત્રીઓને નગ્ન કરવામાં આવ્યાં. લોકો ભારતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી.

    પુણેમાં અંગ્રેજોએ કરેલા અત્યાચારોના ચોતરફ પડઘા પડ્યા

    તે સમયએ નિયમ બનાવવામાં આવ્યો કે જે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, અને ખાસ કરીને જો તેમાં પ્લેગના દર્દીનું મૃત્યુ થયું હોય તો પહેલાં અંગ્રેસ સરકારના ચોપડે નોંધ કરવાની રહેતી. જો તેમ ન કરવામાં આવે તો અગ્નિસંસ્કાર ગેરકાયદે જાહેર કરી દેવામાં આવતા. જે ઘરમાંથી પ્લેગનો દરદી મળી આવે તેનું આખું ઘર નષ્ટ કરી નાખવામાં આવતું. અંગ્રેજોના આ ત્રાસથી લોકો તો ત્રાહી પોકારી ઉઠ્યા, સાથે જ સ્વતંત્ર સેનાનીઓનાં પણ લોહી ઉકળી ઊઠ્યાં. આ વિશે ગંગાધર તિલકે પણ ‘કેસરી’માં લખ્યું હતું કે, “પુનામાં છેલ્લા કેટલાક સમયથી જે ચાલી રહ્યું છે, તે પ્લેગ કરતાં પણ વધુ ભયાવહ છે. પ્લેગ કમિટીની બર્બરતાના કારણે લોકોનું જીવન ઝેર બન્યું છે.” તેમણે અખબારોમાં પણ આ મામલે બળાપો ઠાલવ્યો. ગોપાલ કૃષ્ણ ગોખલેએ પણ આ ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી. લંડનમાં ગાર્જિયન સાથે વાત કરતા તેમણે અંગ્રેજ સેના પર પ્લેગની તપાસના બહાને બે મહિલાઓ પર બળાત્કારનો પણ આરોપ લગાવ્યો. નોર્થ-વેસ્ટના LG એન્ટોની મેકડોનેલે જુલાઈ 1897માં ટિપ્પણી કરી હતી કે પ્લેગ વિરુદ્ધ અભિયાનના નામે પુણેની જેમ અન્ય શહેરોમાં પણ વ્યવસ્થા કરવામાં આવશે તો ભારે રક્તપાત થશે. એક અંગ્રેજ અધિકારીની આટલી ગંભીર ટીપ્પણી પરથી સમજી શકાય છે કે પરિસ્થિતિ શું રહી હશે.

    અંગ્રેજોના દમનથી ઉકળી ઉઠ્યા ચાપેકર બંધુઓ

    બીજી તરફ ચાપેકર બંધુઓના લોહી આ અત્યાચાર જોઈ ઉકળી ઉઠ્યા. તેમના પિતા દરબારોમાં સંસ્કૃત અને મરાઠી વ્યાખ્યાનો કરતા, પરંતુ બાળપણથી જ તેમણે પોતાના સંતાનોને દેશપ્રેમના ઘૂંટડા પીવડાવીને ઉછેર્યા હતા. અંગ્રેજો આપણા દેશ પર રાજ કરે તે વાત ચાપેકર બંધુઓને કોરી ખાતી હતી. દામોદર ચાપેકરે બોમ્બેમાં વિક્ટોરિયાના પુતળા પર ચપ્પલનો હાર પહેરાવીને પહેલાં જ અંગ્રેજોની નજરમાં આવી ગયા હતા. તેવામાં વોલ્ટર રેન્ડના અત્યાચારોથી ત્રણેવ ભાઈઓ વધુ ઉકળી ઉઠ્યા. ચાપેકર બંધુઓએ મનમાં રેન્ડનો વધ કરવાનો નિર્ણય કર્યો. ત્રણેય ભાઈઓએ બંદૂકો અને તલવારો સજાવી લીધી.

    વોલ્ટર રેન્ડને ચાપેકર બંધુઓએ ગોળીએ દીધો

    દિવસ આવ્યો 22 જૂન 1897નો. રાણી વિક્ટોરિયાના રાજ્યાભિષેકની હીરક જયંતીના અનુસંધાનમાં બ્રિટીશ શાસિત દેશોમાં ઉજવણી કરવામાં આવી રહી હતી. વર્તમાનમાં સેનાપતિ બાગપત માર્ગ તરીકે ઓળખાતા માર્ગ પર બે ભાઈઓ દામોદર અને બાલકૃષ્ણ વોલ્ટર રેન્ડની રાહ જોઇને સંતાયા હતા પરંતુ અનેક ઘોડાગાડીઓ વચ્ચે વોલ્ટરની સવારી ન ઓળખી શકાઈ. બાદમાં દામોદર હરિએ વોચ ગોઠવી રેન્ડના પરત આવવાની રાહ જોઈ. જેવો વોલ્ટર પરત આવ્યો, દામોદર તેની સવારી પાછળ દોડ્યા અને પોતાના ભાઈને “ગુંડયા આલા રે!” કહીને સાવધાન કર્યા. દામોદરે ચિત્તાની જેમ સવારી પર ચઢીને વોલ્ટર રેન્ડને ગોળી ધરબી દીધી. તેની પાછળ આવી રહેલો આય્રેસ્ટ નામનો રેન્ડનો અંગ્રેજ ફોજી બાલકૃષ્ણની ગોળીનો શિકાર થયો. આય્રેસ્ટને પ્રાણપંખીરૂ ત્યાં જ ઉડી ગયું, જ્યારે રેન્ડને સારવાર માટે ખસેડવામાં આવ્યો. 3 જુલાઈ, 1897ના રોજ તેનું પણ મૃત્યુ થયું.

    પુનામાં લાગેલી ચાપેકર બંધુઓની લોહ પ્રતિમા

    દ્રવિડ બંધુઓની ગદ્દારીએ ચાપેકર બંધુઓની ધરપકડ કરાવી

    1857ના વિદ્રોહને કચડી નાખ્યા બાદ અંગ્રેજો નિશ્ચિંત થઇ ગયા હતા. તેવામાં એક સાથે બે અંગ્રેજ અધિકારીઓની હત્યાથી બ્રિટીશ ખેમામાં ખળભળાટ મચી ગયો. કોઈને નહોતી ખબર કે આ હત્યાને અંજામ આખરે આપ્યો કોણે. બ્રિટીશ સરકાર પાસે હત્યારાઓને શોધવા માટે કોઈ જ રસ્તો નહતો. અંતે અંગ્રેજોએ લાલચની જાળ પાથરી અને હત્યારાઓની માહિતી આપનારને 20 હજારનું ઇનામ આપવાની ઘોષણા કરી. તે સમયના 20 હજાર એટલે અત્યારના તો લાખો-કરોડો રૂપિયા થાય. અંતે એ જ થયું જે વિચારીને અંગ્રેજોએ આ ઇનામ જાહેર કર્યું હતું. ચાપેકર બંધુઓના સાથી ગણાતા દ્રવિડ બંધુઓએ દગો કર્યો અને અંગ્રેજોને તેમની બાતમી આપી દીધી.

    અંગ્રેજ પોલીસને ચાપેકર બંધુઓનું પગેરું મળી ચૂક્યું હતું. સહુથી પહેલાં દામોદર ચાપેકરની ધરપકડ કરી લેવામાં આવી. બાલકૃષ્ણ ચાપેકર હાથમાં નહતા આવી રહ્યા, પરંતુ તેઓ પણ અંગ્રેજોના હાથમાં આવી ગયા. તેમની ધરપકડ પર કેટલાક લોકોનું માનવું છે કે તેઓ પોતે જ પોલીસ સામે હાજર થઈ ગયા હતા, તો કેટલીક જગ્યાએ તેવો ઉલ્લેખ છે કે બાલકૃષ્ણનો કોઈ મિત્ર પણ ફૂટી ગયો અને તેણે અંગ્રેજોને બાતમી આપી અને તેઓ પકડાયા. બાકી વધ્યા વાસુદેવ હરિ ચાપેકર, તો તેઓ પોતાના ભાઈઓ વિરુદ્ધ ગદ્દારી કરીને અંગ્રેજોના બાતમીદાર બનેલા દ્રવિડ બંધુઓના વધનો સંકલ્પ લઈને તેમની શોધમાં ફરી રહ્યા હતા. અંતે એક દિવસ વાસુદેવ ચાપેકર અને તેમના બે સાથીદાર મહાદેવ વિનાયક રનાડે તેમજ ખાંડો વિષ્ણુ સાઠે સાથે મળીને દ્રવિડ બંધુઓનો વધ કરવામાં સફળ રહ્યા. દ્રવિડ બંધુઓ સાથે બદલો લઈને ત્રણેવ ક્રાંતિકારીઓએ એ જ સાંજે એક બ્રિટીશ પોલીસ ફોર્સ માટે કામ કરતા ચીફ કોન્સ્ટેબલને મારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ વખતે તેઓ ચૂકી ગયા અને પોલીસના હાથમાં આવી ગયા.

    હસતા મોઢે ફાંસીના માંચડે ચઢી ગયા ચાપેકર બંધુઓ

    દામોદર જ્યારે પોલીસના હાથમાં આવ્યા ત્યારે તેમની ઉમર માત્ર 27 વર્ષની હતી. જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે લોકમાન્ય તિલક તેમની મુલાકાત કરવા ગયા હતા અને તેમને શ્રીમદ્ ભગવદ્ ગીતા આપી હતી. દામોદરને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી હતી પણ દેશભક્તિમાં ઓતપ્રોત દામોદર ચાપેકરના ચહેરા પર લેશ માત્ર ભય નહતો. તેમને વિશ્વાસ હતો કે જે ક્રાંતિના માર્ગ પર તેઓ ચાલી રહ્યા છે, તેમના બાદ તેના પર ચાલવાવાળા લોકોની સંખ્યા વધવાની છે. ચાપેકર બંધુઓએ જે વીરતાના પ્રમાણ આપ્યા, ક્રાંતિકારી લોકોમાં તેઓ નવું જનૂન બનીને ઉભરી આવ્યા. અંગ્રેજોએ કચડી નાખેલો 1857નો વિદ્રોહ જાણે આળસ મરડીને ઉભો થઈ રહ્યો હતો. કહેવામાં આવે છે કે જ્યારે દામોદરને ફાંસીના માંચડા સુધી લઈ જવામાં આવ્યા, ત્યારે તેમના હાથમાં ભગવદ્ ગીતા હતી અને મોં પર અંગ્રેજો વિરુદ્ધ સૂત્રોચ્ચાર. 18 એપ્રિલ 1898ના રોજ તેઓ ફાંસી પર ચઢી ગયા.

    તેમના ભાઈ વાસુદેવ ચાપેકર તે સમયે માત્ર 18 વર્ષના તેમના સાથી મહાદેવ ગોવિંદ વિનાયક રાનડે માત્ર 19 વર્ષના હતા. બંને વીરોને એક જ દિવસે 10 મે 1899ના રોજ અંગ્રેજોએ ફાંસી આપી દીધી. ત્રીજા ભાઈ બાલકૃષ્ણ ચાફેકરને 24 વર્ષની ઉમરમાં 12 મે, 1899ના રોજ ફાંસી આપવામાં આવી. મોતને વાહલું કરતી વેળાએ આ એક પણ વીરના ચેહરા પર લેશ માત્ર ડર નહતો. તેમની બલિદાન વેળાએ પણ તેમના મોઢે એક જ વાત હતી કે અંગ્રેજોને ભારત પર રાજ કરવાનો કોઈ અધિકાર નથી, અમે પરાધીનતાનો અસ્વીકાર કરીએ છીએ.

    ચાપેકર બંધુઓના બલિદાને શરૂ કર્યો ક્રાંતિનો નવો અધ્યાય

    ચાપેકર બંધુઓની દેશભક્તિ હિંદુત્વ પર આધારિત હતી તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જ્યારે ચાપેકર બંધુઓ વીરગતિ પામ્યા, તે સમયે વિનાયક સાવરકર માત્ર 16 વર્ષના હતા. કહેવામાં આવે છે કે આ બલિદાનથી તેઓ વ્યથિત થઈ ઉઠ્યા હતા અને તેમણે ચાપેકર બંધુઓના બલિદાન પાછળ આખી રાત શોક મનાવ્યો હતો. તેમણે ચાપેકર બંધુઓ પર એક ક્રાંતિકારી કવિતા પણ લખી હતી. ઉપરાંત, ગામના ભવાની મંદિરે જઇને તેમણે માતાજી સામે શપથ લીધા હતા કે તેઓ સશસ્ત્ર ક્રાંતિ થકી ભારતમાં સ્વતંત્રતા લાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેશે.

    ચાપેકર બંધુઓ કોઈ સંસ્થા કે ક્રાંતિકારીઓના નેટવર્કનો ભાગ ન હતા. રેન્ડની હત્યા પાછળ તેમનો એકમાત્ર આશય તેને સજા આપવાનો હતો. પરંતુ જાણ્યે-અજાણ્યે તેમણે ભારતમાં સ્વતંત્રતા સંગ્રામના એક નવા અધ્યાયનો આરંભ કરી દીધો હતો અને અનેક નવયુવાનોને શસ્ત્રો ઉપાડવા માટે પ્રેર્યા હતા. ત્યારપછીના પૂરા પાંચ દાયકા બાદ ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ, પરંતુ ચાપેકર બંધુઓએ જે પાયો નાખ્યો હતો, તેનાથી ત્યારપછીના આંદોલનોને એક નવો વેગ મળ્યો.

    (વધારાના સંદર્ભ: ‘સાવરકર: અ ફોરગોટન પાસ્ટ’, લેખક- વિક્રમ સંપત.

    રેવોલ્યૂશનરીઝ, લેખક- સંજીવ સાન્યાલ)

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં